Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Sarasvati” · clear
- Sarasvati
- ( સંગીત ) એ નામે એક ચતુસ્ત્રજાતિ ૧૮ માત્રાનો તાલ. તેનાં તાલસ્થાન ૧, ૫, ૭, ૧૧ અને ૧૫ માત્રા ઉપર હોય છે. | દશ માંહેના એક પ્રકારનો સંન્યાસી. | શૈવમતનો એ નામનો એક વિભાગ. | આર્યાવર્તની ત્રણ માંહેની એક પવિત્ર નદી; ઉત્તર ગુજરાતની એક નદી. આ નદી અંબાજી પાસે કોટેશ્વર ડુંગરમાંથી નીકળી કચ્છના રણમાં વહે છે. તે સમુદ્રને મળતી નથી માટે તેને કુમારિકા નદી કહે છે. તે પવિત્ર ગણાય છે. મહીકાંઠા એજન્સિમાં તે આવેલી છે. તે સોમવતી અંત્યનારની સ્ત્રી હોવાનું મનાય છે. કહેવાય છે કે, અંત્યનારે બાર વર્ષનો સત્ર સરસ્વતી નદીને કિનારે કર્યો હતો. એની પૂર્ણાહુતિને દિવસે સરસ્વતીએ મૂર્તિમાન આવીને એને વર્યો હતો. અંત્યનારને સરસ્વતીને પેટે ત્રસ્નુ નામે પુત્ર થયો હતો. પવિત્ર સરસ્વતી આઠ મુખવાળી હોવાનું મનાય છે. વેદમાં તો એવી સ્થિતિ છે કે, ગંગા સાવ ગૌણ બની જાય છે અને વૈદિક નદીઓમાં સરસ્વતી મુખ્ય બને છે. ઋક્, સામ અને અથર્વનાં જુદાં જુદાં મંડળોમાં એની સ્તુતિઓ ગાવામાં આવી છે. વાયુ પુરાણમાં તેને હિમવત્પાદનિસ્સૃતા અને સમુદ્રગા કહેલી છે અને બીજે સ્થળે એને " સિન્ધુ અને મરુ દેશના બે ભાગ કરી પશ્ર્ચિમ સમુદ્રને મળનારી " ગણાવી છે; એટલે આ બાબતની વિશેષ ચર્ચા ન કરતાં એટલું જ જણાવીશું કે, વેદકાલીન સરસ્વતીનો પ્રવાહ હિમાલયમાંથી નીકળી, હાલની મારવાડની ભૂમિમાં થઈ આબુના પહાડો આગળ ગુજરાતમાં પ્રવેશ કરી ગુજરાત અને કાઠિયાવાડના પ્રદેશને જુદા પાડી ખંભાતના અખાત આગળ સમુદ્રમાં ભળતો હતો. શ્રી રામાયણાંક કલ્યાણમાં લખ્યું છે કે, રજપૂતસ્થાનની સરસ્વતી અથવા ધગ્ગર નદી તે રજપૂતસ્થાનની રેતીમાં અદૃશ્ય થઈ ગઈ છે. | આર્યોની વિદ્યાદેવી; શારદા; સનકાદિક ભાઇઓની બેન સાવિત્રીની પુત્રી; વાણીની અધિષ્ઠાત્રી દેવી; ભાષા, ગાયન, ઇત્યાદિનો પ્રસાદ આપનાર દેવી. તેને ચાર હાથ અને કપાળે ચંદ્ર છે. એક હાથમાં વિણા, બીજામાં કમળ, ત્રીજામાં પાત્ર અને ચોથામાં કાગળનું ઓળિયું છે. એ કોઇ વાર મોર ઉપર અને કોઇ વાર હંસ ઉપર સવારી કરે છે. ગણપતિની માફક ગ્રંથની શરૂઆતમાં જ તેનું સ્તવન કરવામાં આવે છે. એને બ્રહ્માનો અંશ કહેલી છે. એમની ઉત્તમ શિક્ષણના બળના પ્રભાવથી જ સરસ્વતી અને વિદ્યાની શોધ કરવામાં સમર્થ થયાં હતાં. | એ નામની શાલ્મલી દ્વીપની નદી. વધુ + | ( જૈન ) કેવળજ્ઞાન; દિવ્યધ્વનિ. | ( પુરાણ ) ગંગા અને યમુનાના સંગમ સ્થાનમાં જોડે ગુપ્ત વહેનારી એ નામની એક નદી; ત્રિવેણી સંગમની ગુપ્ત નદી. | ગાયત્રીની ૨૪ માંહેની એક શક્તિ. | ગાળ; અશ્લિલ શબ્દ. તે કટાક્ષમાં બોલાય છે. વધુ + | ચોસઠ માંહેની એ નામની એક યોગિની. | દુર્ગા. | પંજાબના એક વહેળાનું નામ. | ( પુરાણ ) બ્રહ્મદેવની