Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

7 resultsfor “Ras · clear

drashtã
( યોગ ) આત્મા. | ન્યાયાધીશ. | ( સાંખ્ય ) પુરુષ. આત્મા દ્રષ્ટા અને અંતઃકરણ દૃશ્ય માનવામાં આવે છે. આ બંનેનો સંયોગ જ દુઃખનું કારણ છે. સુખ, દુઃખ આદિ બુદ્ધિદ્રવ્યના વિકાર છે. ઇંદ્રિયોનો સંબંધ થવાથી અંતઃકરણ અથવા બુદ્ધિદ્રવ્ય જ વિષય યા સુખદુઃખના રૂપમાં પરિણત થાય છે, આત્મા નહિ. આત્મા દ્રષ્ટારૂપે રહે છે. | આત્મદર્શન કરનાર. | જોનાર. | તપાસનાર. | દર્શક; પ્રકાશક. | સાક્ષાત્કાર કરનાર.
pãrasmani
જેના સ્પર્શથી લોઢું સોનું થઈ જાય તેવો મણિ; ચિતામણિ; અયસ્કાંત; સ્પર્શથી લોઢાને સોનું બનાવનાર મણિ. કાટવાળી લોઢાની ડાબલીમાં પારસમણિ હોય તો તેનું કાંઈ પણ પરિણામ આવતું નથી. વધુ + | મોટો મણિ; ઉત્તમ રત્ન.
prasãd
( સંગીત ) અઠ્ઠાવન માંહેનો ત્રીશમો વર્ણાલંકાર. | અનુગ્રહ; કૃપા; મહેરબાની; મહેર. | અર્થની સ્પષ્ટતા. | કાવ્યની રચનામાં રહેલું મોહક શબ્દમાધુર્ય; સાંભળવાની સાથે જ ભાવ સ્ફુરે અને હૃદયમાં ઊતરી જાય તેવો કાવ્યનો એક ગુણ; વાચકનું મન રંજન થાય એવી કાવ્યમાંની કવિની અલૌકિક રચનાશક્તિ; કવિતામાં કે વાણીમાં ચિત્તને પ્રસન્ન કરે એવું તત્ત્વ; ભાવો અને અર્થના પ્રવાહની સાથે શબ્દસમૂહ અને પદ્યના લયપ્રવાહનો મેળ. વધુ + | ખુશાલીની નજર; રાજીખુશી; પ્રસન્નતા; ચિત્તનું સ્વાસ્થ્ય. | ઠોક; માર; શિક્ષા. વધુ + | દેવને ધરાવેલું ખાવાનું તે; દેવતાની આગળ ધરાવેલું નૈવેદ્ય. વધુ + | નાગપિંગળ માંહેનો માત્રામેળવાળો એક છંદ. | નિર્મળતા; સ્વચ્છતા. | ભાત; રાંધેલા ચોખા. | ભોજન; જમવું તે. | મહાન પુરુષ અથવા ધર્મિષ્ઠ પુરુષે પાછળ રાખેલ ચીજો; દેવ, ગુરુ, રાજા, સ્વામી વગેરેએ પ્રસન્ન થઈને આપેલું જે કંઈ તે; નૈવેદ્યની શેષ; પ્રસાદી; દેવ, ગુરુ, ધણી વગેરેએ ભોગવેલા પદાર્થમાંથી શેષ રહેલો પદાર્થ. વધુ + | મહેરબાની. | માણસને ઈશ્વરી મદદ કે મૈત્રી પમાડનાર આશીર્વાદ. | વર; વરદાન; બક્ષિશ. | વીરશૈવ ધર્મમાં જણાવેલ આઠ માંહેનું એક આવરણ. | શાંતિ. | શીરો; એક જાતની મીઠી વાની. | શ્રદ્ધા. | ( સંગીત ) સંચારી માંહેનો એક આરોહી અલંકાર. | સંતોષ. | સાધુઓનો ભેળા થવાનો ઓરડો. | સ્વાદ. | ( પુરાણ ) સ્વાયંભુવ મન્વંતરમાંના ધર્મ ઋષિને મૈત્રી નામની સ્ત્રીથી થયેલો એ નામનો પુત્ર.
