Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Brãhman” · clear
- brãhman
- અગ્નિ. | આચાર્ય; ગોર. | આર્ય પ્રજાના ચાર માંહેના પહેલા વર્ણનો માણસ; સૌથી ઊંચી પંક્તિનો હિંદુ; દ્વિજ; વિપ્ર; વાડવ. શમ, દમ, તપ, શૌચ, ક્ષાંતિ, આર્જવ, જ્ઞાન, વિજ્ઞાન, આસ્તિક્ય એ બ્રાહ્મણનાં સ્વાભાવિક કર્મ છે. ઋગ્વેદના પુરુષસૂક્તમાં બ્રાહ્મણોની ઉત્પત્તિ વિરાટ કે બ્રહ્મના મુખથી થઈ છે એમ કહેલું છે. બ્રાહ્મણોનાં અધ્યયન, અધ્યાપન, યજન, યાજન, દાન અને પ્રતિગ્રહ આ છ કર્મ મનાય છે. તેથી તેને ષટ્કર્મા પણ કહે છે. બ્રાહ્મણના મુખમાં ગયેલી સામગ્રી દેવતાઓને મળે છે. બ્રાહ્મણોએ પોતાના ઉચ્ચ પદની રક્ષા માટે અત્યંત શુદ્ધ અને પવિત્ર આચરણ રાખવું પડતું. જેનાથી કોઈ પણ પ્રાણીને દુઃખ પહોંચે એવી આજીવિકાનો તેને માટે નિષેધ છે. મનુએ કહ્યું છે કેઃ બ્રાહ્મણોએ ઋત, અમૃત, મૃત, પ્રમૃત કે સત્યાનૃત દ્વારા પોતાનો જીવનનિર્વાહ કરવો જોઈએ. ઋતનો અર્થ છે ભૂમિ ઉપર પડેલા અનાજના દાણા વીણીને એટલે ઉંછવૃત્તિથી કે ખરી પડેલ ડૂંડાંમાંથી દાણા કાઢીને શિલવૃત્તિથી જીવનનિર્વાહ કરવો. માગ્યા વિના જે કાંઈ મળી આવે તે લઈ લેવું તેને અમૃતવૃત્તિ કહે છે. ભિક્ષા માગવાનું નામ મૃતવૃત્તિ. ખેતી પ્રમૃત વૃત્તિ છે અને વેપાર એ સત્યાનૃતવૃત્તિ છે. આ વૃત્તિઓ અનુસાર બ્રાહ્મણ ચાર પ્રકારના કહેવાય છેઃ કુશૂલધાન્યક, કુંભીધાન્યક, ત્ર્યૈહિક અને અશ્વસ્તતિક. જે ત્રણ વર્ષ માટે અન્નાદિ સામગ્રી સંચિત કરી રાખે તેને કુશૂલધાન્યક, એક વર્ષ માટે સંચિત કરે તેને કુંભીધાન્યક, ત્રણ દિવસ માટે રાખે તેને ત્ર્યૈહિક અને જે નિત્ય લાવે ને નિત્ય ખાય તેને અશ્વસ્તનિક કહે છે. આ ચારેયમાં અશ્વસ્તનિક શ્રેષ્ઠ મનાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ વર્ણને ઉપવીતનો અધિકાર છે, એમ શાસ્ત્રોમાં કહ્યું છે. મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિમાં લખેલ છે કેઃ સમાજમાં સૌથી વધારે માન બ્રાહ્મણોનું હતું. શિક્ષા અને વિદ્યામાં બધાથી ઊંચા તેઓ જ હતા. બધા વર્ણોવાળા તેમની પ્રધાનતા માનતા. ઘણાં કાર્યો લગભગ બ્રાહ્મણોને માટે જ સુરક્ષિત રહેતાં. તેઓ શાસન