જ્ઞાનશક્તિ. | ( પુરાણ ) બ્રહ્મદેવની સ્ત્રી. એનાં સાવિત્રી અને ગાયત્રી એવાં બે બીજાં નામ છે. એ વાણીની અધિષ્ઠાત્રી છે. | બ્રહ્માની પુત્રી. | બ્રાહ્મી શક્તિ. | બ્રાહ્મીનું વૃક્ષ. | ( પુરાણ ) ભાગીરથીનો એક પ્રવાહ; સપ્ત ઋષિઓને સારુ ભાગીરથીએ પોતાના સાત પ્રવાહ કર્યા અને તે પોતે સાત જુદા જુદા સુપ્રભા, કાંચનાક્ષી, વિશાળા, મનોરમા, ઓઘવતી, સુરેણુ અને વિમલોદકા એ નામે પ્રવાહ રૂપે વહી તેમાંનો એક પ્રવાહ. | મહાભારતમાં જણાવેલી એક પ્રાચીન નદી. તે સિરમુર પર્વતમાંથી નીકળે છે અને થાણેશ્વર આગળથી પશ્ર્ચિમ બાજુએ વાંક લઈને વિનશન તીર્થ આગળ અદૃશ્ય થઈ જાય છે. | મંડનમિશ્રની ધર્મપત્ની; શારદામ્લ; એક વિદુષી સ્ત્રી. તેનું બીજું નામ ભારતી હતું. એના પતિ મંડનમિશ્ર મીમાંસાપક્ષના મહાપંડિત હતા. તેમની સાથે વાદ કરવા શંકરાચાર્ય તેમને ઘેર ગયેલા. જે હારે તેણે જીતનારના શિષ્ય થવું એવી શરત કરી. બંનેએ ચર્ચા શરૂ કરી અને જય પરાજયના પરીક્ષક તરીકે મંડનમિશ્રની વિદુષી પત્નીને નીમી. મંડનમિશ્ર હાર્યા એટલે ભારતીએ પક્ષપાત વિના વિજયમાળ શંકરાચાર્યના કંઠમાં આરોપી. પછી પોતાની સાથે વાદવિવાદ કરવા એણે શંકરાચાર્યને કહ્યું અને શંકરાચાર્યે તે સ્વીકાર્યું. એમને હરાવવા તે બહુ મથી પણ બ્રહ્મવિદ્યાના વિષયમાં તે હારે એમ ન લાગ્યું એટલે રતિશાસ્ત્ર વિષે પ્રશ્ને પૂછી એમના હરાવ્યા. મલબારમાં આલવાઈ નદીને કિનારે કાલડી નામનું ગામ છે. આ નદીના પાણીમાં એવો ગુણ છે કે, તેમાં ગમે તેટલો વખત નાહીએ છતાં શરદી લાગતી નથી. આ નદીને કાંઠે શંકરાચાર્ય અને શારદામ્લ એટલે મંડનમિશ્રનાં ધર્મપત્ની સરસ્વીતું મંદિર છે. બંને પ્રતિમાઓ કાંસાની છે. | માલકાંકણી. માલકાંકણી ખાવાથી માણસની સરસ્વતી એટલે યાદશક્તિ વધે છે માટે તેને સરસ્વતી કહે છે. | વેદમાં વપરાયેલું ગાયનું એક નામ. | શરીરની મુખ્ય ચૌદ માંહેની એક નાડી; સુષુમ્ણા. જ્યારે નાસિકામાં બંને છિદ્રમાંથી શ્વાસોચ્છવાસની ગતિ સરખી થતી હોય ત્યારે સુષુમ્ણા વહે છે એમ જાણવું. આ નાડીને સરસ્વતી પણ કહેવામાં આવે છે. | શિવશક્તિનું એક નામ. | ( પુરાણ ) સાત્યકીની સ્ત્રી. | સામવેદનો એક દેવતા. | ( પુરાણ ) સાવર્ણિ મન્વંતરમાં થનારા સાર્વભૌમ નામના વિષ્ણુ અવતારની માતા. | સીતાનાં હજાર માંહેનું એક નામ. | સોમવલ્લી. | ( પુરાણ ) સોમવંશી પુરુકુલોત્પન્ન બ્રહ્મદત્ત રાજાની સ્ત્રી અને વિષ્વક્સેન રાજાની માતા. એનું બીજું નામ સન્નતિ હતું. | સ્ત્રી રત્ન. | ( પુરાણ ) સ્વાયંભુવ મનુની સ્ત્રી શતરૂપા. એ બ્રહ્મદેવના વામાંગમાંથી ઉત્પન્ન થઈ હતી. એને દંડનીતિશાસ્ત્રની કર્ત્રી કહી છે. | ( સંગીત ) હનુમંત મત પ્રમાણે હિંડોલ રાગની આઠ માંહેની એક પુત્રવધૂ- રાગિણી. તે માલવ, યમન અને સોરઠથી મિશ્ર છે. | મુખ્ય અઢાર માંહેનું એક તીર્થક્ષેત્ર.