ras
અન્ન. | અમૃત. | અર્ક; સત્ત્વ; તત્ત્વ; દમ. | અર્થ; લાભ; ઊપજ; નફો; આયપત; કમાઈ. | આનંદસ્વરૂપ બ્રહ્મ. વધુ + | ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે મોહનવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં સાત ગુરુ અને પચાસ લઘુ મળી સત્તાવન વર્ણ અને ચોસઠ માત્રા હોય છે. | કવિતામાં થતી જુદી જુદી જાતની આનંદી સ્થિતિ; મનોવૃત્તિ ઉપર જુદી જુદી જાતની અસરો ઉત્પન્ન કરે એવા ભાવ; કાવ્ય વાંચવા સાંભળવાથી સ્થાયી ભાવોનો ઉદ્રેક થતાં થતો અલૌકિક આનંદ. તેમાં શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર, ભયાનક, બીભત્સ, અદ્ભુત, અને શાંત એ નવ રસનો સમાવેશ થાય છે. મનુષ્ય પ્રાણીની મનોવૃત્તિ ઉપર વિવિધ પ્રસંગોની અસર થવાથી જે વિવિધ મનોભાવનું નિસ્સારણ થાય તે રસ માનવ પ્રકૃતિમાં રસ તે એક સ્વભાવિક તત્ત્વ છે, કારણ કે સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણનું તે બંધારણ છે. એ ત્રણ ગુણના પ્રાધાન્ય ગૌણત્વ પરત્વે અમુક અમુક રસ ઉત્પન્ન થાય છે. સત્ત્વગુણનું વિશેષે ગૌણત્વ અને રજ, તમનું વિશેષે પ્રાધાન્ય હોય તેમાં શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર, ભયાનક, અદ્ભુત, બીભત્સ એવા આઠ રસ છે અને સત્ત્વગુણનું વિશેષે પ્રાધાન્ય હોય તેમાં શાંત રસ એમ નવ રસ ગણાય છે. કેટલાક વત્સ રસ ઉમેરી દશ રસ પણ ગણે છે. શૃંગારરસ; સ્ત્રીપુરુષની પરસ્પર પ્રીતિના આનંદનું સાનુભાવથી થતું પ્રદર્શન. હાસ્યરસ; કથન કે ચેષ્ટાથી થતું હાસ્ય. કરુણરસ કોઈ આપત્તિથી કે ઇષ્ટ વસ્તુના વિયોગ કે નાશથી ઉત્પન્ન થતો શોક ભાવ. વીરરસ; યુદ્ધ પ્રસંગમાં કે કોઇ પીડિત પ્રાણી જોઇ ઉત્પન્ન થતો ઔદર્યશૂર. રૌદ્રરસ; ક્રોધથી વ્યાપતું ઝેર. ભયાનક રસ; ઈશ્વરી કોપ ઇત્યાદિથી ઉત્પન્ન થતો ભય. અદ્ભુતરસ; અલૌકિક કે અસામાન્ય વસ્તુ કે આકૃતિ જોઇ સાંભળી પમાતો વિસ્મય. બીભત્સરસ; અરુચિકર વસ્તુ જોઇને કે બોલવું સાંભળીને ઉત્પન્ન થતો કંટાળો. શાંતરસ; સંસારના વિષય ભોગ ઉપર થતો અભાવ અને આત્મસ્વરૂપના આનંદમાં થતી લીનતા. વત્સરસઃ માબાપ અને છોકરાંઓની વચ્ચેના પ્રીતિ ભાવનું પ્રદર્શન. વામકેશ્વર તંત્રમાં કહ્યું છે કે, પૂર્ણાભિષેકવાળા શાક્તસિદ્ધ નીચેના પંચાવન રસના ભોક્તા હોય છે: કાવ્યશાસ્ત્રના શૃંગાર, વીર, કરુણ, રૌદ્ર, હાસ્ય, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત એ નવ રસ; યોગશાસ્ત્રના યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એટલા આઠ રસ; ભક્તિશાસ્ત્રના મનન, કીર્તન, ધ્યાન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય અને આત્મનિવેદન એ નવ રસ; વિષયીજનોના પુષ્પ, ગંધ, સ્ત્રી, શય્યા, વસ્ત્ર અને અલંકાર એ છ રસ; વિદ્યાપ્રસ્થાનના ચાર વેદ, ચાર ઉપવેદ, છ અંગો, મીમાંસા, ન્યાય, ધર્મશાસ્ત્ર અને પુરાણો મળી અઢાર વિદ્યાના રસ; પેય વસ્તુના ગૌડી, માધવી, ઇક્ષુની, ફલની અને