Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Chitt” · clear
- chitt
- ચિત્તો. | અભિપ્રાય. | અંતઃકરણ હ્રદય. ઇંધણાં વિનાનો અગ્નિ જેમ પોતાના કારણરૂપ સામાન્ય અગ્નિમાં લીન થાય છે તેમ વૃત્તિઓનો ક્ષય થવાથી ચિત્ત પોતાના કારણરૂપ આત્મામાં શાંત થાય છે. વેદાંત અનુસાર અંત:કરણની ચાર વૃત્તિ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. સંકલ્પવિકલ્પાત્મક વૃત્તિને મન કહે છે. નિશ્ચયાત્મક વૃત્તિને બુદ્ધિ કહે છે. એ બેની અંતર્ગત અનુસંધાનાત્મક વૃત્તિને ચિત્ત કહે છે. અને અભિમાનાત્મક વૃત્તિને અહંકાર કહે છે. પંચદશીમાં ઇંદ્રિયોના નિયંતા મનને અંત:કરણ માન્યું છે. ચિત્ત જ સંસાર છે. તેને અભ્યાસ વૈરાગ્યાદિરૂપ પ્રયત્ન વડે રજોગુણ અને તમોગુણથી રહિત એકાગ્ર કરવું. મનુષ્યનું ચિત્ત જેમાં આસક્ત થાય છે, તે રૂપ તે મનુષ્ય થાય છે. ચિત્તના સંસર્ગથી જ આત્માને સંસારીપણું છે. ચિત્તને બ્રહ્મમાં એકાગ્ર કરવાથી આત્માના સંસારની નિવૃત્તિ થાય છે. ચિત્તની નિર્મળતાથી પુણ્યપાપરૂપ શુભાશુભ કર્મનો નાશ થાય છે. જેનું ચિત્ત નિર્મળ હોય છે તે જીવાત્મા પોતાના વાસ્તવિક સ્વરૂપમાં સ્થિત થઇને અવિનાશી આનંદનો અનુભવ કરે છે. શરીરમાં પાંચ પ્રકારે જાતને વિભક્ત કરીને પ્રાણ યથાસ્થાને બેઠેલો છે. તેમાં ઇંદ્રિયો સહિત પ્રાણીમાત્રનું ચિત્ત હમેશા ગૂંચવાયેલું રહે છે. એ ચિત્ત જ્યારે શુદ્ધતમ થાય છે, રાગદ્વેષાદિની અનંત સંસ્કારપરંપરાથી મુક્ત થઇને નિરુદ્ધ અવસ્થાને પામે છે, ત્યારે આ આત્મા વિભવતિ અર્થાત્ વિશેષરૂપે પોતાના અસલી સ્વરૂપે જણાય છે. આથી વિવેકી પુરુષે શરીરસ્થ પ્રાણનો નિરોધ કરવો. તે દ્વારા ઇંદ્રિયોનો પ્રત્યાહાર કરવો. પ્રત્યાહૃત ઇંદ્રિયોને ચિત્તમય કરી ચિત્તને પરમ વૈરાગ્યથી વૃત્તિશૂન્ય કરવું. વૃત્તિશૂન્ય ચિત્ત જ્યારે થાય છે ત્યારે આત્મા સ્વરૂપપ્રતિષ્ઠિત સમજાય છે. આંતરિક વ્યાપારમાં મન સ્વતંત્ર છે, પણ બાહ્ય વ્યાપારમાં ઇંદ્રિયો પરતંત્ર છે. પંચભૂતોની ગુણસમષ્ટિથી અંત:કરણ ઉત્પન્ન થાય છે. તેની બે વૃત્તિ છે: મન અને બુદ્ધિ. મન સંશયાત્મક છે અને બુદ્ધિ નિશ્ચયાત્મક છે. વેદાંતમાં પ્રાણને મનનું કારણ કહ્યું છે. મૃત્યુ થતાં મન તે પ્રાણમાં લય થઈ જાય છે. ક્ષણિકવાદી બૌદ્ધો ચિત્તને આત્મા માને છે. બૌદ્ધ લોકો ચિત્તના ચાર ભેદ કરે છે: કામાવચર, રૂપાવચર, અરૂપાવચર અને લોકોત્તર. ચાર્વાકના મતમાં પણ મન આત્મા છે. યોગના આચાર્ય પતંજલિ ચિત્તનો સ્વપ્રકાશ સ્વીકારતા નથી. તે ચિત્તને દ્રશ્ય અને જડ પદાર્થ માની તેનો એક અલગ પ્રકાશક માને છે, જેને આત્મા કહે છે. યોગસૂત્ર અનુસાર ચિત્તવૃત્તિ પાંચ પ્રકારની છે: પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ તે પ્રમાણ; એકમાં બીજાનો ભ્રમ તે વિપર્યય; સ્વરૂપજ્ઞાન