Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Devi” · clear
- devi
- ( સંગીત ) અનુષ્ટુપ છંદનો એક ભેદ. | ( પિંગળ ) આર્યા છંદનો એક ભેદ; વૈદેહી. તેમાં ૧૫ લઘુ અને ૨૧ ગુરુ મળી ૩૬ વર્ણ હોય છે. | અળસી. | ઈશ્વરી; ઈશ્વરની સ્ત્રીરૂપ શક્તિ; પાર્વતી; અંબિકા; શંકર ભગવાનની સ્ત્રી અને હિમવાનની પુત્રી. શક્તિ તરીકે એના બે રૂપ છેઃ એક શાંત અને બીજું ઉગ્ર. એના ઉગ્ર રૂપની બહુધા પૂજા થાય છે. આ વિશ્વમાં દીપતી પરમેશ્વરની એ શક્તિ ત્રણ તરેહની છેઃ (૧) જે આ વિશ્વમાં એક નદીની માફક વહ્યા કરે છે તે વિદ્યા અથવા સરસ્વતી. (૨) આ વિશ્વમાં પથરાયેલી સુંદરતા, જે પ્રભુનું ચિહ્ન છે, જેનાથી આપણને પ્રભુનું ભાન થાય છે તે લક્ષ્મી. (૩) આ વિશ્વમાં સુંદરતા સાથે જે વિકરાળતા રહેલી છે, જે સર્વ પદાર્થોનું ભક્ષણ કરે છે, તે કાળી યા ચંડી. ગૌરી, પાર્વતી, હિમવતી, જગન્માતા અને ભવાની એ એનાં શાંત રૂપો છે. દુર્ગા, કાલી, શ્યામા, ચંડી, ચંડિકા, ભૈરવી, મહાકાલી એ એનાં ઉગ્ર રૂપો છે. પશુનાં બલિદાન વગેરે આ ઉગ્ર રૂપને અપાય છે. તાંત્રિકોની કેટલીક બીભસ્ત પૂજા પણ આ રૂપને અંગે જ થાય છે. એને દશ, વીશ કે એથી યે વધારે ભુજા કલ્પી છે, દરેક હાથમાં જુદાં જુદાં આયુધો ધારણ કરે છે. દુર્ગાનું વાહન વાઘ છે. કાલીનો વર્ણ શ્યામ, મુખાકૃતિ ભયંકર અને તે સર્પોથી વીંટળાયેલી હોય છે. એ મુંડમાલ ધારણ કરે છે. રહેઠાણ ઉપરથી પણ દેવીનાં નામ પડ્યાં છે. વિંધ્યાચળ પર્વત મિરઝાપુર આગળ ગંગાની સમીપ આવેલ છે ત્યાંની દેવી વિંધ્યાવાસિની છે. એના ચાચર ઉપરનું રક્ત સુકાતું જ નથી. મહામાયારૂપે એ જગતને માયાપાશમાં રાખે છે દેવીએ અસુરો ઉપર મેળવેલા વિજયોનું વર્ણન ચંડી મહાત્મ્યમાં છે. એ ગ્રંથમાં અસુરો તરફથી આવેલા દૂતને મળતી વખતના દેવીના રૂપને દુર્ગા, અસુરોનાં કેટલાંક દળોનો સંહાર કરતી વેળાના રૂપને દશભુજા, રક્તબીજ નામના અસુર ઉપર ચડાઈ કાલે સિંહવાહિની, પાડાના સ્વરૂપવાળા મહિષાસુરને મારવા કાળે મહિષમર્દની એવે એવે નામે વર્ણવેલી છે. અસુરના દળને પુનઃ હરાવતી વખતે જગદ્ધાત્રી અને શુંભ નામના અસુરના વધ કાળે તારા કહી છે. મસ્તક વગરના ધડને રૂપે એણે નિકુંભ નામના અસુરને માર્યો હતો, માટે એને છિન્નમસ્તકા કહી છે. વિજય પછી દેવોએ એની કરેલી આરાધનામાં અને જગદ્ગૌરી કહી છે. દેવીના પતિ શંકર ભગવાનને અંગે એના બભ્રવી, ભગવતી, ઈશાની, ઈશ્વરી, કાલંજરી, કપાલિની, કૌશિકી, કિરાતી, મહેશ્વરી, મૃડાની, રુદ્રાણી, શર્વાણી, શિવા અને ત્ર્યંબકી એવાં એનાં નામ છે. એની ઉત્પત્તિની લઈને એનાં અદ્રિજા, ગિરિજા, કુજા, દક્ષજા એવાં પણ નામ છે. કન્યા, કન્યાકુમારી, અંબિકા, અવરા ઉપરાંત અનંતા, નિત્યા, આર્યા, વિજ્યા, ઋદ્ધિ, સતી, દક્ષિણા, કર્બુરી, ભ્રમરી, કોટરી, કર્ણમોટી, પદ્મલાંછના, સર્વમંગલા, શાકંભરી, શિવદૂતી, સિંહરથી વગેરે બીજાં નામો છે. એના તપને અંગે એને અપર્ણા, કાત્યાયની પણ કહે છે. ભૂતનાયિકા, ગણનાયિકા, કામાક્ષી, કામાખ્યા, લલિતા, ભદ્રકાળી, ભીમદેવી, ચામુંડા, મહાકાલી, મહામારી, મહાસુરી, માતંગી, રજસી, રક્તદંતા એવાં એવાં અનેક તેનાં નામો છે. શક્તિદેવીની પૂજા તેનાં જુદે જુદે રૂપે થાય છે. કેટલીક વખત દેવીનાં નામ પાડવામાં દેવીની ઉમર ઉપર ધ્યાન રાખવામાં આવેલ છે. એક વર્ષના બાળક જેવે રૂપે હોય તે દેવીને સંધ્યા, બે વર્ષની હોય તેને સરસ્વતી, સાત વર્ષની હોય તેને ચંડિકા, આઠ વર્ષનીને શાંભવી, નવ વર્ષનીને દુર્ગા અથવા બાળા, દશનીને ગૌરી, તેરનીને મહાલક્ષ્મી અને સોળનીને લલિતા કહેવામાં આવે છે. માર્કંડેય પુરાણમાં દેવીમાહાત્મ્યમાં દેવીને શ્રીમુખે કહેવડાવ્યું છે કેઃ દ્વાપરયુગને અંતે અને કલિયુગના આરંભની લગભગ શુંભ અને નિશુંભ નામના દૈત્યો થશે. હું જાતે નંદગોપાળ નામના ગોપાળને ઘેર નંદા નામે અવતરીશ અને વિંધ્યાચળમાં વાસ કરીશ. દ્વાપરના અંતમાં પછી વિપ્રચિત નામના કુળમાં જન્મેલા અસુરોને મારીને ખાઈ જઈશ. આ પ્રમાણે અસુરોને ભક્ષણ કરતાં મારા દાંત, વાળ અને શરીર તેમ જ આયુધો તેમના રક્ત વડે રાતાં થઈ જશે. એ કારણથી લોકો મને રક્ત ચામુંડા કહેશે. ત્યારપછી પૃથ્વી ઉપર સો વર્ષનો દુકાળ પડશે. તે વખતે એક ટીપું પાણી મળશે નહિ. મુનિજનોની પ્રાથનાથી હું તે કાળે પાર્વતીના શરીરમાંથી છૂટી પડીને બહાર આવીશ. તે વખતે મારે સો આંખો હોવાથી લોકો મને શતાક્ષી એવા નામથી ઓળખશે. વૈવસ્વત મન્વંતરના ચાળીસમા યુગમાં હું લોકોનું વનસ્પતિથી પોષણ કરી તેને દુકાળમાં ઉગારીશ, માટે લોકો મને શાકંભરીના નામની જાણશે. મારા આ રૂપે હું દુર્ગમ નામના અસુરને મારીને દુર્ગા દેવીના નામથી પ્રખ્યાત થઈશ. ત્યાંથી હું હિમાલય ઉપર જઈને ભયંકર રૂપ ધારણ કરીશ, તેથી ભીમા કહેવાઈશ. તે કાળે ત્યાં અરુણ નામનો એક અસુર થશે. એ જ મન્વંતરના સાઠમા યુગમાં ભમરાઓનાં ટોળાં લઈને હું એ દૈત્ય ઉપર હુમલો કરી એને મારી નાખીશ. આથી મારૂં નામ ભ્રમરી પડશે. આ પ્રમાણે પોતે કરેલાં પરાક્રમને લઈને દેવીનાં નામ પડે છે. સ્વર્ગ અને પૃથ્વી વગેરે ઉત્પન્ન કરવામાં દેવીની શ્રેષ્ઠતા કેવી અને કેટલી છે, તે પણ માર્કંડેય પુરાણ ઉપરથી જણાય છે. ગુપ્તરતિદેવી એટલે દેવીનું ગુપ્ત અને અગોચરરૂપ એટલે પોતે ત્રણ રૂપ ધારણ કરે