ધાન્યની મદિરા મળી પાંચ રસ એ પ્રમાણે બધા મળી એકંદર પંચાવન પ્રકારના રસ મનાયા છે. આપણે ત્યાં આચાર્યોમાં આ વિષયમાં ઘણો મતભેદ છે કે રસ કેમાં અને કેવી રીતે અભિવ્યક્ત થાય છે. કેટલાક લોકોનો મત છે કે સ્થાયી ભાવોની વાસ્તવિક અભિવ્યક્તિ મુખ્યત્વે કરીને એ લોકોમાં હોય છે કે જેના કાર્યોનો અભિનય કરવામાં આવે છે. જેમકે, રામ, કૃષ્ણ, હરિચંદ્ર વગેરે અને ગૌણરૂપે અભિનય કરનાર નટોમાં હોય છે. તેથી તેઓમાં જ આ લોકો રસની સ્થિતિ માને છે. આચાર્યોનો એવો પણ મત છે કે અભિનય જોનાર અને કાવ્ય વાચનારની સાથે રસનો કોઈ સંબંધ નથી. તેનાથી ઊલટું ઘણા લોકોનો એવો મત છે કે અભિનય જોનાર તથા કાવ્ય વાચનારમાં જ રસની અભિવ્યક્તિ થાય છે. કેટલાક લોકોનું કથન છે કે મનુષ્યના અંત:કરણમાં ભાવ પહેલેથી જ વિદ્યામાન હોય છે અને કાવ્ય વાંચવા અથવા નાટક જોવાના સમયે તે ભાવ ઉદ્દીપ્ત થઇને રસનું રૂપ ધારણ કરે છે. આ મત ઠીક મનાય છે. તાત્પર્ય એ છે કે પાઠકો અને દર્શકોને કાવ્યો અને અભિનયોથી જે અનિર્વચનીય અને લોકોત્તર આનંદ પ્રાપ્ત થાય છે તે સાહિત્યશાસ્ત્રની અનુસાર રસ કહેવાય છે. રતિ, હાસ્ય, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, આશ્ચર્ય અને નિર્વેદ એ નવ સ્થાયી ભાવો મુજબ પણ નવ રસ મનાય છે. તેનાં નામ આ પ્રકારે છે: શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત. દ્દશ્યકાવ્યના આચાર્યો શાંતને રસ નથી માનતા. તેઓ કહે છે કે એ તો મનની સ્વાભાવિક ભાવશૂન્ય અવસ્થા છે. નિર્વેદ મનનો કોઇ સ્વતંત્ર વિકાર નથી. તેથી તે રસોની સંખ્યા આઠ માને છે. વધુ + | ખાધેલા અન્ન વગેરેનું શરીરમાં થતું એક પરિણામ; શરીરના બંધારણમાં રહેલો ઢીલો અને પાણી જેવો પદાર્થ; શરીરની સાત માંહેની પ્રથમ ધાતુ; શરીરના બંધારણમાંનો મૂળ પ્રવાહી. તેથી લોહી, પરસેવો, લીંટ, આંસુ વગેરે થાય છે. | ખાર વગેરે કેટલીક ચીજો મેળવતાં થતું પાણી; જલ; વારિ; નીર. | ખારું, ખાટું, મીઠું, કડવું, મોળું અને તીખું એમ જીભથી પરખાતા સ્વાદ માંહેનો પ્રત્યેક. તે ખટરસ કહેવાય છે ને તેમાં ગળ્યું ખારું, ખાટું, કડવું, કષાણું અને તીખું એ છ રસનો સમાવેશ થાય છે. વૈદ્યકમાં મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત અને કષાય એ છ રસ માન્યા છે અને તેની ઉત્પતિ પૃથ્વી, આકાશ, વાયુ અને અગ્નિ વગેરેના સંયોગથી પાણીમાં મનાય છે. જેમકે, પૃથ્વી અને જલના ગુણની અધિકતાથી તિક્તરસ અને પૃથ્વી તથા વાયુની અધિક્તાથી મધુરરસ, પૃથ્વી અને અગ્નિના ગુણની અધિક્તાથી અમ્લ રસ, જલ અને અગ્નિના ગુણની અધિક્તાથી કટુ રસ, વાયુ અને આકાશના ગુણની અધિક્તાથી તિકતરસ અને પૃથ્વી તથા વાયુની અધિક્તાથી કષાય રસ ઉત્પન્ન થાય છે. આ છ રસોનાં મિશ્રણથી બીજા છત્રીશ પ્રકારના રસ ઉત્પન્ન થાય છે. જેમકે, મધુરામ્લ, મધુરતિક્ત, મધુરલવણ, અમ્લકટુ, લવણકટુ, લવણતિક્ત, કટુતિક્ત, તિક્તકષાય વગેરે. જુદા જુદા રસોના જુદા જુદા ગુણ કહેલા છે. જેમકે, મધુરરસના સેવનથી રક્ત,માંસ, મેદ, અસ્થિ અને વીર્ય વગેરેની વૃદ્ધિ થાય છે. અમ્લરસ જારક અને પાચક કહેવાય છે. લવણરસ પાચક અને સંશોધક મનાય છે. કટુરસ પાચક, રેચક, અગ્નિદીપક અને સંશોધક મનાય છે. તિક્તરસ રુચિકર અને દીપ્તિવર્ધક મનાય છે અને કષાયરસ સંગ્રાહક અને મળ, મૂત્ર તથા શ્લેષ્મ વગેરેને રોકનાર મનાય છે. ન્યાયદર્શન અનુસાર રસ નિત્ય અને અનિત્ય એમ બે પ્રકારના હોય છે. પરમાણરૂપ રસ નિત્ય અને જીભ વડે ગ્રહણ કરનારા રસ અનિત્ય કહેલા છે. | ખૂબી; ગુણ; ઠાઠ. | ગમ્મત; મજા; આનંદ. | ગોળ. | ઘોડા અને હાથીનો એક રોગ. તેમાં તેમના પગમાંથી ઝેરી પાણી વહે છે. | ચડસ; મમત; હઠ; સરસાઇ. | ચણતરમાં ઉપર ચૂનો ચડી આવે છે તે. | છ અને નવમી સંખ્યા બતાવનાર શબ્દ. | જીભ. | દૂધ. | ધાતુ, માટી વગેરે કઠણ પદાર્થોને પુષ્કળ ગરમી લાગતાં થતો પ્રવાહી દ્રવ્ય. | નાટકનો એક ભાગ; વસ્તુ. રસ એક સ્થાયીભાવ અર્થાત્ આખા નાટકમાં સ્થિરતાવાળો ભાવ છે અને ઉત્કટ રીતે સર્વત્ર પ્રસરે છે. એમનો ભાવ ઉગ્ર લાગણીઓના ઊભરાથી ઉત્પન્ન થાય છે. વિભાવ, અનુભાવ, સાત્ત્વિકભાવ અને વ્યભિચારી ભાવથી પુષ્ટ બને છે અને સ્વાદ આવે છે. તે સિવાય રસ મુખ્ય અને ગૌણ એમ બે પ્રકારના કહેવાય છે સ્થાયીભાવ નાટકમાં જે હોય તે પણ નવ પ્રકારનો ગણેલ છે: રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય અને નિર્વેદ. નવ સ્થાયીભાવ ઉપર નવ રસનો આધાર છે. | ન્યાયમત પ્રમાણે ચોવીશ માંહેનો એક ગુણ. ગુણ ચોવીશ છે: રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ, શબ્દ. | પાણી જેવો પાતળો અને રેલે એવો પદાર્થ; દ્રવ; પ્રવાહી. | પારો, ગંધક વગેરે ખનિજ દ્રવ્ય. | પારો ગંધક વગેરે ખનિજ દ્રવ્યોની સાથે પારાની મેળવણીથી દવા તરીકે બનતી બનાવટ; પારો, ધાતુ વગેરેની ભસ્મ; જે ઔષધમાં પારો અથવા હિંગળો આવે તે ઔષધ. | પીગળેલી ધાતુ. | પીગાળેલું માખણ. | પુષ્પનું મધ; પુષ્પનો રસ; મકરંદ. | પ્રીતિ; અનુરાગ; પ્રેમ; સ્નેહ; હેત. વધુ + | બળદ. | બોલ નામનું ગંધ દ્રવ્ય. | રગણ અને સગણ. | રાગ. | લાગણીનો અનુભવ. રસ હમેશા આહ્લાદમય આનંદરૂપ છે. તેથી તેને ચર્વણા કે આસ્વાદન પણ કહે છે. | વનસ્પતિમાંથી નીકળતું પ્રવાહી; વનસ્પતિ કે ફળનું પ્રવાહી. | વિષ; ઝેર. | વિષયવાસના. વધુ + | વીર્ય. | વેવાઇ તરફથી આવતી ખાવાની વસ્તુ. | શરીરમાંના પ્રવાહીઓનો વિકાર; શરીરના કોઇપણ ભાગમાં સોજો થઇ આવવો તે. રતવા, ચકામાં, માંસના ગડગૂમડ, ફોલ્લા, ગોળીનો ભરાવો, સોજા અને શરદીને લીધે નાક કે આંખમાંથી પડતું પાણી, સળેખમ વગેરે રસના રોગો કહેવાય છે. | શિલારસ. | શેલડીનું પ્રવાહી. | સળેખમ; એક જાતનો રોગ. તેથી સાદ જાડો થાય, આંખમાં પાણી ભરાઈ આવે ને નાક ઘણું ગળ્યાં કરે. | સોનું. | સોનું, રૂપું વગેરે ધાતુને ઓગળીને કરેલું પ્રવાહી. | સ્વાદ; રુચિ; મીઠાશ; લહેજત. | હિંગળો. | ઉજ્જડ જમીન ઉપર ઊગતું એક જાતનું ઘાસ.
