Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Jain” · clear
- Jain
- એ નામનો એક ધર્મ. દુનિયાનો તે જૂનામાં જૂનો એક સુવિખ્યાત ધર્મ છે. જૈન શબ્દનો અર્થ જીતનાર, ધર્મના સ્થાપનાર, તીર્થંકરનો અનુયાયી એવો થાય છે. જૈન ધર્મ બૌદ્ધ ધર્મની પહેલાં બ્રાહ્મણોની જડ ધર્મક્રિયા અને જ્ઞાતિબંધનની સામે બિહારમાં ઉત્પન્ન થયો હતો. પાટણ અને જેસલમીરમાં જૈન ધર્મની મોટી પુસ્તકશાળા છે. જૈનનો મુખ્ય સિદ્ધાંત અહિંસા છે. અહિંસાનો અર્થ બીજાને ઇજા ન કરવી, દયા, આત્મભોગ એવો થાય છે. જૈન મત પ્રમાણે દરેક જીવવાળું પ્રાણી માણસનો ભાઇ છે. જીવવાળા પ્રાણીના પાંચ વર્ગ પાડવામાં આવ્યા છે: (૧) પંચેદ્રિય એટલે સ્પર્શ, સ્વાદ, ગંધ, દ્રષ્ટિ અને શ્રવણ એવી પાંચ ઇંદ્રિયવાળા. જેમકે, દેવ, માણસ, મોટાં પ્રાણી અને નારકી. (૨) ચારેંદ્રિય એટલે સ્પર્શ, સ્વાદ, ગંધ અને દ્દષ્ટિ એવી ચાર ઇંદ્રિયવાળા. જેમકે, મધમાખી, મચ્છર, વીંછી. (૩) તેઇંદ્રિય એટલે સ્પર્શ, સ્વાદ અને ગંધ એવી ત્રણ ઇંદ્રિયવાળા. જેમકે, કીડી, પતંગિયા. (૪) બે ઇંદ્રિય એટલે સ્પર્શ અને સ્વાદ એવી બે ઇંદ્રિયવાળી. જેમકે, કીડા, જળો. (૫) એકેંદ્રિય એટલે સ્પર્શ એક જ ઇંદ્રિયાવાળા. જેમકે, પથ્થર, માટી, ખનીજ, કંદમૂળ. ઘણાખરા જૈનો બેથી પાંચ ઇંદ્રિયવાળા જીવની રક્ષા કરે છે, પણ આકરૂં વ્રત પાળવાવાળા જૈની અને જૈન સાધુઓ એક ઇંદ્રિયવાળા જીવની પણ રક્ષા કરે છે. આ જૈનો પ્રાણી અને વનસ્પતિને ઇજા ન થાય એટલા માટે ઊઘાડે પગે ચાલે છે, કંદમૂળ ખાતા નથી અને ઉકાળેલું પાણી જ પીએ છે. અત્યારે આખા હિંદુસ્તાનમાં અહિંસાનો ધર્મ પળાય છે. જૈનો જીવની હિંસા થાય એવા ખેતી વગેરે ધંધા કરતા નથી. જૈનો માને છે કે દુનિયામાં સર્વવ્યાપકતા, સંપૂર્ણ જ્ઞાનદ્દષ્ટિ, સુખ અને સર્વશક્તિ એ ચાર ગુણવાળા અનંત આત્માઓ છે, પણ આ આત્માઓને જડ વસ્તુઓ સાથે મોહ છે, તેથી તેનું ખરૂં સ્વરૂપ દેખાતું નથી. જૈનો પુનર્જન્મમાં માને છે. જેવો માણસ મરી જાય છે કે તેનો આત્મા બીજા શરીરમાં દાખલ થાય છે. તેઓ કર્મમાં માને છે. માણસના મૃત્યુ સાથે તેનાં કર્મો મરી જતાં નથી, પણ પછીના ભવમાં તે કર્મોનું ફળ ભોગવવું પડે છે. તેથી જ્યાંસુધી જીવ કર્મ કર્યા કરે છે, ત્યાંસુધી પુનર્જન્મ લેવો પડે છે, એટલે જન્મનો છેડો આવતો નથી. કર્મ બંધ કરવાના ૫૭ ઉપાય અને ૧૨ જાતનાં તપ છે. તે ઉપાયો કર્તવ્યમાં મૂકવાથી આત્માની સાથે કર્મને જોડી રાખનાર ચાર બંધનો છૂટાં પડે છે. વાસના વગર કરેલાં કાર્યથી કર્મ બંધાતું નથી. માટે કર્મમાંથી મુક્ત થવાને વાસનાને મારી નાખવી જોઇએ. જો આમ થાય તો પુનર્જન્મના ફેરા મટી જાય છે. દરેકને મોક્ષ મળી શકતો નથી પણ દરેક તે રસ્તે જવાનો પ્રયત્ન કરે છે. સાધારણ માણસ અહિંસા પાળે છે, દાન આપે છે, વિચાર, વાણી અને કાર્યમાં સંયમ રાખે છે, થોડા વખત સુધી સાધુનાં વ્રત પાળે છે, તપ કરે છે, જૈન આચાર્યો અને સાધુઓને માન આપે છે. અમુક વર્ષની ઉંમરે જૈન દીક્ષા લઈ શકે છે, એટલે દુનિયાનો ત્યાગ કરી સાધુ થાય છે. તે તેના બાપ કે વાલીની રજા લે છે અને પાંચ મહાવ્રત ધારણ કરે છે. જૈનો માને છે કે દુનિયા સારા નરસા યુગમાંથી પસાર થાય છે. ઘણાં વર્ષ પહેલાં બહુ સારો યુગ હતો, જ્યારે બધાં માણસ સારાં, એક માઇલ ઊંચાં હતાં અને રાંધવાની જરૂર પડતી નહિ. લગભગ ૪૦,૦૦૦ વર્ષ પછી બહુ ખરાબ યુગ આવશે, જ્યારે માણસો એક ફૂટ ઊંચાં હશે. પછી પાછો સારો યુગ આવશે. ત્યાં સુધી કોઇને મોક્ષ મળશે નહિ. જૈન સાધુનું વ્રત બહુ આકરૂં હોય છે. તે ઘણા દિવસ સુધી ઉપવાસ કરે છે, ધ્યાન ધરે છે, ઇંદ્રિયોને જીતે છે, મનની શાંતિ કેળવે છે અને છેવટે મોક્ષ મેળવે છે. વર્તમાન ચોવીશીના છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના પ્રધાન શિષ્યનું નામ ઇંદ્રભૂતિ અથવા ગૌતમ હતું. તેને કેટલાક યરપીય વિદ્વાનો ભ્રમને લીધે શાક્ય મુનિ ગૌતમ બુદ્ધ સમજ્યા હતા. જૈન ધર્મમાં બે સંપ્રદાય છે: શ્વેતાંબર અને દિગમ્બર. શ્વેતાંબર જૈનના બે વિભાગ છે: સ્થાનકવાસી અથવા સાધુમાર્ગી અને દેરાવાસી. સ્થાનકવાસી મૂર્તિને માનતા નથી અને દેરાવાસી તીર્થંકરોની મૂર્તિને પૂજે છે. શ્વેતાંબર મૂર્તિપજક અને દિગમ્બરો વચ્ચે તફાવત એ છે કે શ્વેતાંબર તીર્થંકરની મૂર્તિને કચ્છો એટલે કોપીન પહેરાવે છે અને દિગબંર મૂર્તિને નગ્ન રાખે છે. જેમ હિંદઓમાં મન્વંતર, કલ્પ આદિમાં કાળના વિભાગ પાડેલા છે, તેમ જૈનોમાં કાળના બે પ્રકાર છે: ઉત્સર્પિણી અને અવસર્પિણી. પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ચોવીશ જિન અથવા તીર્થંકર થાય છે. પ્રત્યેક ઉત્સર્પિણી અવસર્પિણીમાં નવા નવા જીવ તીર્થંકર થાય છે. આ તીર્થંકરોનો ઉપદેશ લઈ ગણધરો દ્વાદશ અંગની રચના કરે છે. આ દ્વાદશ અંગ તે જૈનોના મૂળ ગ્રંથ છે. આ બાર અંગમાં અગિયાર અંગ મોજૂદ છે અને બારમું દ્દષ્ટિવાદ નામનું અંગ વિચ્છેદ ગયું છે એમ જૈનો માને છે. આ અવસર્પિણી કાળના ચોવીશ તીર્થંકરમાં છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી થયા. તે ઈસુથી ૫૨૭ વર્ષ પૂર્વે નિર્વાણ પામ્યા. અર્હંત દેવે સંસારને અનાદિ બતાવેલ છે. જૈનો માને છે કે જગતનો કોઈ કર્તા નથી અને જીવોને સુખદુ:ખ દેનાર પણ કોઈ નથી. પોતપોતાનાં કર્મો અનુસાર જીવ સુખદુ:ખ પામે છે. જીવનો મૂળ સ્વભાવ શુદ્ધ, બુદ્ધ અને સચ્ચિ દાનંદમય છે. માત્ર કર્મના આવરણથી તેનો મૂળ સ્વભાવ આચ્છાદિત થઈ જાય છે. જ્યારે કર્મનો ભાર ખસી જાય છે તે જ સમયે આત્મા તે પરમાત્માની ઉચ્ચ દશાને પ્રાપ્ત કરે છે. જૈન મત સ્યાદ્વાદના નામથી પ્રસિદ્ધ છે. સ્યાદ્વાદ એટલે અનેકાંતવાદ, એટલે એક જ પદાર્થમાં નિત્યત્વ અને અનિત્યત્વ, સાદ્દશ્ય અને વિરુદ્ધત્વ, સત્ત્વ અને અસત્ત્વ આદિ પરસ્પર ભિન્ન ધર્મોનો સાપેક્ષ સ્વીકાર. કેટલાક લોકો અને ખાસ કરીને યરપીય વિદ્વાનો મહાવીર સ્વામીથી જૈન ધર્મની શરૂઆત થયાનું માને છે. તેમના મત પ્રમાણે ગૌતમ બુદ્ધ પછી તેના ધર્મનાં કેટલાંક તત્ત્વો લઇને અને તેમાં બ્રાહ્મણ ધર્મના કેટલાક રિવાજ મેળવી જૈન ધર્મ ઊભો કર્યો. જે પ્રમાણે બૌદ્ધોમાં ચોવીશ બુદ્ધ છે, તે પ્રમાણે જૈનોમાં ચોવીશ તીર્થંકર છે. હિંદુ ધર્મની માફક જૈનોએ પણ પોતાના ગ્રંથોના આગમ અને પુરાણ આદિમાં વિભાગ કરેલા છે. પણ આધુનિક શોધ મુજબ એમ સાબિત થયું છે કે જૈન ધર્મ બૌદ્ધ ધર્મ પહેલાંનો છે. ઉદયગિરિ, જૂનાગઢ વગેરેના શિલાલેખો ઉપરથી પણ જૈન મતની પ્રાચીનતા સાબિત થાય છે. જૈન ગ્રંથોની મૂળ ભાષા પ્રાકૃત છે. | જિન તીર્થંકરનો ઉપાસક; જિન ધર્મનો અનુયાયી; જૈનધર્મ માનનારો તથા પાળનારો માણસ. | ( જૈન ) તીર્થંકર. | જિન સંબંધી; જિનનું; જિને પ્રવર્તાવેલું. | જૈન ધર્મને લગતું.