છે. પ્રકૃતિનાં રજસ, સત્ત્વ અને તમસ એ ત્રણ ગુણનાં એટલે ગુણરૂપ જ દેવીનાં લક્ષ્મી, મહાલક્ષ્મી અને સરસ્વતી એવાં ત્રણ રૂપ બને છે. સૃષ્ટિના આરંભમાં મહાકાળીરૂપે એમણે જ બ્રહ્માને દાબમાં રાખી તેની પાસે સૃષ્ટિ રચાવી હતી. પ્રલય વખતે એ જ મહામારી રૂપ ધારણ કરશે. લક્ષ્મીરૂપે દેવી લોકોને સંપત્તિ અને ધન આપે છે. જ્યેષ્ઠા દેવીરૂપે દેવી જ લોકોની સંપત્તિ અને ધન હરી લે છે. સૃષ્ટિના આરંભ કાળે દેવી શ્યામરંગી સ્ત્રીને રૂપે પ્રકટ થાય છે. વળી એનાં નામ મહામાયા, મહાકાળી, ક્ષુધા, તૃષા, નિદ્રા, તૃષ્ણા, એકવીરા, કાલરાત્રી અને દુરત્યયા પણ છે. મુખ્ય દેવી મહાલક્ષ્મીની આજ્ઞાનુસાર દેવી પુરુષ અને સ્ત્રી બંને તરેહનાં રૂપ ધારણ કરે છે. નીલકંઠ, રક્તબાહુ, શ્વેતાંગ, ચંદ્રશેખર, રુદ્ર, શંકર, સ્થાણુ અને ત્રિલોચન એ દેવીનાં નરજાતિનાં અને વિદ્યા, સ્વર, અક્ષર અને કામધેનુ એનાં ગૌરાંગી સ્ત્રી સ્વરૂપ છે. વળી મહાલક્ષ્મીથી જ સાત્ત્વિકરૂપ સરસ્વતી ઉત્પન્ન થઈ છે. એની કાંતિ ચંદ્રપ્રભા જેવી છે અને એ પોતાના હાથોમાં અક્ષમાલા, અંકુશ, વીણા અને પુસ્તક ધારણ કરે છે. મહાવિદ્યા, મહાવાણી, ભારતી, વાક, સરસ્વતી, આર્યા, બ્રાહ્મી, કામધેનુ, વેદગર્ભા, ધી અને ઈશ્વરી એ આ જ રૂપનાં બીજાં નામો છે. મુખ્ય દેવીની આજ્ઞાનુસાર આ દેવી વળી એક સ્ત્રી અને એક પુરુષ પેદા કરે છે. એણે પેદા કરેલો શ્યામરંગી પુરુષ તે વિષ્ણુ છે. કૃષ્ણ, ઋષિકેશ, વાસુદેવ અને જનાર્દન એ એનાં બીજાં નામ છે. ઉમા, ગૌરી, સતી, ચંડી, સુંદરી, સુભગા અને શિવા એ દેવીની પેદા કરેલી ગૌરાગી સ્ત્રીનાં નામ છે. મહાલક્ષ્મીનું રાજસ સ્વરૂપ તે લક્ષ્મી કહેવાય છે. એની મૂર્તિના હાથમાં દાડમ, ગદા, પાત્ર અને ખેટક ધારણ કરાવાય છે. એ દેવીના શરીર એટલે મૂર્તિ ઉપર સ્ત્રીત્વ અને પુલિંગત્વસૂચક ચિહ્ન હોય છે. આ દેવીનો વર્ણ પ્રવાહી સુવર્ણના જેવો હોય છે. આ દેવી પણ સ્ત્રી અને પુલિંગે રહે છે. એનાં પુલિંગ રૂપ તે હિરણ્યગર્ભ, બ્રહ્મા, વિધિ, વિરંચિ અને ધાતા છે. સ્ત્રીલિંગ રૂપો તે શ્રી, પદ્મા, કમલા અને લક્ષ્મી છે. સહુ જગતની જનેતા મહાલક્ષ્મીએ બ્રહ્માને સરસ્વતીને પોતાની સહચારિણી કરવાની આજ્ઞા કરી. એ બંનેના યોગથી બ્રહ્માંડ ઉત્પન્ન થયું. રુદ્ર એટલે શિવે ગૌરી સાથે લગ્ન કર્યું અને એ બંનેએ મળીને સુવર્ણાંડ ઉઘાડ્યું. લક્ષ્મી પોતે જ વિષ્ણુનાં પત્ની બન્યાં અને એ બંનેએ જગતનું રક્ષણ કર્યું. આ પ્રમાણે સઘળી માયારૂપ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. આમ સઘળી સૃષ્ટિ, દેવદેવીઓનાં રૂપ, એ બધું માત્ર મૂળ ઈશ્વરરૂપ મહાલક્ષ્મીમાંથી ઉત્પન્ન થયું. ઈશ્વરની દરેક તરેહની શક્તિ મૂળ મહાલક્ષ્મીમાંથી જ ઉત્પન્ન થઈ છે. શાક્તોમાં આ મહાલક્ષ્મી દેવી જ મૂળ ઈશ્વરરૂપે પૂજાતી હોવાથી એ દેવી જ શક્તિપૂજાનો પાયો છે. વૈષ્ણવ પંથના કરતાં શૈવ અને શાક્ત પંથોમાં દેવીઓનાં રૂપો ઘણાં છે. શૈવપંથની દેવીનું એક રૂપ દુર્ગા છે. એ દેવી આદ્યશક્તિથી જન્મેલી છે. આગમોમાં દુર્ગાનાં નવ જુદાં જુદાં રૂપો ગણાવેલાં છે. જેવાં કે, (૧) નીલકંઠી, (૨) ક્ષેમંકરી, (૩) હરસિદ્ધિ, (૪) રુદ્રાંશદુર્ગા, (૫) વનદુર્ગા, (૬) અગ્નિદુર્ગા, (૭) જયદુર્ગા, (૮) વિંધ્યાવાસી દુર્ગા, (૯) રિપુમારી દુર્ગા. આ સિવાય વળી નવદુર્ગાનાં નવ રૂપોનો એક સમુહ છે. તેને નવદુર્ગા કહે છે. નીલકંઠી પોતાના ભક્તોને દોલત અને સુખ, ક્ષેમંકરી તંદુરસ્તી, હરસિદ્ધિ ઇચ્છિત ફળ અને જયદુર્ગા સિદ્ધિ આપે છે. રિપુમારી દુર્ગા શત્રુ અને તેના પક્ષનો સંહાર કરનારી દેવી છે. મહિષાસુરમર્દિની એ મહિષાસુર નામના બલવાન અસુરને મારતી વખતનું દેવીનું ઉગ્રસ્વરૂપ છે. કાત્યાયની દેવીમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રિમૂર્તિની સમગ્ર શક્તિ એકત્ર રહેલી છે. મહિષાસુરમર્દિની દેવીની મૂર્તિ પેઠે આ દેવીની મૂર્તિ આગળ પણ માથું કપાયેલા પાડાની મૂર્તિ હોય છે. આ પાડાનું માથું દૂર પડેલું અને પાડાના ધડમાંથી કપાયેલી ડોક માર્ગે ર્ધા બહાર નીકળતા અસુરની મૂર્તિ હોય છે. એ અસુરનું કાપેલું લોહી નીંગળતું માથું દેવીએ ચોટલી વડે પોતાના હસ્તમાં ધારણ કરેલું હોય છે. એમ પણ મનાય છે કે, મહિષાસુર વધ એ એક અલંકારિક ઉક્તિ એટલે રૂપક માત્ર છે. જ્ઞાનરૂપી શક્તિએ અંધકારરૂપી અજ્ઞાનનો જુદે જુદે સમયે નાશ કર્યો, તે આ રૂપક દ્વારા સમજાવ્યું છે. એમ કેમ ન હોય કે અનાર્ય એટલે મૂળ વતનીઓમાંથી મહિષ એટલે પાડાની પૂજાનો જુદે જુદે કાળે અને સ્થળે ધ્વંસ કરીને તેને સ્થાને શક્તિપૂજાનો પ્રચાર થયો હોય. ઘણી વખત દુર્ગા નવરૂપના સમુહમાં પૂજાય છે. એક રૂપ વચમાં અને આઠે દિશાએ એકેક એમ એની સ્થાપના થાય છે. આ દેવી સર્વશક્તિપ્રદાયિની છે. ભદ્રકાળી નામની દેવી સુંદર મુખાર્વિંદ, ત્રિનેત્ર અને અષ્ટાદશ ભુજાવાળી હોય છે. મહાકાળી દેવી દીર્ઘનયના અને ક્ષીણ કટીવાળી ગણાય છે. એ દેવી અષ્ટભુજા હોઈને ગળામાં કપાલમાળા ધારણ કરે છે. અંબાની મૂર્તિ કમલરંગી અને ચતુર્ભુજા હોય છે. પ્રખ્યાત આરાસુરવાસિની અંબાની મૂર્તિ જ નથી. ત્યાં ગોખમાં ખીંટીઓ ઉપર વસ્ત્રો એવી રીતે ગોઠવાય છે કે દૂરથી જોનારની નજર આગળ શક્તિની મૂર્તિ ખડી થાય છે. અંબિકા દેવી સિંહારૂઢ અને ત્રિનેત્રવાળી