rasik
( પિંગળ ) એ નામનો એક માત્રામેળ છંદ. તેમાં ૧૧ માત્રા હોય છે અને ૧, ૫ અને ૯ માત્રાએ તાલ આવે છે. વધુ + | ઘોડો. | રસને સમજનાર માણસ. | રહસ્ય જાણનાર માણસ; મર્મજ્ઞ. | સારસ પક્ષી. | સ્વાદ અને લાગણીવાળો માણસ. | હાથી. | અદ્ભુત; આશ્ચર્યજનક. | અમુક બાબતમાં આનંદ લેનાર. સમાસને અંતે વપરાય છે. | ઇશ્કની વાતોથી પોતાનું અને સામાનું દિલ ખુશ કરવાના સ્વભાવવાળું. | ગાયન, કાવ્ય વગેરે ઉપર રસવાળું. | ગુણજ્ઞ; કદરદાન. | ચાલાક; ચપળ. | ભાવિક; પ્રેમી. | મશ્કરું. | રમૂજી. | રસને જાણનાર; રસજ્ઞ. | રસયુક્ત; રસાત્મક; રસવાળું; રસપૂર્ણ. | રસિયું; શોખીન. | લંપટ; વિષયી; વ્યભિચારી. | સુંદર. | સ્વાદિષ્ટ.
rasnã
( પિંગળ ) એક અર્ધ સમજાતિ માત્રામેળ છંદ. તે બરવૈ છંદનો એક ભેદ છે. તેમાં ચૌદ ગુરુ અને દશ લઘુ મળી ૨૪ વર્ણ આવે છે. | દારૂ. વધુ + | ગંધભદ્રા; નામની લતા. | જીભ; રસ લેનારી ઇંદ્રિય; જિહ્વા; લૂલી; રસનેંદ્રિય. વધુ + | ( વહાણવટું ) દોરડું. | ( ન્યાય ) રસ; સ્વાદ. તેનો અનુભવ જીભ વડે કરવામાં આવે છે. | રાસ્ના કે નાગદૌની નામની વનસ્પતિ. | લગામ. | સ્ત્રીઓને કેડે પહેરવાની સેર; કંદોરો; મેખલા; કાંચી.