કાર્યમાં પણ પૂરતો ભાગ લેતા. પ્રાયઃ મંત્રી પણ બ્રાહ્મણો રહેતા અને કોઈ વાર સેનાપતિ પણ બનતા. બૌદ્ધ ધર્મના પ્રચાર વખતે યજ્ઞાદિ બંધ થવાથી ઘણા બ્રાહ્મણોની આજીવિકા નષ્ટ થઈ ગઈ. આથી તેઓ બીજાં કામ પણ કરવા લાગ્યા. તેઓ વૈશ્ય અને ક્ષત્રિયનાં કામ પણ કરવા લાગ્યા. પરાશર સ્મૃતિમાં બધા વર્ણોને ખેડ કરવાની આજ્ઞા છે. આ સિવાય મધ્યકાલમાં બધા વર્ણને શસ્ત્ર ગ્રહણ કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો, એટલું જ નહિ પણ તે વખતે બ્રાહ્મણ શિલ્પ, વ્યાપાર અને દુકાનદારી પણ કરતા. આમ કરવા છતાં તેઓ મીઠું, તેલ, દૂધ, શરાબ અને માંસ જેવા પદાર્થો ન વેચતા. તેમનું ભોજન બીજા વર્ણોથી વધારે શુદ્ધ અને સાત્ત્વિક હતું. ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનો તેમનો વિચાર પ્રબળ હતો. રાજનિયમોમાં પણ તેમને ઘણી છૂટ મળતી. ઈ. સ. ૬૦૦થી ૧૦૦૦ સુધી બ્રાહ્મણો ભિન્નભિન્ન જાતિઓમાં વિભિન્ન થયા જણાતા નથી. તે સમય સુધી બ્રાહ્મણોનો ભેદ શાખા અને ગોત્રનો ઉલ્લેખ કરવાથી થતો હતો કોંકણના બારમી સદીના લેખમાં બત્રીશ બ્રાહ્મણોનાં નામ દીધાં છે, જેમનાં ગોત્ર છે પણ શાખા નથી. તેમાં બ્રાહ્મણોનાં ઉપનામ પણ આપ્યાં છે. બારમી શતાબ્દિમાં આવાં ઉપનામોનો પ્રયોગ ઘણો થતો. જેમકે, દીક્ષિત, રાઉત, ઠાકુર, પાઠક, ઉપાધ્યાય, પટ્ટવર્ધન, શિલાલેખોમાં પંડિત, દીક્ષિત, દ્વિવેદી, ચતુર્વેદી, આવસ્થિક, માથુર, ત્રિપુર, અકોલા, ડેંડવાણ આદિ નામ મળે છે. તે નામો સ્પષ્ટ રીતે તેમનાં કાર્ય અને વાસસ્થાનથી નીકળ્યાં હોય તેમ લાગે છે. પાછળથી આમાંનાં ઘણાં ઉપનામ ભિન્નભિન્ન જાતિઓમાં પરિણમ્યાં. આ જાતિભેદ ક્રમશઃ વધતો ગયો. તેને વધવામાં બે ત્રણ બીજાં કારણોએ પણ સહાયતા આપી. જેમકે, ભોજનભેદ. માંસાહારી અને શાકાહારીના મોટા ભેદ બની ગયા. ભિન્નભિન્ન રીતરિવાજો અને વિચારોને લીધે પણ ઘણા ભેદ પેદા થયા. દાર્શનિક ભેદથી પણ ભેદ થયા. આથી જાતિભેદ વધતાં વધતાં આજ અનેક જાતિઓ થઈ ગઈ છે. અગિયારમી સદીમાં ગુજરાતના સોલંકી રાજા મૂળરાજે સિદ્ધપુરમાં રુદ્રમહાલય નામનું વિશાળ શિવાલય બનાવરાવ્યું. તેની પ્રતિષ્ઠાને સમયે કનોજ, કુરુક્ષેત્ર વગેરે ઉત્તરીય પ્રદેશોથી હજાર