વિનાની કલ્પના તે વિકલ્પ; બધા વિષયોના અભાવનો બોધ તે નિદ્રા અને કાલાંતરમાં પૂર્વ અનુભવનો આરોપ તે સ્મૃતિ. પંચદશી તથા દાર્શનિક ગ્રંથોમાં મન અથવા ચિત્તનું સ્થાન હૃદય અથવા હૃત્પદ્મગોલક લખ્યું છે, પણ આધુનિક પાશ્ચાત્ય વિજ્ઞાન અંત:કરણના બધા વ્યાપારોનું સ્થાન મસ્તિષ્કમાં માને છે, જે બધાં જ્ઞાનતંતુઓનું કેંદ્રસ્થાન છે. ભૂતવાદી વૈજ્ઞાનિકોના મત પ્રમાણે ચિત્ત, મન અથવા આત્મા પૃથક્ વસ્તુ નથી, માત્ર વ્યાપારવિશેષનું નામ છે, જે નાના જીવોમાં બહુ અલ્પ પરિમાણમાં હોય છે અને મોટા જીવોમાં વધતા પ્રમાણમાં હોય છે. ચિત્તને અંત:કરણ કિંવા બુદ્ધિ પણ કહેવામાં આવે છે. એ ચિત્ત સત્ત્વ, રજ અને તમ એ ત્રણે દ્રવ્યોનું બનેલું દ્રવ્ય વિશેષ છે. તેમાં સત્ત્વદ્રવ્ય પ્રધાન હોવાથી તેને ચિત્તસત્ત્વ કિંવા બુદ્ધિસત્તા પણ કહેવામાં આવે છે. ચિત્તમાં જ્યારે સત્ત્વદ્રવ્ય પ્રધાનપણે પ્રવર્તે છે ત્યારે તેમાં પ્રકાશ એટલે તત્ત્વદ્રવ્ય પ્રખ્યા, પ્રસાદ એટલે નિર્મળતા, લઘુતા અને પ્રીતિ આદિ ધર્મો જોવામાં આવે છે. જ્યારે રજ દ્રવ્ય પ્રધાનપણે પ્રવર્તે છે ત્યારે તેમાં પ્રવૃત્તિ, પરિતાપ, ઇચ્છા, લોભ અને શોકાદિ ધર્મો જોવામાં આવે છે અને જ્યારે તમ દ્રવ પ્રધાનપણે પ્રવર્તે છે ત્યારે તેમાં પ્રકાશ અને પ્રવૃત્તિની રોધકરૂપા સ્થિતિ, ગૌરવ, પ્રમાદ, આવરણ અને દીનતાદિ ધર્મો જોવામાં આવે છે. ચિત્તની ત્રણ અવસ્થા છે: વિષયોમાં રખડવું તે ક્ષિપ્ત, નિદ્રામાં પડેલું તે મૂઢ અને વિષયમાં વિશેષ રોકાયેલું તે વિક્ષિપ્ત. વ્યાધિ, સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ, ભ્રાંતિદર્શન, અલબ્ધ ભૂમિકત્વ અને અનવસ્થિતિ એટલા ચિત્તવિક્ષેપ જાણવા. બૌદ્ધ મત પ્રમાણે આશય, આલય વિજ્ઞાન, હું હું એવા નિર્વિકલ્પ જ્ઞાનની ધારા તે ચિત્ત કહેવાય છે. કૂટસ્થ બુદ્ધિ અથવા વ્યષ્ટિ અજ્ઞાનનું અધિષ્ઠાન ચેતન તે પણ ચિત્ત મનાય છે. | ઇરાદો; કાળજી; ધ્યાન. | ઉપયોગ. | એક જાતનું ત્રિશાળ ઘર. | ચિતાનું લાકડું. | ( જ્યોતિષ ) ચિત્રા નક્ષત્ર. | છબી. | જળથી ઊપજતાં પંચતત્ત્વ માંહેનું એક. | જીવ; આત્મા. | જ્ઞાન; સમજ; મન અને બુદ્ધિની સંકલના કરનાર વૃત્તિ. | ભૂતભવિષ્યની ચિંતા. | મન; દિલ. વધુ + | વિચાર કરવાની શક્તિ. | સંકલ્પ; વાસના. મરણ સમયે જેવા ચિત્ત અર્થાત્ સંકલ્પવાળો મનુષ્ય હોય તે સંકલ્પ સહિત આ આત્મા પ્રાણ તરફ આવે છે. પ્રાણ આત્મા સહિત, ઉદાનથી મુક્ત થઈને તે જીવાત્માને યથાસંકલ્પિત શરીરમાં લઈ જાય છે. અર્થાત્ મરણ કાળે મનુષ્યમાં જે સંકલ્પ એટલે જે વાસના હોય છે તે વાસનાથી વાસિત થયેલો તેનો જીવાત્મા જેવી મતિ તેવી ગતિ થતી હોવાથી યથાસંકલ્પિત શરીરમાં ગતિ કરે છે. | કાબરચીતરૂં. | જાણેલું. | વિચારેલું; ઇચ્છેલું. | વિચિત્ર; નવાઇ ભરેલું.