Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

2 resultsfor “Bhakta · clear

bhakta
ભક્તિ કરનારો માણસ; પૂજારી; ઉપાસક. શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભક્તનાં લક્ષણ સંબંધી ભગવાન કહે છે કે: જે સર્વ ભૂતોનો દ્વેષ નહિ કરનાર, સર્વ તરફ મિત્રભાવે વર્તનાર, દયાળુ, મમતા વિનાનો, અહંકાર રહિત, સુખદુ:ખને સમાન માનનારો, ક્ષમાવાળો, સદા સંતોષી, યોગનિષ્ઠ, મનને વશ રાખનારો, દૃઢ નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલાં મન બુદ્ધિવાળો હોય છે, તે મારો ભક્ત મને પ્રિય છે. જેનાથી લોક ગભરાતા નથી અને જે લોકથી ગભરાતો નથી તથા જે હર્ષ ક્રોધ, ભય અને ગભરાટ કે કંટાળા વગરનો છે, તે ભક્ત મને પ્રિય છે. જે સ્પૃહા વિનાનો, પવિત્ર, ચતુર, પક્ષપાત રહિત, ભય વિનાનો અને સર્વ આરંભોને છોડનારો છે તે ભક્ત મને પ્રિય છે. જે હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી, શોક કરતો નથી, ઇચ્છા કરતો નથી અને શુભ અશુભ તજનાર તથા ભક્તિવાળો હોય તે મને પ્રિય છે. વળી જે શત્રુ કે મિત્ર ઉપર, માન કે અપમાનમાં, ટાઢ, તાપ, સુખ કે દુ:ખમાં સમાન ભાવવાળો અને સંગ રહિત હોય, નિંદા અને સ્તુતિને સમાન માને, મૌનધારી હોય, જે કંઈ આવી મળે તેથી સંતોષી રહે, ઘરબાર વિનાનો અને સ્થિર બુદ્ધિવાળો હોય તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે. જેઓ શ્રદ્ધાવાળા અને મારા પરાયણ થઈ આ ધર્મરૂપ અમૃતને જેમ કહ્યું છે તેમ બરાબર સેવે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે. વળી ભક્તોના પ્રકાર વિષે ભગવાન આગળ કહે છે કે: ભક્તો ચાર પ્રકારના છે: (૧) આર્ત, (૨) જિજ્ઞાસુ, (૩) અર્થાર્થી અને (૪) જ્ઞાની. જે રોગ અથવા બીજાં શરીરદુ:ખથી પીડાતો હોય અને તે દૂર કરવા પ્રભુને ઘણા કરુણભાવથી યાદ કરતો હોય તે આર્ત ભક્ત કહેવાય છે. જેમકે, દ્રૌપદી, ગજરાજ, સુધન્વા, જે રાત્રિદિવસ પ્રભુને શોધવા મચ્યો રહે છે, તે જિજ્ઞાસુ ભક્ત કહેવાય છે. જેમકે, સાધના કરનારા ઋષિમુનિઓ, પરિક્ષિત રાજા. જે શરીરસુખ, સ્ત્રીસુખ, પુત્રસુખ, રાજ્યસુખ, સ્વર્ગસુખ અને બીજા સાંસારિક પદાર્થોની પ્રાપ્તિને માટે પ્રભુને યાદ કરે છે, તે યર્થાર્થી ભક્ત કહેવાય છે. જેમકે, ધ્રુવ, વિભીષણ, સુગ્રીવ જે શરીરનાં સુખદુ:ખાદિ સહન કરી કોઈ ભોગ્ય પદાર્થની ઇચ્છા વિના અને બીજી કોઈ વસ્તુને જાણવાની ઇચ્છા વિના પ્રભુનું ભજન કરવું એ મારી ફરજ છે એમ સમજી રાત્રિદિવસ પ્રભુભજનમાં લીન