Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “Bruhaspati · clear

Bruhaspati
એ નામના એક દેવ. તે પુષ્ય નક્ષત્રના સ્વામી કહેવાય છે. ઋગ્વેદનાં અગિયાર સૂક્તોમાં તેની સ્તુતિ કરેલ છે. તેમાં કહ્યું છે કે, તેને સાત મુખ, સુંદર જીભ અને સો પાંખ છે. તેના હાથમાં ધનુષ્યબાણ અને સોનાનો પરશુ રહે છે. એક ઠેકાણે એમ પણ કહ્યું છે કે, તે અંતરિક્ષના મહાતેજથી ઉત્પન્ન થયો હતો અને તેણે બધો અંધકાર દૂર કર્યો હતો. એમ પણ કહેવાય છે કે, તે દેવતાઓના પુરોહિત છે અને તેના વગર યજ્ઞનું કોઈ કામ પૂર્ણ થઈ શકતું નથી. તે બુદ્ધિ અને વકતૃત્વના દેવતા તથા ઈંદ્રના મિત્ર અને સહાયક મનાય છે. ઋગ્વેદની અનેક ઋચાઓમાં તેનું વર્ણન છે. તે અગ્નિના વર્ણનને મળતાં છે. તેણે કેટલીક સ્મૃતિઓ તથા ચાર્વાક મતના ગ્રંથ બનાવ્યા હોવાનું મનાય છે. | ( જ્યોતિષ ) એ નામનો સૌથી મોટો ગ્રહ; સૌર જગતનો પાંચમો ગ્રહ; `જ્યૂપિટર`. સૂર્યમાળામાં તે સૌથી મોટો ગ્રહ છે. પૃથ્વી કરતાં તે કદમાં ૧,૩૦૦ અથવા ૧,૪૦૦ ગણો છે. સૂર્યથી ૪,૮૦,૦૦,૦૦,૦૦૦ માઈલ દૂર તે આવેલો છે. તેનો વિષુવવૃત્ત નજીકનો વ્યાસ ૮૮,૫૦૦ માઈલ છે. સૂર્ય આસપાસ એક વખત ફરતાં તેને આપણાં ૧૧•૮૬ વર્ષ થાય છે. બૃહસ્પતિ તેની ધરી ઉપર માત્ર ૩° નો તેની કક્ષા સાથે ખૂણો કરે છે, જ્યારે આપણી પૃથ્વી ૨૩ ૧/૨° બનાવે છે. આથી બૃહસ્પતિમાં ઋતુના ફેરફાર સામાન્ય રીતે માલૂમ પડતા નથી. આ ગ્રહના દક્ષિણ ગોળાર્ધમાં એક મોટો રાતો ડાઘો માલૂમ પડે છે, તે સંબંધી ખગોળવેત્તાઓ અટકળો કરી ગયા છે. ફિલિપ્સના મત પ્રમાણે તે કોઈ ઝંઝાવાતનું કેંદ્ર હોય એમ મનાય છે. આ ઉપરાંત આ ગ્રહ ઉપર ભૂખરા પટ્ટા માલૂમ પડે છે અને તે વાદળાંરૂપી વરાળ મનાય છે. આ ગ્રહના ઉપરના ઢાંકણમાં અનેક ફેરફારો વારંવાર થયા કરે છે. તેની ધરી આસપાસ ફરવાના સમયમાં તેમ જ તેના અનેક ડાઘાઓના દેખાવ, રંગ અને કદમાં વારંવાર ફેર માલૂમ પડે છે. ધૂમકેતુની ગતિ અને દિશામાં ફેરફાર કરાવનાર બૃહસ્પતિ છે. આ ગ્રહ તેની ધરીની આસપાસ દશ કલાકમાં એક વખત ભ્રમણ પૂરું કરે છે. ત્વરિત ભ્રમણને લીધે તેનો વિષુવવૃત્ત પાસેનો ભાગ ઊપસેલો હોય છે. તેનો વ્યાસ ૮૭,૦૦૦ માઈલ છે. બધા ગ્રહોના સંયુક્ત વજન કરતાં તેનું વજન વધારે છે. તેને નવ ચંદ્ર હોવાનું મનાતું, પણ ૧૯૩૮માં બીજા વધારે બે ચંદ્ર માલૂમ પડ્યા છે, એટલે કુલ બૃહસ્પતિને ૧૧ ચંદ્ર છે. તેમાંથી ચાર ચંદ્ર આપણા ચંદ્ર કરતાં મોટા છે. સૂર્યમંડળમાં તે સૌથી મોટો ગ્રહ છે. મંગળ કરતાં તે બે લાખ યોજન ઊંચે છે. આ ગ્રહ લગભગ શુક્રના ગ્રહ જેટલો તેજસ્વી છે. પૃથ્વી જેવડા ૧,૩૯૦ ગોળા એકઠા કરીએ અને થાય એવડો તે મોટો છે. તેના દિવસનું માન નવ કલાક અને સાડીપંચાવન મિનિટનું છે. તેનું વર્ષ આપણા વર્ષ કરતાં બારગણું લાબું છે. સૂર્યથી તે પૃથ્વી કરતાં પાંચગણે છેટે છે. ગુરુ અને તેના ઉપગ્રહો નાની સરખી સૂર્યમાળા જ છે. બૃહસ્પતિ સૂર્યને મળતો છે. સૂર્યની માફક તેની સપાટી ઘન નથી. સૂર્યની પેઠે તેની સપાટી ઉપર ડાઘા હોય છે. સૂર્યની માફક તે ગરમી આપી શકતો નથી. સારામાં સારાં સાધનોથી જોતાં બૃહસ્પતિ ઝાંખો પીળો દેખાય છે. તેની સપાટી ઉપર ચકચકિત ટપકાં, પટ્ટા અને ધોળા ડાઘા માલૂમ પડે છે. એક રાતો ડાઘો એવો છે, જેમાં કોઈ વખત રાતા તો કોઈ વખત વાદળી પટ્ટા માલૂમ પડે છે. ધોળાં ટપકાં ઈંડાં જેવાં અને હમેશ બદલાયા કરે છે. બૃહસ્પતિમાં એક મોટું રાતું ટપકું કે જે ૩૦,૦૦૦ માઈલ લાંબું અને ૭,૦૦૦ માઈલ પહોળું છે, તે જોઈને જ્યોતિષશાસ્ત્રીઓ ૫૦ વર્ષ પહેલાં અચંબો પામ્યા હતા. આ એક જ ટપકામાં મંગળ આખો સમાઈ શકે. લાખો વર્ષ પછી આ ગ્રહ કઠણ થશે એમ મનાય છે ૪,૩૩૨ દિવસોમાં તે એક વખત સૂર્ય આસપાસ ફરી રહે છે. તે હજુ પ્રવાહી પદાર્થનો બનેલ છે. આપણી પૃથ્વી માફક તે હજુ ઠરેલ નથી એમ મનાય છે. દૂરબીન વડે જોવાથી તેના પૃષ્ઠ ઉપર સમાનાંતર રેખાઓ ખેંચેલી માલૂમ પડે છે. એવું અનુમાન કરવામાં આવે છે કે, તે વાદળાંઓની મેખલાઓથી ઘેરાયેલો છે. તેને હજુ બાળક ગ્રહ માનવામાં આવે છે. તેનું નિર્માણ થયાંને હજુ ઝાઝો સમય વીત્યો નથી. તે પોતે સ્વયંપ્રકાશિત નથી, પરંતુ સૂર્યના પ્રકાશથી ચમકે છે. તેનું પેટાળ પૃથ્વીના પેટાળ જેવું નથી. | ગજલક્ષ્મણ નામનું પુસ્તક લખનાર એક મધ્યકાલીન પંડિત. | ગણપતિ; ગણેશ. | ગુરુવાર; અઠવાડિયાનો