Sarasvati
( સંગીત ) એ નામે એક ચતુસ્ત્રજાતિ ૧૮ માત્રાનો તાલ. તેનાં તાલસ્થાન ૧, ૫, ૭, ૧૧ અને ૧૫ માત્રા ઉપર હોય છે. | દશ માંહેના એક પ્રકારનો સંન્યાસી. | શૈવમતનો એ નામનો એક વિભાગ. | આર્યાવર્તની ત્રણ માંહેની એક પવિત્ર નદી; ઉત્તર ગુજરાતની એક નદી. આ નદી અંબાજી પાસે કોટેશ્વર ડુંગરમાંથી નીકળી કચ્છના રણમાં વહે છે. તે સમુદ્રને મળતી નથી માટે તેને કુમારિકા નદી કહે છે. તે પવિત્ર ગણાય છે. મહીકાંઠા એજન્સિમાં તે આવેલી છે. તે સોમવતી અંત્યનારની સ્ત્રી હોવાનું મનાય છે. કહેવાય છે કે, અંત્યનારે બાર વર્ષનો સત્ર સરસ્વતી નદીને કિનારે કર્યો હતો. એની પૂર્ણાહુતિને દિવસે સરસ્વતીએ મૂર્તિમાન આવીને એને વર્યો હતો. અંત્યનારને સરસ્વતીને પેટે ત્રસ્નુ નામે પુત્ર થયો હતો. પવિત્ર સરસ્વતી આઠ મુખવાળી હોવાનું મનાય છે. વેદમાં તો એવી સ્થિતિ છે કે, ગંગા સાવ ગૌણ બની જાય છે અને વૈદિક નદીઓમાં સરસ્વતી મુખ્ય બને છે. ઋક્, સામ અને અથર્વનાં જુદાં જુદાં મંડળોમાં એની સ્તુતિઓ ગાવામાં આવી છે. વાયુ પુરાણમાં તેને હિમવત્પાદનિસ્સૃતા અને સમુદ્રગા કહેલી છે અને બીજે સ્થળે એને " સિન્ધુ અને મરુ દેશના બે ભાગ કરી પશ્ર્ચિમ સમુદ્રને મળનારી " ગણાવી છે; એટલે આ બાબતની વિશેષ ચર્ચા ન કરતાં એટલું જ જણાવીશું કે, વેદકાલીન સરસ્વતીનો પ્રવાહ હિમાલયમાંથી નીકળી, હાલની મારવાડની ભૂમિમાં થઈ આબુના પહાડો આગળ ગુજરાતમાં પ્રવેશ કરી ગુજરાત અને કાઠિયાવાડના પ્રદેશને જુદા પાડી ખંભાતના અખાત આગળ સમુદ્રમાં ભળતો હતો. શ્રી રામાયણાંક કલ્યાણમાં લખ્યું છે કે, રજપૂતસ્થાનની સરસ્વતી અથવા ધગ્ગર નદી તે રજપૂતસ્થાનની રેતીમાં અદૃશ્ય થઈ ગઈ છે. | આર્યોની વિદ્યાદેવી; શારદા; સનકાદિક ભાઇઓની બેન સાવિત્રીની પુત્રી; વાણીની અધિષ્ઠાત્રી દેવી; ભાષા, ગાયન, ઇત્યાદિનો પ્રસાદ આપનાર દેવી. તેને ચાર હાથ અને કપાળે ચંદ્ર છે. એક હાથમાં વિણા, બીજામાં કમળ, ત્રીજામાં પાત્ર અને ચોથામાં કાગળનું ઓળિયું છે. એ કોઇ વાર મોર ઉપર અને કોઇ વાર હંસ ઉપર સવારી કરે છે. ગણપતિની માફક ગ્રંથની શરૂઆતમાં જ તેનું સ્તવન કરવામાં આવે છે. એને બ્રહ્માનો અંશ કહેલી છે. એમની ઉત્તમ શિક્ષણના બળના પ્રભાવથી જ સરસ્વતી અને વિદ્યાની શોધ કરવામાં સમર્થ થયાં હતાં. | એ નામની શાલ્મલી દ્વીપની નદી. વધુ + | ( જૈન ) કેવળજ્ઞાન; દિવ્યધ્વનિ. | ( પુરાણ ) ગંગા અને યમુનાના સંગમ સ્થાનમાં જોડે ગુપ્ત વહેનારી એ નામની એક નદી; ત્રિવેણી સંગમની ગુપ્ત નદી. | ગાયત્રીની ૨૪ માંહેની એક શક્તિ. | ગાળ; અશ્લિલ શબ્દ. તે કટાક્ષમાં બોલાય છે. વધુ + | ચોસઠ માંહેની એ નામની એક યોગિની. | દુર્ગા. | પંજાબના એક વહેળાનું નામ. | ( પુરાણ ) બ્રહ્મદેવની જ્ઞાનશક્તિ. | ( પુરાણ ) બ્રહ્મદેવની