Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Dvãpar-Yug” · clear
- Dvãpar-Yug
- ચાર માંહેનો ત્રીજો યુગ. કલિયુગ ૪,૩૨,૦૦૦ વર્ષનો છે. દ્વાપરયુગ કલિયુગથી બમણો એટલે ૮,૬૪,૦૦૦ વર્ષનો, ત્રેતાયુગ કલિયુગથી ત્રણગણો એટલે ૧૨,૯૬,૦૦૦ વર્ષનો અને કૃતયુગ કલિયુગથી ચાર ગણો એટલે ૧૭,૨૮,૦૦૦ વર્ષનો છે. એ ચારે યુગ મળીને એક મહાયુગ થાય છે. એવા ૭૧ મહાયુગનો એક મન્વંતર થાય છે. એવા ૧૪ મન્વંતરને ૬ મહાયુગ મળીને એક કલ્પ કે બ્રહ્માની રાત્રિ કે દિવસ થાય છે. સંધિ અને સંધ્યંશ કાળ ઉમેરતાં એ દેવોના ચારસો વર્ષનો છે. આ યુગનો આરંભ વૈશાખ સુદિ ૩ બુધવારના રોજ થયો હોવાનું મનાય છે. કેટલાકના મત પ્રમામે આ યુગની શરૂઆત ભાદરવા વદિ ૧૩ની અથવા મહા વદિ ચૌદશની મનાય છે. વળી કેટલાક જણાવે છે કે, માઘ વદિ અમાસ ને શુક્રવારે ધનિષ્ઠા નક્ષત્ર અને વરિયાન યોગ તથા વૃષ લગ્નમાં દ્વાપરની ઉત્પત્તિ થઈ છે. કેટલાક શ્રાવણ વદિ ૧૩ ગુરુવારના રોજ આ યુગનો આરંભ થયાનું માને છે. આમાં ફક્ત બે અવતાર થયાઃ કૃષ્ણાવતાર અને બુદ્ધાવતાર. આ યુગની વિશિષ્ટતાઃ મનુષ્યનું આયુષ્ય એક હજાર વર્ષનું તેની ઊંચાઈ ૭ હાથ, સંતતિ ૮, તેમાં ચાર છોકરા ને ચાર છોકરી, ધર્મનું પ્રમાણ અર્ધું, પતિવ્રતા સ્ત્રીઓની સંખ્યા અર્ધા ઉપર, કૃતયુગમાં એક પટ ધાન્ય રોપવાથી એકવીશ ગણું થતું, તે ત્રેતાયુગમાં ચૌદ ગણું અને દ્વાપરયુગમાં સાત ગણું થયું. ક્રમશઃ નાણું રૂપાનું થયું અને દીવા ઘીના થયા, લોકોમાં કપટ વધવા લાગ્યું, ગાયોનું દૂધ પાંચ શેર ઉપર આવ્યું. દ્વાપરયુગમાં સત્યતા કૃતયુગ કરતાં અર્ધી થઈ ગઈ, ચારે વેદ થયા, કેટલાક લોકો ચાર, ત્રણ, બે, એક અથવા એકે નહિ એમ જુદી જુદી રીતે વેદોનો અભ્યાસ કરવા લાગ્યા, વિધિઓ જુદી જુદી રીતે થવા લાગી, બહુ ઓછાં માણસો સત્યને વળગી રહ્યાં. જ્યારે મનુષ્યો ભલાઈનો રસ્તો છોડી ગયા ત્યારે અનેક રોગો, કામનાઓ અને વિપત્તિઓનો હુમલો થવા લાગ્યો, તેથી લોકોને બહુ દુઃખ થવા લાગ્યું, સ્વર્ગસુખની આશા રાખી કેટલાક યજ્ઞ કરવા લાગ્યા. આવી રીતે મનુષ્યનો સત્યમાંથી પાત થયો. આ યુગમાં સૂર્યગ્રહણ ૩,૬૦૦ અને ચંદ્રગ્રહણ ૨,૦૦,૦૦૦ હતાં. રાજા ચંદ્રવંશી હતા. જેવા કે, સોમ, બુધ, તડાગ, પુરુરવ, અંગદ, પાંડુ, યુધિષ્ઠિર, અર્જુન, અભિમન્યુ, પરીક્ષિત, જનમેજય, દેવખંડ, સહનામ, જીવશંભુ, વણુ, વિશ્વરૂપ. લોકો વિષ્ણુપૂજક હતા, વચન જ પ્રમાણ ગણાતું, લોકો ધનવાન હતા. મત્સ્યપુરાણ અનુસાર દ્વાપરયુગ બેસતાં જ ધર્મ વગેરેમાં ઘટાડો થવો શરૂ થયો. જે કરવાથી ત્રેતામાં પાપ નહોતું લાગતું, તે બધાં કર્મ પાપ સમજાવા લાગ્યાં, પ્રજા લોભી થવા લાગી, અજ્ઞાનતાના કારણે શ્રુતિ, સ્મૃતિ વગેરેનું યથાર્થ જ્ઞાન લુપ્ત થવા લાગ્યું, જુદાં જુદાં ભાષ્ય બનવા લાગ્યાં, તથા અનેક પ્રકારના મતભેદ ચાલવા માંડ્યા. આ પુરાણ અનુસાર દ્વાપરમાં મનુષ્યનું પરમાયુ બે હજાર વર્ષનું હતું.