બ્રાહ્મણોને બોલાવ્યા અને ગામ આદિ આપીને તેમને ત્યાં જ રાખ્યા. ઉત્તરમાંથી આવવાને લીધે તેઓ ઔદીચ્ય કહેવાયા અને ગુજરાતમાં વસવાથી પાછળથી તેમની પણ દ્રવિડોમાં થઈ ગઈ, જેની ગણના વાસ્તવિક રીતે ગૌડોમાં થવી જોઈતી હતી. બ્રાહ્મણોના મુખ્ય બે વિભાગ મનાય છેઃ પંચગૌડ ઉત્તર હિંદના અને પંચદ્રાવિડ દક્ષિણ હિંદના, પંચગૌડની પેટા જ્ઞાતિઓઃ કાન્યકુબ્જ, સારસ્વત, ગૌડ, મિથિલ અને ઉત્કલ. પંચદ્રાવિડની પેટા જ્ઞાતિઓઃ મહારાષ્ટ્ર, તેલિંગ, દ્રાવિડ, કર્ણાટ અને ગુજ્જર. વળી હિંદના જુદા જુદા પ્રાંતો પ્રમાણે બ્રાહ્મણોના પેટા વિભાગ અને તેમનાં વસતીસ્થળો નીચે પ્રમાણે છેઃ પ્રશ્નોરા બ્રાહ્મણ કાઠિયાવાડમાં, અગરવાલ ખાનદેશ તથા કચ્છ કાઠિયાવાડમાં, અગરસિંધવાળ ગુજરાતમાં, અનાવળા ભરૂચ તથા સુરત તરફ, ઉનેવાળ કાઠિયાવાડમાં રહે છે. ઉદાંબરા પંચમહાલ તથા રેવાકાંઠા તરફ, ઓસવાળ, બેલગામ તરફ, ઔદીચ્ય ગુજરાત તથા કાઠિયાવાડમાં, કપિલ ભરૂચ તરફ, કરહાડા પૂના તરફ, કંડોલિયા, કાચટિયા ને કાણા ધારવાડ તરફ, કાત્યાયની અને કાન્યકુબ્જ ગુજરાત તથા દક્ષિણ તરફ, કાસ્ત પૂના તરફ, કિરવંત રત્નાગિરિ તરફ, કોંકણસ્થ દક્ષિણમાં, ખડાયતા મહીકાંઠા તરફ, ખેડાવાળ ખેડા તથા કાઠિયાવાડ તરફ, ખોત કેનેરા તરફ, ગયાવળ અમદાવાદ તરફ, ગરુડા ગુજરાત, કચ્છ તથા કાઠિયાવાડ તરફ, ગૂગળી કાઠિયાવાડમાં, ગોડમાળવી અને ગોમતીવાળ મહીકાંઠા તરફ, ગોવર્ધન અને ગોળક થાણા તથા સતારા તરફ, ગૌડ સારસ્વત રત્નાગિરિ તરફ, ચિત્તપાવન દક્ષિણમાં, ચોવીસા ભરૂચ થતા રેવાકાંઠા તરફ, ચૌન અને જવળ રત્નાગિરિ તરફ, જંબુ ભરૂચ તરફ, જાઈ ખાનદેશ તરફ, જોશી કેનેરા તરફ, ઝાલોળા, ખેડા તરફ, તપોધન અમદાવાદ તથા ખેડા તરફ, તિર્ગુણ પૂના તરફ, તીગડ, દરેડા અને દધિચ ભરૂચ તથા ખેડા તરફ, દેવરૂખા કોલાબા તથા રત્નાગિરિ તરફ, ઋગ્વેદી દેશસ્થ તથા યજુર્વેદી દેશસ્થ દક્ષિણ તરફ, દેશાવળ સુરત તરફ, તપલ ખેડા તરફ, નર્ડીક ખંભાત તરફ, નંદવાણા કચ્છ તથા કાઠિયાવાડ તરફ, નંદોદ્રા રેવાકાંઠા તરફ, નાગર કાઠિયાવાડ તથા અમદાવાદ તરફ, પલેવાળ કચ્છ તથા કાઠિયાવાડ તરફ, પળશે થાણા તરફ, પાઠાલી અને પારાસર કચ્છ તરફ, પુડવાળ મુંબઈ તરફ, પોકર્ણા કાઠિયાવાડ તથા કચ્છ તરફ, પોરવાડ બેલગામ તરફ, બોરસદા ભરૂચ તથા ખેડા તરફ, ભાઠેલા અને ભાર્ગવ ભરૂચ તથા સુરત તરફ, ભૂખણિયા કાઠિયાવાડમાં, ભોજક અને મગ ગુજરાત તરફ, મધ્યાચલ ગુજરાત તરફ, માસ્તાન નામની અનાવલને મળતી જાત તથા મેગાડા ખેડા અને ભરૂચ તરફ, મૈત્રાયણી નાશક તરફ, મોઢ ગુજરાત તથા કાઠિયાવાડ તરફ, મોતાળા સુરત તરફ, યજ્ઞીકવાળ અમદાવાદ તથા ખેડા તરફ, રણવત ગુજરાત તરફ, રંગવાળ કચ્છ તરફ, રાયકવાળ ભરૂચ તથા ખેડા તરફ, રાવળ કચ્છ તથા કાઠિયાવાડ તરફ, રોધવાળ કે રોતવાળ રેવાકાંઠા તરફ, વડનગરા નાગર બ્રાહ્મણ અને વીશનગરા નાગર બ્રાહ્મણ બધે સ્થળે, વડાદ્રા ખેડા તરફ, વાયડા ભરૂચ તરફ, વાલમ ખેડા તથા કાઠિયાવાડ તરફ, વિદુર ખાનદેશ તથા અમદાવાદ તરફ, વેદાંત કચ્છ તરફ, વ્યાસ અમદાવાદ તથા ખેડા તરફ, શિવ, શેણવી અને શ્રીગોડ પંચમહાલ તરફ, શ્રીમાળી કાઠિયાવાડ તથા અમદાવાદ તરફ, સનાથ અને સનાદ્રા કચ્છ તરફ, સનાવળા અને સનોથિયા અમદાવાદ તરફ, સર્વરિયા રેવાકાંઠા તરફ, સલાશે સતારા તથા ધારવાડ તરફ, સાચોરા કચ્છ તથા કાઠિયાવાડ તરફ, સાજોદ્રા ભરૂચ તરફ, સાઠોદરા નાગર બ્રાહ્મણ અને સામવેદી થાણા તરફ, સારસ્વત કાઠિયાવાડ તરફ, સિંધવાળ અને સોમપુરા બ્રાહ્મણ કાઠિયાવાડ તરફ, સોરઠિયા કાઠિયાવાડમાં, હરસોળિયા સુરત તરફ, હલો તથા હવિગ બ્રાહ્મણો કેનેરા તરફ રહે છે. આ પ્રમાણે બ્રાહ્મણોની આશરે ચોરાશી પેટા જ્ઞાતિઓ મનાય છે. વધુ + | પવિત્ર અને જ્ઞાની પુરુષ. | ( જૈન ) રાગદ્વેષ, કલહ, ખોટી નિંદા, ચુગલી, કૂથલી, સંયમમાં અરતિ, વિષયોમાં રતિ, કૂડકપટ, જૂઠ વગેરે પાપકર્મોથી વિરક્ત થયેલો, મિથ્યા માન્યતારૂપી કાંટા વગરનો, સમ્યક્ પ્રવૃત્તિવાળો, પોતાના કલ્યાણમાં તત્પર, કદી ગુસ્સે થતો ન હોય કે અભિમાન કરતો ન હોય તેવો પુરુષ. | વિષ્ણુ. તે દૃશ્ય જગતને તત્ત્વબ્રહ્મરૂપે જોનાર, તત્ત્વબ્રહ્મનો સાક્ષાત્ બોધ કરનાર બ્રાહ્મવર્ણ છે, તથા બ્રાહ્મણરૂપથી સર્વ લોકોને ઉપદેશ કરે છે, તેથી બ્રાહ્મણ કહેવાય છે. | વેદ ઉપરથી બનેલ ગ્રંથ; મંત્ર અથવા સંહિતાથી જુદો વેદનો એક વિભાગ; મંત્રોનો જુદાં જુદાં કર્મોમાં વિનિયોગ જણાવનારો વેદનો ભાગ. વેદમંત્રોનો શેમાં ઉપયોગ કરવો તે તે જણાવે છે. બ્રાહ્મણગ્રંથોમાં વિધિ એટલે અમુક કરવું એવાં આજ્ઞાર્થક વચન, નિષેધ એટલે અમુક ન કરવું એવાં આજ્ઞાર્થક વચન અને અર્થવાદ એટલે તે બંને ઉપર રુચિ કરાવવા યોજેલી વાર્તારૂપ કે એવા જ કોઈ ખુલાસારૂપ વચન, એમ ત્રણ પ્રકારની વ્યવસ્થા છે. બ્રાહ્મણગ્રંથ વેદ પછીના સમયના છે, છતાં તેઓ ઘણા પ્રાચીન છે. તેને શ્રુતિ ગણવામાં આવ્યા છે, કેમકે પ્રાચીન ઋષિઓનાં સૂક્તો ઉપરનું વિવરણ પણ તેમાં જોવામાં આવે છે. બ્રાહ્મણગ્રંથોમાં ગૂંચવાડામાં નાખી દે એવી યજ્ઞની વિધિઓ જોવામાં આવે છે. પણ તે સમયના લોકો તે સહેલાઈથી સમજતા હતા, કેમકે દરેક ઘરની અંદર અગ્નિ રાખવામાં આવતો અને દૈનિક તેમ જ પાક્ષિક યજ્ઞો કરવામાં આવતા. ઉપરાંત તેમાં બ્રહ્મવાદીની ચર્ચાઓ, નવી તેમ જ જૂની વેદના સમયની આખ્યાયિકાઓ જોવામાં આવે છે, મીમાંસકો યજ્ઞની વિધિ સંબંધી ચર્ચા તેમ જ આખ્યાયિકા વગેરે અર્થવાદના નામથી ઓળખે છે. બ્રાહ્મણગ્રંથો મુખ્યત્વે ગદ્યમાં લખાયા છે, પણ તેમાં અવારનવાર ગાથાઓ પણ જોવામાં આવે છે. બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ સાહિત્યને ખીલવા માટે ઓછામાં ઓછાં એક હજાર વર્ષ લાગ્યાં હોવાં જોઈએ. શતપથ બ્રાહ્મણ એ પહેલું બ્રાહ્મણ છે. એનો સમય ઈ. સ. પૂર્વે ૩,૦૦૦ હોય, તો બ્રાહ્મણ સાહિત્યનો સમય ઈ. સ. પૂર્વે ૩,૦૦૦ થી ૨,૦૦૦ સુધીનો ગણી શકાય. બ્રાહ્મણ સાહિત્ય સ્વરભારવાળું છતાં ઋગ્વેદ જેટલું જૂનું નથી, છતાં શિષ્ટ સંસ્કૃતને મળતું નથી, એટલું જ નહિ પણ પાણિનિના સમયના સંસ્કૃત કરતાં પણ જૂનું છે. યજ્ઞવિષયક હોવાથી ઘણી વાર કંટાળાભરેલું ને સમજવું મુશ્કેલ થી પડે એવું હોય છે. ફક્ત ઉપનિષદનું ગદ્ય સુંદર અને સરળ છે. બ્રાહ્મણના કોઈ કોઈ ઐતિહાસિક ભાગો પણ સુંદર છે. બ્રાહ્મણના સમયમાં વિષ્ણુ અને પ્રજાપતિ બધા દેવોમાં ઊંચું સ્થાન ભોગવે છે અને ઇંદ્ર અને બીજા દેવોનું સ્થાન ઋગ્વેદના સમય જેટલું ઊંચું નથી. | શિવનાં હજાર માંહેનું એક નામ. | એક પ્રકારની શ્રુતિ. | ખ્રિસ્તીની એ નામની એક અટક. | એ નામની અટકનું માણસ. | એક જાતનું મોતી. શુક્ર સરખું તેજસ્વી, જડ, નિર્મળ અને ધોળું મોતી બ્રાહ્મણ કહેવાય છે. | એ નામની અટકનું. | બ્રહ્મ જાણનાર; આત્મજ્ઞાની. | વેદને જાણનાર.