Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “Nrusinh · clear

Nrusinh
એ નામનો એક રતિબંધ. | ગુજરાતનો આદિ કવિ નરસિંહ મહેતો. | રાજા. | ૪.સિંહ જેવો પરાક્રમી માણસ; શ્રેષ્ઠ માણસ. | સિંહરૂપી ભગવાન વિષ્ણુ; વિષ્ણુનો ચોથો નૃસિંહાવતાર. હરિવંશમાં લખ્યું છે કેઃ સત્યયુગમાં દૈત્યોના આદિપુરુષ હિરણ્યકશિપુએ ઘોર તપ કરી બ્રહ્મા પાસે વરદાન માગ્યું કેઃ હું દેવ, અસુર, ગંધર્વ, નાગ, રાક્ષસ કે મનુષ્યને હાથે મરૂં નહિ . અસ્ત્ર, શસ્ત્ર, વૃક્ષ, પથ્થર તથા સૂકા કે લીલા પદાર્થથી પણ ન મરૂં. સ્વર્ગ, મર્ત્ય વગેરે લોકમાં કે દિવસ રાત કોઈ વખતે મારૂં મરણ થાય નહિ. આવી જાતનું વરદાન મેળવી તે દૈત્ય બહુ પ્રબળ થયો અને સ્વર્ગ છીનવી લઈ દેવતાઓને બહુ સતાવવા લાગ્યો. દેવતાઓ વિષ્ણુને શરણે ગયા. વિષ્ણુએ તેમને અભયદાન આપી અત્યંત ભયંકર નૃસિંહરૂપ ધારણ કર્યું. તેમાં અર્ધું શરીર માણસનું. અને અર્ધું સિંહનું હતું. જ્યારે આ નૃસિંહ મૂર્તિ હિરણ્યકશિપુ પાસે આવી ત્યારે તેના પુત્ર પ્રહ્લાદે કહ્યું કે, આ મૂર્તિ દૈવી છે. તેની અંદર આખું સચરાચર જગત દેખા દે છે. જણાય છે કે, દૈત્યકુળનો નાશ થશે. આ સાંભળી હિરણ્યકશિપુએ પોતાના દૈત્યોને નૃસિંહને મારવા કહ્યું. પણ જેટલા દૈત્યો મારવા ગયા તે બધા નાશ પામ્યા. અંતે હિરણ્યકશિપુ પોતે ઊઠી યુદ્ધ કરવા લાગ્યો . હિરણ્યકશિપુના ક્રોધે ભરાયેલાં નેત્રોની જ્વાલાથી સમુદ્રનું પાણી ઊછળવા લાગ્યું, સારી યે પૃથ્વી ડોલવા લાગી અને લોકોમાં હાહાકાર મચી ગયો. દેવતાઓનો આર્ત્તનાદ સાંભળી નૃસિંહ ભગવાન અત્યંત ભીષણ ગર્જના કરી દૈત્યરાજ ઉપર તૂટી પડ્યા. નૃસિંહ ભગવાને નખ વડે તેને ચીરી નાખ્યો. ભાગવત અને વિષ્ણુપુરામમાં નૃસિંહની કથા તો આ પ્રમાણે છે, તેમાં પ્રહલાદની ભક્તિનો પ્રસંગ અધિક છે. ભાગવતમાં લખ્યું છે કેઃ હિરણ્યકશિપુ વરદાન માગી બહુ પ્રબળ થઈ, સ્વર્ગ આદિ લોકો ઉપર જીત મેળવી રાજ્ય કરવા લાગ્યો. તેને ચાર પુત્રો હતા. તેમાં પ્રહ્લાદ વિષ્ણુ ભગવાનનો મોટો ભક્ત હતો. શુક્રાચાર્યનો પુત્ર દૈત્યરાજના પુત્રોને ભણાવતો હતો. એક દિવસ હિરણ્યકશિપુએ પરીક્ષાને માટે બધા પુત્રોને પોતાની સમક્ષ બોલાવ્યા. પ્રહ્લાદ વિષ્ણુનો મહિમા ગાવા લાગ્યો. આથી દૈત્યરાજ બહુ જ ગુસ્સે થયો, પરંતુ તેની કંઈ અસર થઈ નહિ. પ્રહ્લાદની ભક્તિ દિનપ્રતિદિન અધિક થતી ચાલી. પિતા દ્વારા અનેક કષ્ટ સહન કરી પ્રહલાદ ભક્તિમાં દૃઢ રહ્યો. ધીમ ધીમે સહપાઠી બાળકો પણ તેનાં અનુયાયી થયાં. દૈત્યરાજે કુપિત થઈ તેને પૂછ્યું કે, તું કોના બળ ઉપર કૂદી રહ્યો છે ? તેણે જવાબ આપ્યો કે ભગવાન, જેના બળ વડે સારો યે સંસાર ચાલી રહ્યો છે. હિરણયકશિપુએ પૂછ્યું કે, તે ક્યાં રહે છે ? તેણે જવાબ આપ્યો કે તે સર્વત્ર છે. દૈત્યરાજે દાંત પીસીને કહ્યું કે, આ સ્તંભમાં પણ છે ? તેણે કહ્યું, અવશ્ય. હિરણ્યકશિપુ ખડ્ગ લઈ વારંવાર સ્તંભને જોવા લાગ્યો. એટલામાં સ્તંભની ભીતરમાંથી પ્રલય સમાન શબ્દ થયો અને નૃસિંહે નીકળી દૈત્યરાજનો વધ કર્યો.