છે. મંગળા દેવીનું મુખાર્વિંદ સુંદર હસિત હોઈ એ સુંદર સ્તનોવાળું છે. સર્વમંગળા દેવી સિંહ ઉપર બેઠેલી અને ચાર હાથવાળી ગણાય છે. કાલરાત્રિ દેવી એ સંહારક રૂપ છે. એ એકવેણી અને નગ્ન છે. આ દેવી શરીરે તેલનું મર્દન કરે છે અને પગમાં લોઢાનાં કડાં પહેરે છે. લલિતા દેવી પોતાના હસ્તમાં દર્પણ અને અંજનની પેટી ધારણ કરે છે. ગૌરી કુમારિકા રૂપે છે. ઉમા એ એનું જ રૂપ છે. એનું બીજું રૂપ તે પાર્વતી છે. એના ચાર હાથમાંના બેમાંથી એકમાં શિવની અને બીજામાં દેવગણના પાત ગણેશની મૂર્તિ હોય છે. દુર્ગાનું બીજું એ એક રૂપ છે જે મગરની પીઠ ઉપર ઊભેલું ગણાય છે. બંગાળ તરફ આ રૂપ પૂજાય છે. તોતલા અને ત્રિપુરા ગૌરીનાં બીજાં સ્વરૂપ છે. રંભા દેવી ભક્તજનોની સઘળી મનકામના પૂરી પાડે છે. ભૂતમાતા, યોગનિદ્રા, વામા એ જુદાં જુદાં ફળ આપનારી દેવીઓ છે. શત્રુને સંહારનારી અને ભક્તોને અતુલ સુખ આપનારી જ્યેષ્ઠા દેવી એ એક ભયંકર રૂપ છે. અષ્ટ દેવીઓના એક સમૂહમાં આ દેવી સૌથી મોટી છે. સાવરણી અને છાબડું કે સૂપડું એનાં આયુધ છે અને એનું વાહન ગર્દભ છે. ગુજરાતમાં શીતળા દેવીનું સ્વરૂપ આને જ મળતું છે. અષ્ટ દેવીઓના સમૂહમાં સૌથી નાનીનું નામ મનોમની છે. પોતાના ભક્તજનોના શત્રુનો એ સંહાર કરી નાખે છે. વારુણીચામુંડા અને રક્તચામુંડા એ દેવીયુગલ છે. રક્તચામુંડા સકલ સૃષ્ટિમાં વ્યાપ્ત થવાની શક્તિ ધરાવે છે. ઉપર જણાવેલ ઉપરાંત શિવદૂતી, યોગેશ્વરી, ભૈરવી, ત્રિપુરભૈરવી, શિવા, કીર્તિ, સિદ્ધિ, રિદ્ધિ, ક્ષમા, દીપ્તિ, રતિ, શ્વેતા, ભદ્રા, જયા અને વિજયા, કાલી, ઘંટાકરણી, જયંતી, દિતિ, અરુંધતી, અપરાજિતા, સુરભિ, કૃષ્ણા, ઇંદ્રાણી, અન્નપૂર્ણા, તુલસી દેવી, અશ્વારૂઢા દેવી, ભુવનેશ્વરી, બાલા અને ગજમાતંગી એ શૈવ સંપ્રદાયની ઇષ્ટ દેવીઓ છે. જેમ શૈવ તેમ જ વૈષ્ણવ અને બાહ્ય સંપ્રદાયને અંગે પણ ખાસ દેવીઓ છે. આ દેવીઓ તે તે દેવની સ્ત્રીરૂપે મનાય છે. વિષ્ણુની સ્ત્રી લક્ષ્મી છે. ક્ષીરસાગરના મંથન સમયે તેમાંથી અમૃત અને બીજાં રત્નો નીકળ્યાં હતાં. લક્ષ્મી પણ તેમાંથી નીકળેલું એક રત્ન જ છે. શ્રી, પદ્મા અને કમલા એ એનાં બીજાં નામ છે. લક્ષ્મીની મૂર્તિ નૂતન યૌવન પ્રાપ્તા કુમારિકા જેવી છે. એનાં નેત્ર કલમની પાંખડી જેવાં છે. એ સુભ્રૂ, ભરાવદાર ગરદનવાળી અને ખીલેલી સુંદર કટીવાળી છે. એ કમળની માળા પહેરે છે. એની મૂર્તિની બંને તરફથી હાથણીઓ પોતાની ઊંચી કરેલી સૂંઢમાં કળશો લઈ એના ઉપર ઠાલવતી હોય એમ ઊભી રખાય છે. આ દેવી પોતાના ભક્તોને સમૃદ્ધિવાન બનાવે છે. ભૂમી અથવા ભૂદેવી એટલે પૃથ્વીની દેવી એ વિષ્ણુની પ્રિયતમા મનાય છે. વિષ્ણુના વરાહ અવતારની સાથે આ દેવીની યોજના સમજાય છે. એ અવતારમાં વિષ્ણુ ભગવાને જળમાં જતી રહેતી પૃથ્વીને પોતાની દાઢની અણી ઉપર ચડાવીને તરતી કરી હતી. લક્ષ્મી અને ભૂદેવી સિવાય બીજા અવતાર પરત્વે બીજી દેવીઓ પણ વિષ્ણુના સંબંધની ગણાય છે. રામની સ્ત્રી સીતા તેમજ રુક્મિણી, સત્યભામા અને રાધા એ શ્રીકૃષ્ણની સ્ત્રીઓ છે. વિષ્ણુની જગન્નાથ તરીકેની મૂર્તિ સાથે કૃષ્ણની બહેન સુભદ્રા પૂજાય છે. જ્ઞાનની દેવી સરસ્વતી બહુધા બ્રહ્માની જોડે સંબંધ ધરાવે છે. બ્રહ્મા ઈશ્વરનું સરજનહાર રૂપ હોઈ સરસ્વતી તેમની પુત્રી લેખાય છે. સરસ્વતી ગૌરાંગી અને ચતુર્ભુજા હોઈને શ્વેત કમળ ઉપર બેઠેલી હોય છે. એને વસ્ત્રો પણ શ્વેત જ પહેરાવાય છે. એનો એક જમણો હાથ અક્ષમાલાવાળો અને બીજો જમણો હાથ વ્યાખ્યાનમુદ્રા કરેલો હોય છે. એક ડાબા હાથમાં પુસ્તક અને બીજામાં શ્વેત કમળ હોય છે. એની આજુબાજુ મુનિગણ સ્તુતિ કરતું ઊભેલું હોય છે. વિષ્ણુધર્માંત્તરમાં આ દેવીનું સ્વરૂપ સહેજ જુદી તરેહનું જણાવ્યું છે. એમાં એ દેવી શ્વેત કમળમાં ઊભેલી અને હાથમાં કમળને બદલે કમંડળ અને વ્યાખ્યાનમુદ્રાને બદલે વીણા ધારણ કરેલી કહી છે. આ દેવી કેટલીક વખત વિષ્ણુ અને કેટલીક વખત શિવની સાથે સંબંધ ધરાવતી પણ મનાય છે. ખરૂં જોતાં લક્ષ્મી, સરસ્વતી અને પાર્વતી એ એક જ દેવીનાં રૂપ છે. વળી દેવીઓનો એક બીજો સમૂહ છે. એ દેવીઓને માતૃકા કહે છે. એમની સંખ્યા સાત હોવાથી એમને સપ્તમાતૃકા કહે છે. સપ્ત માતૃકાના જન્મ સંબંધી કહેવાય છે કે, દિતિને ઉદરે કશ્યપને હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એવા બે પુત્રો ઉત્પન્ન થયા હતા. વિષ્ણુએ વરાહ અને નૃસિંહ બે અવતાર ધારણ કરીને આ બંને ભાઈઓનો વધ કર્યો હતો. હિરણ્યાક્ષનો દીકરો પ્રહ્લાદ વિષ્ણુનો ભક્ત હતો. એણે દુનિયાદારીની જંજાળ તજી દીધી હતી. એની પછી અંધકાસુર નામે અસુરોનો અધિપતિ થયો હતો. એ અસુરે ઉગ્ર તપ કરીને બ્રહ્મા પાસેથી ઘણાં વરદાન પ્રાપ્ત કરવાથી તે ઘણો જ બળવાન બની ગયો હતો. પછી એણે દેવોને ઘણા સતાવવા માંડ્યા હતા. દુઃખાર્ત દેવો શિવની પાસે ફરિયાદ કરવા કૈલાસ ગયા. દેવોની ફરિયાદ શિવ સાંભળતા હતા તેવાં જ આ અસુરરાજ પાર્વતીનું હરણ કરવાને કૈલાસમાં આવી પહોંચ્યો. શિવ એની જોડે યુદ્ધ કરવા તત્પર થઈ ગયા. એમણે, વાસુકિ, તક્ષક અને ધનંજય જાતના નાગોને કમરબંધ અને વલય તરીકે બાંધી લીધા. નીલ નામનો એક દૈત્ય શિવને છાનામાના મારી નાખવાનો સંકેત કરીને હાથીનું રૂપ ધારણ કરીને આવ્યો હતો. નંદીને આ વાતની ખબર પડવાથી એણે વીરભદ્રને