એક વાર. | ( પુરાણ ) ચાલુ વૈવસ્વત મન્વંતરમાંના બ્રહ્મપુત્ર અંગિરા ઋષિના આઠ માંહેનો મોટો પુત્ર; આંગિરસ મુનિ. અગ્નિવંશના સંબંધને લઈને તેને ત્રીજી પદવીના અગ્નિમાં ગણેલો છે, કારણ કે અંગિરા ઋષિએ વરુણયજ્ઞ નિમિત્તે અગ્નિને પોતાનો પુત્ર માન્યો છે. પુરંદર નામના ઇંદ્રે તેને ગુરુ તરીકે માન્ય કરેલ. તેને શુભા અને તારા એમ બે સ્ત્રીઓ હતી. તેની માતાનું નામ શ્રદ્ધા હતું. તેને ઉતથ્ય અને સંવર્ત એ બે ભાઈ અને સિનીવાલી, કુહુ, રાકા તથા અનુમતિ એમ ચાર બહેન હતી. ચાલુ વૈવસ્વત મન્વંતરમાં પણ તે અંગિરા ઋષિને ત્યાં જન્મ્યા હતા. આ વખતે તેમની માતા સુરૂપા હતી. બૃહસ્પતિ, ઉતથ્ય, પયસ્ય, શાંતિ, ઘોર, વિરૂપ, સંવર્ત અને સુધન્વા એ આઠ ભાઈઓમાં મોટા બૃહસ્પતિ હતા. તે ઇંદ્રાદિ દેવોના ગુરુ હતા. શુભા નામની સ્ત્રીથી તેને ભાનુમતી, રાગા, સિનીવાલી, અર્ચિષ્મતી, હવિષ્મતી, મહિષ્મતી અને મહામતી એ સાત કન્યાઓ હતી તથા તારા નામની સ્ત્રીથી શંયુ, નિશ્ચન, વિશ્વજિત, વિશ્વભુક, વડવાગ્નિ, સ્વિષ્ટકૃત ને કચ એ સાત પુત્ર અને સ્વાહા નામની પુત્રી હતી. દેવાચાર્ય બૃહસ્પતિ ચોથા વ્યાસ ગણાય છે. તેણે સ્મૃતિ ગ્રંથ રચેલ છે. તેને બૃહસ્પતિ સ્મૃતિ કહે છે. દેવાચાર્ય બૃહસ્પતિને તથા દૈત્યાચાર્ય શુક્રાચાર્યને સ્પર્ધા ચાલતી. દેવ અને દાનવો વચ્ચેના વિરોધમાં દેવોને સહાય કરી બૃહસ્પતિ વિજય અપાવતા. તારાને સોમચંદ્ર હરણ કરી ગયાની વાત પુરાણમાં છે, પણ તે યોગ્ય લાગતી નથી. સોમ શબ્દનો અર્થ શિવ થાય છે ને તારા એવું પાર્વતીનું નામ છે. તે ઉપરથી તેમ જ ચંદ્રને પૂર્વજન્મમાં તારા નામની સ્ત્રીથી બુધ પુત્ર થયો, તેથી ગણપતિને બુધ પણ કહે છે. એ બધા ઉપરથી પરધર્મીઓએ બૃહસ્પતિની સ્ત્રી તારા માટે દૂષણરૂપ કલ્પના કરી પુરાણોમાં પાછળથી ઘુસાડી દીધેલ છે. બૃહસ્પતિ મહાવિદ્વાન અને મહાસ્વરૂપવાન હતા. તેની પાસે ઘણા શિષ્યો વિદ્યાભ્યાસ માટે આવતા. શુકદેવજી પણ એમના શિષ્ય હતા. દાનવો બહુ છકી ગયા હતા, વળી તે શંકરના ભક્ત હતા. શંકર પાસેથી ત્રિપુર બનાવવાનું વરદાન મેળવી સર્વને ત્રાસ આપતા હતા. તે ત્રાસમાંથી પ્રજાને