Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “Ganesh · clear

Ganesh
( સંગીત ) અઠ્ઠાવન માંહેનો એક વર્ણાલંકાર. | ( સંગીત ) એ નામનો એક તાલ. તે ચતસ્ત્રજાતિ ૨૦ માત્રાનો હોય છે. | ગણપતિ; ઉમાપુત્ર; પાર્વતીપુત્ર; ગજાનન; ગજવદન; કરિમુખ; લંબોદર; દ્વિદેહ; વિદ્નેશ; દ્વૈમાતુર; વિનાયક; અખુરથ; એકદંત; એકકૃષ્ટા; મૂષકવાહન; ગિરિજાસુત; શિવ અને પાર્વતીના પુત્ર. બધા શુભકાર્યના આરંભમાં એ પ્રથમ પૂજાય છે. કારણકે કારણરૂપે એ ઈશ્વર મનાય છે. ભૂત ભૌતિક સર્વ ગણોના અધિપતિ હોઇ તે ગણેશ કહેવાય છે. કાવ્યશાસ્ત્રમાં ત્રણ ત્રણ અક્ષરના આઠ ગણ છે. તેના ઈશ પણ ગણેશ કહેવાય છે. રિદ્ધિ સિદ્ધિ બે શક્તિ એની પડખે સદા ખડી છે, એટલે એ દેવની ઉપાસનાથી એ બંને સુલભ થાય છે. અધિદૈવરૂપે એ જગતનું બીજ મનાય છે, અધિભૂતરૂપે અવતાર છે, ને અધ્યાત્મરૂપે એ બંને અવસ્થાના નિયંતા એટલે બ્રહ્મરૂપ સ્વીકારાયા છે. અદ્માત્મની ઉપાસનાથી જગતબીજ ઉપાસક પોતે જ છે એમ અનુભવાય છે. એનું મુખ હાથીનું છે. તે મંગળરૂપ ગણાય છે. પેટ મોટું છે તે આનંદસૂચક છે. એક વાર શિવપાર્વતી અંત:પુરમાં હોવાથી ગણેશને દ્વારની ચોકી કરવા રાખ્યા હતા. એઠલામાં પરશુરામ ત્યાં આવી ચડ્યા. અંદર જતાં ગણેશે તેમને અટકાવ્યા તેથી બે વચ્ચે લડાઈ થઈ, તેમાં ગણેશના બે દાંતમાંથી એક તૂટી ગયો તેથી, એ એકદંત કહેવાય છે. પુરાણોમાં લખ્યું છે કે પહેલાં ગણેશને મનુષ્યનું માથું હતું, પણ શનૈશ્વરની દૃષ્ટિ પડવાથી તેમનું માથું કપાઈ ગયું. આ ઉપરથી વિષણુએ એક હાથીનું શિર કાપી તેમના ધડ ઉપર જોડી દીધું. વળી એમ પણ કહેવાય છે કે એક વખતે વિષ્ણુ અને ગણપતિ લડતા હતા એઠલામાં શિવે વચમાં પડી ગણપતિનું ડોકું કાપી નાખ્યું એ વાત પાર્વતીએ જાણી એટલે શિવને શાપ દેવા માંડ્યો. પછી શિવે એક દાંતના હાથીનું ડોકું કાપી લાવી ગણપતિના ધડને ચોટાડી જીવતા કર્યા. મારા પુત્રને વરવો કર્યો, તેથી હવે કોઈ તેને બોલાવશે નહિ, એમ કહી પાર્વતીએ શોક કર્યો ત્યારે શિવે કહ્યું કે સર્વ દેવમાં એ પહેલો પૂજાશે ને સર્વ શુભ કામમાં તેનું આરાધન થશે. એથી હરકોઈ શુભ પ્રસંગે પ્રથમ એમની સ્થાપના કરવામાં આવે છે. અમુક પુરાણમાં લખ્યું છે કે તેનો દાંત રાવણે ઉખેડી નાખ્યો હતો. કેટલાકના મત પ્રમાણે વીરભદ્ર અથવા કાર્તિક્યે દાંત તોડી નાખ્યો હતો. આ પ્રમાણે માથું કાપવાના સંબંધમાં પણ મતભેદ છે વળી કોઇ પુરાણમાં તેનું આખું શરીર મનુષ્યનું અને માથું હાથીના જેવું તથા ચાર હાથ અને એક દાંત, માથામાં ત્રણ આંખ અને લલાટ ઉપર અર્ધચંદ્ર એમ વર્ણન કરવામાં આવેલ છે. યુગ પ્રમાણે એમને દશ હાથ, છ હાથ, ચાર હાથ અને બે હાથ હતા એવો ઉલ્લેખ છે. દશભુજ ગણેશનું વાહન સિંહ, ષડ્ભુજ ગણેશનું મયૂર,, ચાર ભુજ ગણેશનું ઉંદર અને બે ભુજ ગણેશનં અશ્વ કહેવાય છે. એમના ચાર હાથમાં અનુક્રમે શંખ, ચક્ર, ગદા અને પદ્મ તે ધારણ કરે છે. એમને અંગે ગણેશપુરાણ અને મુદ્ગલપુરાણ એવા સ્વતંત્ર ગ્રંથો છે. ત્રણે ગુણના સ્વામી હોવાથી એમને ગણેશ પણ કહે છે. એને લાડુ બહુ પ્રિય છે. અષ્ટસિદ્ધિ એમની આઠ પટરાણી મનાય છે. તે પાર્વતીજીના શરીરના મલમાંથી ઉત્પન્ન થયાનું પણ મનાય છે. શ્રીમદ્ ભાગવતમાં ગણેશ કે ગણપતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વ્યાસજીએ મહાભારત રચ્યું તે વેળા ગણેશને બ્રહ્મા પાસેથી લહિયા તરીકે માગી લીધા હતા. વ્યાસ શ્લોક બોલતા જાય અને ગણેશ લખતા જાય એવી હકીકત પુરાણમાં છે. એ વિધ્નહર કહેવાય છે. એક વખત ઉંદર ઉપર સવારી કરીને તેઓ જતા હતા, ત્યારે પડી ગયા. એ જોઇને ચંદ્રે મશ્કરીમાં હાસ્ય કર્યું. આથી ગુસ્સે થઈ એમણે ચંદ્રને શાપવાથી ચોથને દિવસે ચંદ્ર દર્શન કરાતું નથી. ગણેશના બે વિમાની દૂતોનાં નામ પ્રમોદ અને આમોદ છે સિંદૂર દૈત્યને મારવાથી તેને સિંદૂરવદન કહે છે. ગણેશ આરંભના દેવતા છે. તેની ઉત્પત્તિ ૐ થી થઈ છે. આમાં ‘અ’ કાર શિર અને શરીર છે. `ઓં` (ો) નો `ા` ભાગ સૂંઢ છે, ઓં નો `.` ભાગ એક દંત છે. અને ઓં `.` ભાગ મોદક છે પ્લતુનું `રૂ` ચિહ્ન મૂષક વાહન છે. આ પ્રમાણે મોદકભોજી, મૂષકારોહી અને એકદંતધારી ગજાનનની ઉત્પતિ થયાનું મનાય છે. દરેક હિંદુ મકાનના બારણાની સાખ ઉપર આ દેવની મૂર્તિ કોતરવામાં આવે છે. વધુ + | ગાયત્રીના ચોવીશ માંહેનો એ નામનો એક દેવતા. | તેતર પંખી. તેતર પક્ષીને ગ્રામ્ય શકુનોની પરિભાષામાં ગણેશ કહે છે. વધુ + | મહાદેવ. | એ નામનું એક ઉપપુરાણ.