કહ્યું. એણે સિંહનું રૂપ ધારણ કરીને હાથીને મારી નાખ્યો. આ હસ્તીચર્મ વીરભદ્રે શિવને નજર કર્યું. શિવે એ ચર્મને ઉત્તરીય તરીકે ઓઢી લીધું. પછી શિવ વિષ્ણુ અને બીજા દેવો સાથે અસુરની સામે ગયા. યુદ્ધમાં વિષ્ણુ અને બીજા દેવોને નાસવું પડ્યું. શિવે બાણ મારીને અસુરને ઘાયલ કર્યો. એના ઘામાંથી ઘણું જ રક્ત વહેવા માંડ્યું. એના રક્તના ભોંય ઉપર પડતા દરેક ટીપામાંથી બીજો અંધકાસુર ઉત્પન્ન થતો આ પ્રમાણે હજારો અંધકાસુર સાથે શિવને યુદ્ધ કરવું પડ્યું. શિવે મૂળ અંધકાસૂરનાં શરીરમાં પોતાનું ત્રિશૂળ ભોંકી દીધું અને પોતે નૃત્ય કરવા લાગ્યા. વિષ્ણુએ પોતાના ચક્ર વડે છાયા અંધકાસુરો જેઓ રક્તબિંદુઓમાંથી ઉદ્ભવ્યા હતા તેનો સંહાર કર્યો. અસુરનાં રક્તબિંદુઓ પૃથ્વી ઉપર પડતાં અટકાવવાને શિવે પોતાના મુખમાંથી ઝરતા અગ્નિમાંથી યોગેશ્વરી નામે શક્તિ એટલે માતૃકા પેદા કરી. ઇંદ્ર અને બીજા દેવોએ પણ પોતપોતાની શક્તિઓ જેવી કે, બ્રહ્માણી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી અથવા વારાઈ અથવા વેરાઈ માતા, ઇંદ્રાણી અને ચામુંડાને આ વખતે મદદ કરવા મોકલી હતી. આ દેવીઓ તે બ્રહ્મા, મહેશ્વર, કુમાર, વિષ્ણુ, વરાહ, ઇંદ્ર અને યમ એની સહચારિણીઓ થઈ પોતાના પતિઓના જેવાં જ વાહન ઉપર બેસીને તેમના જેવાં જ આયુધો લઈને અને તેમના જેવી જ ધ્વજા ફરકાવતી આવી હતી. વરુહપુરાણમાં યોગેશ્વર વગેરે થઈને સાત એટલે આઠ માતૃકા જણાવેલી છે. એમ પણ જણાવવામાં આવ્યું છે કે, આઠ માતૃકાઓ એ મનુષ્યના આઠ નઠારા મનોવિકારના રૂપક માત્ર જ છે. યોગેશ્વરી તે કામ, માહેશ્વરી તે ક્રોધ, વૈષ્ણવી તે લોભ, બ્રહ્માણી તે મદ, કૌમારી તે મોહ, ઇંદ્રાણી તે માત્સર્ય, યમી અથવા ચામુંડા તે પૈશુન્ય અને વારાહી તે અસૂયા. આ પ્રમાણે તે કલ્પનાજન્ય દેવીઓ છે. સપ્ત માતૃકાઓ અંધકાસુરનાં રક્તબિંદુઓ ભોંય ઉપર પડે તે પહેલાં ચાટી જતી હોવાથી નવા અંધકાસુર ઉત્પન્ન થતા અટકી ગયા હતા. છેવટે અંધકાસુરની આસુરી માયા શિથિલ પડી ગઈ અને શિવે પોતે વરદાન આપ્યું હતું તો યે એનો પરાજય કરી સંહાર કર્યો. જ્યેષ્ઠા દેવીની પૂજા ઘણા જૂના કાળથી ચાલી આવતી હોય એમ જણાય છે. તેની ધ્વજામાં કાગડાનું ચિહ્ન હોય છે. એનું આયુધ સાવરણી અને વાહન ગર્દભનું છે. સમુદ્રમંથન કરતી વખતે લક્ષ્મી નીકળ્યા પહેલાં એ નીકળી હતી. એની સાથે લગ્ન કરવાને કોઈ તત્પર ન હોતું, પણ કપિલ ઋષિ એને લઈ ગયા, માટે એ કપિલપત્ની કહેવાય છે. દક્ષિણ હિંદુસ્તાનની આ દેવી શીતળા દેવી કહેવાય છે. પરાશક્તિએ વામારૂપે સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોધન અને અનુગ્રહ એ પાંચ કૃત્યો કર્યાં. પરાશક્તિએ જાતે આઠ તત્ત્વો જણાવવાને આઠ જુદાં જુદાં ધારણ કર્યાં. પૃથ્વીમયી રૂપ તે વામા, જલરૂપિણી તે જ્યેષ્ઠા, અગ્ન્યાકારા તે રૌદ્રી, વાયવાકારા તે કાલી, આકાશરૂપિણી તે કલવિકર્ણી, ચંદ્રરૂપિણી તે બલવિકર્ણી, સૂર્યરૂપા તે બલપ્રમથની. બલપ્રમથીનાં બીજાં બે રૂપો છેઃ આત્મરૂપીરૂપે સર્વભૂતદમની અને પરાશક્તિરૂપે મનોમંથી દેવી અને જગતની ઉત્પત્તિની વિગત દર્શાવતો કોઠોઃ મૂળ ઈશ્વરી જે પ્રધાના કહેવાય છે તેણે સૃષ્ટિ રચવાની ઇચ્છા થતાં પોતાના અંશમાંથી ત્રણ દેવીઓ સરજીઃ મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાળી. એ દરેકે એકેક પુત્ર અને એકેક પુત્રી સરજાવી. એ ભાઈબહેનોનાં ત્રણ જોડકામાંથી હિરણ્યગર્ભ અથવા પદ્મજ એટલે બ્રહ્માએ પોતાની બહેન પદ્મા એટલે લક્ષ્મી વિષ્ણુને પરણાવી. રુદ્રે પોતાની બહેન સરસ્વતીને બ્રહ્માને અને વિષ્ણુએ પોતાની બહેન આદ્યા અથવા કાલી શિવને એટલે રુદ્રને પરણાવી. પછી એ જોડકામાંથી ત્રિગુણાત્મક સૃષ્ટિ ઉત્પન્ન થઈ. મહાસરસ્વતી તે સત્ત્વગુણાત્મરૂપ, મહાલક્ષ્મી તે રજોગુણાત્મરૂપ અને મહાકાળી તે તમોગુણાત્મકરૂપ છે. રુદ્ર અને આદ્યા અથવા કાલીમાંથી બધી તમોગુણાત્મક સૃષ્ટિ, વિષ્ણુ અને પદ્મામાંથી રજોગુણાત્મક સૃષ્ટિ, અને હિરણ્યગર્ભ અથવા બ્રહ્મા અને સરસ્વતીમાંથી સત્ત્વગુણાત્મક સૃષ્ટિ થઈ. વધુ + | ( પુરાણ ) એ નામની એક અપ્સરા. | એ નામની વનસ્પતિ; પૃક્કા. | એ નામની વનસ્પતિ; શાલપર્ણી. | એ નામનો એક છોડ; મોરવેલ. | કપૂરીમધુરી. | જહાજના કિનારા ઉપરની લાકડી. | ( જૂ. ગુ. ) દેવચકલી; શ્યામા. | દેવની સ્ત્રી; દેવાંગના; દેવતા. | દ્વિજ સ્ત્રી; બ્રાહ્મણ સ્ત્રી. | નાગરમોથ. | પરમેશ્વર. વધુ + | પ્રફુલ્લ વદનવાળી, સુલક્ષણવાળી અને પરહિતમાં તત્ત્પર રહેનારી સ્ત્રી. | મહાદ્રોણી નામની વનસ્પતિ. | રવિસંક્રાંતિ. | રાણી; પટરાણી. દેવી પદ સંસ્કૃતમાં રાણીને માટે વપરાય છે. સંસ્કૃત નાટકોમાં ઉચ્ચ નાયક વગેરે તેમની સ્ત્રીને દેવી કહે છે. સ્ત્રી જેમ પતિને આર્યપુત્ર કહે છે, તેમ પતિ સ્ત્રીને દેવી કહે છે. | લાકડાનું એક જાતનું મજબૂત ચોકઠું. | ( પુરાણ ) વરુણની એ નામની સ્ત્રી. એના પુત્રનું નામ બલ હતું. | વાંઝણી કંટોલી. | શીતળા; માતાનો રોગ. વધુ + | આચારવાળી સ્ત્રી. | સફેદ ઇંદ્રાયન. | ગૌરવવાચક તરીકે આ શબ્દ વપરાય છે. | સ્ત્રીના નામને અંતે લગાડાતો ગૌરવવાચક શબ્દ. જેમકે, ઉષાદેવી. | હરડે. તે શંકરના ભુવનમાં થયેલી મનાય છે, માટે તેને દેવી કહે છે. | એકસો આઠ માંહેનું એ નામનું એક ઉપનિષદ.