ઉગારવા માટે બૃહસ્પતિએ ચાર્વાકનો વેશ લઈ, દાનવોને ઉપદેશ આપી સર્વને ચાર્વાક મતના એટલે કે નાસ્તિક બનાવ્યા ને શૈવ ધર્મ છોડાવી દીધો. તેથી શિવે ગુસ્સે થઈ તેનાં ત્રણ પુરનો અને અસુરોનો નાશ કર્યો. બૃહસ્પતિ દેવોમાં માન્ય અને પૂજ્ય ગણાય છે. તેમણે પ્રજાહિતાર્થે ઘણું ઘણું કર્યું છે. તે પોતાની શ્રેષ્ઠતાથી એક તારારૂપ ગણાઈ ગયા છે. તેની નિશાની તરીકે આકાશમાં આજ પણ બૃહસ્પતિ નામનો તારો પ્રસિદ્ધ છે. વળી નિરંતર યાદ આવવા તેના નામ ઉપરથી બૃહસ્પતિવાર એટલે ગુરુવાર નામ પડેલું છે. દુર્જનોથી તે મનુષ્યોનું રક્ષણ કરે છે. તે દૈવી કુળના ઋત્વિજ તરીકે પણ કામ કરતા હોવાથી તેને પુરોહિત એવું નામ પણ આપવામાં આવ્યું છે. તેને એક ઋષિ તરીકે ગણવામાં આવેલ છે. ગ્રહ તરીકે તેનો રથ નીતિઘોષ કહેવાય છે અને આઠ ફિક્કા ઘોડાઓ તે ખેંચે છે. તેના પિતાના નામ ઉપરથી તેને આંગિરસ કહે છે. દેવોના ગુરુ તરીકે તેને અનિમિષાચાર્ય, ચક્ષસ્, ઇજ્ય, ઇંદ્રેજ્ય, પણ કહે છે. ચંદ્ર તેની પત્ની તારાનું હરણ કરી ગયો હતો, તેથી તારકામય નામનું મોટું યુદ્ધ થયું. સોમની તરફેણમાં દાનવો ગયા અને બૃહસ્પતિની બાજુમાં દેવતાઓ આવ્યા. છેવટે ઘોર યુદ્ધ પછી બ્રહ્માએ ચંદ્રને તારા પાછી સોંપી દેવાની ફરજ પાડી. પણ તારા બૃહસ્પતિને ઘેર આવી, ત્યારે ગર્ભિણી હતી. એક દિવ્ય પુત્ર તેને અવતર્યો. બંને બૃહસ્પતિ અને સોમ તે પુત્ર પોતાનો છે એમ વિવાદ કરવા લાગ્યા. બ્રહ્માના કહેવાથી તારાએ કબૂલ કર્યું કે, તે પુત્ર સોમનો હતો. તે પુત્રનું નામ બુધ પાડ્યું. ચંદ્રે તારાનું હરણ કર્યું વગેરે વૃત્તાંત પુરાણમાં છે, પણ તે ખરૂં ન હોય. બૃહસ્પતિ દેવોના ગુરુ અને સોમ પણ વસુ હોવાથી દેવના ગુરુ. પોતાની ગુરુપત્ની તો સોમને પૂજવા લાયક. માટે દેવ એવું દુષ્ટકૃત્ય કરે નહિ. આવા પ્રસંગો ક્ષેપક હોવા સંભવ છે. | ડાહ્યો માણસ. | તોફાની માણસ; કજિયાખોર વ્યક્તિ. | પરમાત્મા. | મત્સ્યપુરાણમાં જણાવેલ અઢાર માંહેનો એક શિલ્પસંહિતાકાર. | મુખ્ય અઢાર માંહેની એક સ્મૃતિ. | વિદ્યા અને વાણીના સ્વામી. | સૂર્યનાં એકસો આઠ માંહેનું એક નામ. | અંગૂઠા પાસેની પહેલી આંગળી.