રહે છે, તે જ્ઞાની ભક્ત કહેવાય છે. જેમકે, સનત્કુમાર, નારદ. નારદપ્રણીત ભક્તિશાસ્ત્રમાં ભક્તનું વર્ણન કરતાં કહ્યું છે કે: અનન્ય ભક્તિને પ્રાપ્ત કરીને પુરુષ નિષ્કર્મા, અમૃત, નિસ્તૃષ્ણ, નિરીહ, નિર્વૈર, વિશોક, વીતરાગ, પ્રશાંત સ્તબ્ધ અને આત્મક્રીડ બને છે. ભક્ત તો ભગવાનને આરાધવા પ્રવૃત થાય છે. ભગવાનનો અપરાધ કરવા નહિ. વળી કંઇ પણ માગવું એ અપરાધનું મૂળ છે. ભક્તને તો પોતાનું કહેવાય એવું કશું જ નથી ! જે કાંઈ છે તે બધુંભગવાનનું જ છે કર્મમાત્રનો ભગવાનમાં સંન્યાસ કરનાર ભક્તની મનોદશા પણ જાણવા જેવી છે: તેને પરમાત્મામાં અથાગ વિશ્વાસ હોય છે અને તેથી જ પોતાનાં કરેલાં તમામ સત્કર્મોને ફલ સહિત તે પ્રેમપાત્રને સમર્પી નિશ્ચિંત, નિરુપદ્રવ અને હૃદયના ભાર વગરનો થઈને યાવજ્જીવ પોતના કર્તવ્ય કર્મમાં એકાગ્રતાથી વર્તતો વસે છે. જ્યાંસુધી ભક્ત ભગવાન સાથે આત્મીયતા નથી અનુભવતો, ત્યાંસુધી એ પ્રણિધાન અથવા સર્વકર્મસંન્યાસ કરવાને શક્તિમાન થતો જ નથી. ભક્ત ભગવાનને પોતાના આત્મા તરીકે અનુભવે છે. ભક્ત ભગવાનને છોડી બીજે ક્યાંય આશ્રય શોધતો નથી. ભગવાનના હાથમાં પરતંત્ર ભક્ત નિશ્ચિત થાય છે. અનન્ય ભક્તનાં લક્ષણો વર્ણવતાં કહ્યું છે કે: જે સંગત્યાગી, મહાનુભાવસેવી, નિર્મળ, એકાંતપ્રિય, લોકબંધનને છેદનારો, નિર્ગુણ, યોગક્ષેમની ચિંતા વગરનો, કર્મફલનો ત્યાગી, કર્મસંન્યાસી, નિર્દ્વંદ્વ, શબ્દબ્રહ્મને પાર પામેલો અને અખંડ પ્રેમી હોય છે, તે માયાને તરી જાય છે શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે, મારો ભક્ત નાશ પામતો નથી. આ રીતે જે લક્ષણો ભક્તિશાસ્ત્રમાં નારદે વર્ણવેલાં છે, તેને જ ભગવાને ભગવદ્ગીતામાં પણ વર્ણવેલ છે. વળી જે લક્ષણો સ્થિતપ્રજ્ઞનાં, જીવન્મુક્તનાં, ગુણાતીતનાં કે જ્ઞાનનિષ્ઠનાં છે, તે જ લક્ષ્ણો ભક્તનાં પણ આપ્યાં છે. આ રીતે ગીતાનો સ્થિતપ્રજ્ઞ પુરુષ તે જ પ્રભુનો પ્રિય ભક્ત છે. તેને જ ગીતામાં ગુણાતીત તરીકે વર્ણવ્યો છે, તે જ જીવન્મુક્ત ગણાય છે, જ્ઞાનનિષ્ઠ કહેવાય છે. આ આર્યસંસ્કૃતિનો આદર્શ પુરુષ છે. ગીતા પ્રવચનમાં વિનોબાજી લખે છે કે: ભગવાને ભક્તના ત્રણ પ્રકાર બતાવ્યા છે: (૧) સકામ ભક્તિ કરનાર (૨) નિષ્કામ પરંતુ એકાંગી ભક્તિ કરના, (૩) જ્ઞાની અર્થાત્ સંપૂર્ણ ભક્તિ કરના. નિષ્કામ પરંતુ એકાંગી ભક્તિ કરનારના ત્રણ પ્રકાર છે: (૧) આર્ત, (૨) જિજ્ઞાસુ અને (૩) અર્થાર્થી. આર્ત એટલે દયાપ્રાર્થી, ભગવાનને માટે રોનાર, આક્રંદ કરનાર. જેમકે, નામદેવ. તે તેને માટે ઉત્સુક, વ્યાકુળ, અધીર, આતુર રહે છે કે ક્યારે ભગવાનના પ્રેમરસનું પાન કરીશ, ક્યારે તેને ગળે વળગીને જીવનને કૃતાર્થ કરીશ, ક્યારે તેના ચરણોમાં પોતાને નાખીને ધન્ય થઈશ ! પ્રત્યેક કાર્યમાં તે જોશે કે સચ્ચાઈ, હાર્દિક્તા, વ્યાકુળતા ને પ્રેમ છે કે નહિ ? બીજો પ્રકાર છે જિજ્ઞાસુઓનો. હાલમાં આપણા દેશમાં આ શ્રેણીના ભક્તો બહુ નથી. આ કોટિનો ભક્ત ગૌરીશંકર ઉપર વારે વારે ચડશે અને મરશે, કોઈ ઉત્તર ધ્રુવની ખોજમાં નીકળશે અને પોતાની શોધનું ફળ કાગળ ઉપર લખીને, તેને શીશામાં બંધ કરીને પાણીમાં નાખી મરી જશે, કોઇ જ્વાળામુખીના પેટાળમાં ઊતરશે. હમણાં તો હિંદુસ્તાનીઓ માટે મોત એક હાઉ થઇ બેઠેલ છે. કુંટુંબપરિવારના ભરણપોષણથી વધીને કોઈ પુરુષાર્થ પણ રહ્યો નથી. જિજ્ઞાસુ ભક્તની પાસે અદમ્ય જિજ્ઞાસા હોય છે. તે પ્રત્યેક વસ્તુના ગુણધર્મની ખોજ કરે છે. જેવી રીતે નદીના મુખ દ્વારા પાણી અંતે સમુદ્રને પામે છે, તેવી રીતે જિજ્ઞાસુ પણ અંતે પરમેશ્વર સુધી પહોંચી જશે. ત્રીજો વર્ગ છે અર્થાર્થીઓનો. અર્થાર્થીનો અર્થ છે પ્રત્યેક વાતમાં અર્થ જોનાર. અહીં અર્થ એટલે રૂપિયા કે પૈસા નહિ, પણ હિત કે કલ્યાણ. કોઈ પણ વાતની તપાસ કરવાને સમયે તે તેને એક કસોટી ઉપર કસશે. તેના દ્વારા સમાજનું શું કલ્યાણ થશે ? તે જોશે કે, હું જે કાંઈ કહું છું, લખું છું, કરૂં છું, તેથી સંસારનું મંગળ થશે કે નહિ ? નિરુપયોગી અહિતકર ક્રિયા તેને મંજૂર નહિ હોય. સંસારહિતની ચિંતા કરનાર કેટલો મોટો મહાત્મા છે ! જગતનું કલ્યાણ જ તેનો આનંદ છે. જે પ્રેમની દૃષ્ટિથી સમસ્ત ક્રિયાઓને જુએ છે તે આર્ત, જ્ઞાનની દૃષ્ટિથી જુએ છે તે જિજ્ઞાસુ અને સર્વના કલ્યાણની દૃષ્ટિથી જુએ છે. તે અર્થાર્થી. આ ત્રણે ભક્તો છે તો નિષ્કામ, પરંતુ એકાંગી છે. એક કર્મ દ્વારા, બીજો હૃદય દ્વારા અને ત્રીજો બુદ્ધિ દ્વારા ઈશ્વરની પાસે પહોંચે છે. હવે બાકી રહ્યો પૂર્ણ ભક્તનો પ્રકાર. તેને જ્ઞાની પણ કહી શકાય છે. તે ભક્તને જે કાંઈ દેખાય છે, તે સર્વ પરમેશ્વરનું જ રૂપ. કુરૂપ-સુરૂપ, રાય-રંક, સ્ત્રી -પુરુષ, પશુ-પક્ષી સર્વત્ર પરમાત્માનું જ પાવન દર્શન. હિંદુ ધર્મમાં જેમ નાગપૂજા, હાથીસૂંઢ રાખનાર દેવતાની પૂજા, ઝાડની પૂજા આદિ પાગલતાના નમૂના છે. તેનાથી યે અધિક પાગલતાની કમાલ જ્ઞાની ભક્તોને ત્યાં થઈ દેખાય છે. તેને કોઈ પણ કેમ ન મળે, તેને ક્રીડીથી માંડીને ચંદ્રસૂર્ય સુધી સર્વત્ર એક જ પરમાત્મા દેખાય છે અને તેનું