સ્ત્રી. એનાં સાવિત્રી અને ગાયત્રી એવાં બે બીજાં નામ છે. એ વાણીની અધિષ્ઠાત્રી છે. | બ્રહ્માની પુત્રી. | બ્રાહ્મી શક્તિ. | બ્રાહ્મીનું વૃક્ષ. | ( પુરાણ ) ભાગીરથીનો એક પ્રવાહ; સપ્ત ઋષિઓને સારુ ભાગીરથીએ પોતાના સાત પ્રવાહ કર્યા અને તે પોતે સાત જુદા જુદા સુપ્રભા, કાંચનાક્ષી, વિશાળા, મનોરમા, ઓઘવતી, સુરેણુ અને વિમલોદકા એ નામે પ્રવાહ રૂપે વહી તેમાંનો એક પ્રવાહ. | મહાભારતમાં જણાવેલી એક પ્રાચીન નદી. તે સિરમુર પર્વતમાંથી નીકળે છે અને થાણેશ્વર આગળથી પશ્ર્ચિમ બાજુએ વાંક લઈને વિનશન તીર્થ આગળ અદૃશ્ય થઈ જાય છે. | મંડનમિશ્રની ધર્મપત્ની; શારદામ્લ; એક વિદુષી સ્ત્રી. તેનું બીજું નામ ભારતી હતું. એના પતિ મંડનમિશ્ર મીમાંસાપક્ષના મહાપંડિત હતા. તેમની સાથે વાદ કરવા શંકરાચાર્ય તેમને ઘેર ગયેલા. જે હારે તેણે જીતનારના શિષ્ય થવું એવી શરત કરી. બંનેએ ચર્ચા શરૂ કરી અને જય પરાજયના પરીક્ષક તરીકે મંડનમિશ્રની વિદુષી પત્નીને નીમી. મંડનમિશ્ર હાર્યા એટલે ભારતીએ પક્ષપાત વિના વિજયમાળ શંકરાચાર્યના કંઠમાં આરોપી. પછી પોતાની સાથે વાદવિવાદ કરવા એણે શંકરાચાર્યને કહ્યું અને શંકરાચાર્યે તે સ્વીકાર્યું. એમને હરાવવા તે બહુ મથી પણ બ્રહ્મવિદ્યાના વિષયમાં તે હારે એમ ન લાગ્યું એટલે રતિશાસ્ત્ર વિષે પ્રશ્ને પૂછી એમના હરાવ્યા. મલબારમાં આલવાઈ નદીને કિનારે કાલડી નામનું ગામ છે. આ નદીના પાણીમાં એવો ગુણ છે કે, તેમાં ગમે તેટલો વખત નાહીએ છતાં શરદી લાગતી નથી. આ નદીને કાંઠે શંકરાચાર્ય અને શારદામ્લ એટલે મંડનમિશ્રનાં ધર્મપત્ની સરસ્વીતું મંદિર છે. બંને પ્રતિમાઓ કાંસાની છે. | માલકાંકણી. માલકાંકણી ખાવાથી માણસની સરસ્વતી એટલે યાદશક્તિ વધે છે માટે તેને સરસ્વતી કહે છે. | વેદમાં વપરાયેલું ગાયનું એક નામ. | શરીરની મુખ્ય ચૌદ માંહેની એક નાડી; સુષુમ્ણા. જ્યારે નાસિકામાં બંને છિદ્રમાંથી શ્વાસોચ્છવાસની ગતિ સરખી થતી હોય ત્યારે સુષુમ્ણા વહે છે એમ જાણવું. આ નાડીને સરસ્વતી પણ કહેવામાં આવે છે. | શિવશક્તિનું એક નામ. | ( પુરાણ ) સાત્યકીની સ્ત્રી. | સામવેદનો એક દેવતા. | ( પુરાણ ) સાવર્ણિ મન્વંતરમાં થનારા સાર્વભૌમ નામના વિષ્ણુ અવતારની માતા. | સીતાનાં હજાર માંહેનું એક નામ. | સોમવલ્લી. | ( પુરાણ ) સોમવંશી પુરુકુલોત્પન્ન બ્રહ્મદત્ત રાજાની સ્ત્રી અને વિષ્વક્સેન રાજાની માતા. એનું બીજું નામ સન્નતિ હતું. | સ્ત્રી રત્ન. | ( પુરાણ ) સ્વાયંભુવ મનુની સ્ત્રી શતરૂપા. એ બ્રહ્મદેવના વામાંગમાંથી ઉત્પન્ન થઈ હતી. એને દંડનીતિશાસ્ત્રની કર્ત્રી કહી છે. | ( સંગીત ) હનુમંત મત પ્રમાણે હિંડોલ રાગની આઠ માંહેની એક પુત્રવધૂ- રાગિણી. તે માલવ, યમન અને સોરઠથી મિશ્ર છે. | મુખ્ય અઢાર માંહેનું એક તીર્થક્ષેત્ર.