હૃદય આનંદનાં મોજાંઓ મારવા માંડે છે. એવું જે આ દિવ્ય અને ભવ્ય દર્શન છે, તેને ભલે ભ્રમ કહો, પરંતુ તે ભ્રમ સૌખ્યની રાશિ છે, આનંદનો સ્થાનનિધિ છે. ગંભીર સાગરમાં તેને પરમેશ્વરનો વિલાસ દેખાય છે, ગોમાતામાં તેને ઈશ્વરનું વાત્સલ્ય નજરે આવે છે. પૃથ્વીમાં તેની ક્ષમતા દેખાય છે, નિરભ્ર આકાશમાં તેની નિર્મળતા, રવિ, ચંદ્ર, તારાઓમાં તેનું તેજ અને ભવ્યતા દેખાય છે. ફૂલમાં તેની કોમળતા, દુર્જનોમાં પોતાની પરીક્ષા કરનાર પરમેશ્વર દેખાય છે. એવી રીતે એક જ પરમાત્મા સર્વત્ર રમી રહ્યો છે, એ જોવાનો અભ્યાસ જ્ઞાની ભક્ત કર્યા કરે છે. એમ કરતાં કરતાં તે જ્ઞાની ભક્ત એક દિવસ ઈશ્વરમાં જ મળી જાય છે. ભક્ત તો ઈશ્વરને હમેશા એમ કહે છે કે. મારે માટે તમારી ભક્તિ જ ઘણું છે. મોક્ષ, તે અંતિમ ફળ મારે નથી જોઇતું. ભક્તિ પણ એક પ્રકારની મુક્તિ છે. જ્યારે મોક્ષની આશા છોડી દેશો ત્યારે અજાણ્યે મોક્ષની તરફ ચાલ્યા જશો. સાધનામાં જ એટલા તન્મય થઈ જાઓ કે તમને મોક્ષની યાદ જ ન રહે. અને મોક્ષ તમને ખોળતાં ખોળતાં તમારે સામે ખડું થશે. સાધક તો બસ પોતાની સાધનામાં જ રંગાઈ જાય. નરસિંહ મહેતાએ પણ એવા ભાવનું ગાયું છે કે, જેઓ સાચા ભક્ત છે, તેઓ મુક્તિ માગતા નથી. મુક્તિ મળ્યા પછી અવતાર ન મળે. ભક્તને તો અવતાર જોઇએ. જેથી વારે વારે ભક્તિ કરવાની તક મળે. જ્ઞાની ભક્ત સંબંધે ગીતાપંચામૃતમાં સવિશેષ કહ્યું છે કે: એ સર્વે ય ઉદાર છે મુજ ગણું, આત્મા જ હું જ્ઞાનીનો, યુક્તાત્મા થઈને અનુપમ ગતિ, મારે વિષે તે રહ્યો; વાસુદેવ જ સર્વ એ અનુભવી, અંતે બહુ જન્મને, પામે જ્ઞાની મને જ દુર્લભ અતિ એવો મહાત્મા માને. | ભોજન; રાંધેલું અન્ન. | રાંધેલ ભાત. | અન્ન. | ધન; દોલત. | ભજવું તે; સેવવું તે; સેવા. | ભાજન; ભાગ કરવા તે; વિભાગ કરવા તે. | જુદું પાડેલું; વિભાગ કરેલું; ભાગ કરેલું. | ના ઉપર આશક હોય એવું. | ભક્તિવાળું; ભક્તિમાં તત્પર; ભક્તિ કરી બીજાને પણ ભક્તિનો બોધ કરનાર; ભક્તિ કરવામાં કાળ કાઢનાર. | ભાંગેલું; ખંડિત. | રાંધેલું.
haribhakta
વિષ્ણુનો ભક્ત; વૈષ્ણવ. | સત્સંગી. | સ્વામિનારાયણ ધર્મી; સ્વામિનારાયણ સંપ્રદાયનો દરેક માણસ. | હરિની ભક્તિમા પરાયણ માણસ; પરમેશ્વરનો પૂજારી.

this project's own English definition for this term is Swaminarayan-Sampraday-specific; this general-dictionary sense does not capture that doctrinal specificity, treat as vocabulary/spelling context only