Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Upanishad” · clear
- Upanishad
- ગુરુ શિષ્યની મંડળી; એકાંતમાં મનન કરવા મળેલી બ્રહ્મનિષ્ઠોની સભા. | ગુરુની પાસે નીચે બેસી શીખી શકાય એવું ઊંચું અને ઊંડું તત્ત્વજ્ઞાન; બ્રહ્મજ્ઞાન; શોકમોહ દૂર કરનારી બ્રહ્મવિદ્યા; પરમાત્મા સંબંધી જ્ઞાન આપી, અજ્ઞાન ટાળી, સંસારબંધનથી છોડાવનારી વિદ્યા. યજ્ઞસભા અથવા પરિષદમાં ચર્ચી ન શકાય એવો બ્રહ્મજ્ઞાનનો વિષય શાંત અને એકાગ્ર ચિત્તવાળા દીકરા અથવા શિષ્યને જંગલમાં એકાંતમાં ગુરુ શીખવતા. | નજીક બેસવાપણું. | બ્રહ્મવિદ્યા મેળવવા ગુરુ પાસે બેસવું તે. | ભગવદ્ગીતાનો દરેક અધ્યાય. | વેદના ભાગ તરીકે મનાતો, તેના ગૂઢ અર્થને સ્પષ્ટ કરતો અને બ્રહ્મવિદ્યાને પ્રમાણો આપી સાબિત કરતો ગણાતો તત્ત્વને લગતો ગ્રંથ; વેદનો જ્ઞાનનો ઉપદેશ કરનાર ભાગ. જેમાં દ્વૈત શમી ગયું છે એવા બ્રહ્મતત્ત્વની નજીક આત્માને લાવીને તે બ્રહ્મબોધથી અવિદ્યા અને તેના કાર્યને જે હણે છે તે વિદ્યાના ગ્રંથને ઉપનિષદ્ કહે છે. બ્રહ્મવિદ્યાની ચર્ચાથી ભરેલાં, વેદના અંતમાં આપેલા તત્ત્વજ્ઞાનના વિષયનાં બ્રાહ્મણ અને આરણ્યક બાદ સુંદર શૈલીમાં રચાયેલાં ઉપનિષદ સંસ્કૃત સાહિત્યમાં ઉત્તમ પુસ્તક મનાય છે. વેદનું તત્ત્વ દર્શાવતા શ્લોકમાં રચાયેલા આવા આશરે ૨૫૦ ગ્રંથમાં ૧૦૮ પ્રસિદ્ધ હોઈ મુક્તિકોપનિષદમાં ગણાવવામાં આવ્યા છે. તેનાં નામ: ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડૂક્ય, તૈત્તિરીય, ઐતરેય, છાંદોગ્ય, બૃહદારણ્ય, શ્વેતાશ્વતર, બ્રહ્મબિંદુ, કૈવલ્ય, જાબાલ, હંસ, આરુણિક, ગર્ભ, નારાયણ, પરમહંસ, બ્રહ્મ, અમૃતનાદ, અથર્વશિરસ્, અથર્વશિખા, મૈત્રાયણી, કૌશિતકી બ્રાહ્મણ, બૃહજ્જાબાલ, નૃસિહંપૂર્વતાપિની નૃસિંહોત્તરતાપિની, કાલાગ્નિરુદ્ર, મૈત્રેયી, સુબાલા, ક્ષુરિકા, સર્વસારા, નિરાલંબા, શુકરહસ્ય વજ્રસૂચિકા, તેજોબિંદુ, નાદબિંદુ, ધ્યાનબિંદુ, બ્રહ્મવિદ્યા, યોગતત્ત્વ, આત્મબોધ, નારદે, પરિવ્રાજક, ત્રિશિખ બ્રાહ્મણ, સીતા, યોગ ચૂડામણિ, નિર્વાહ, મંડલ બ્રાહ્મણ, દક્ષિણામૂર્તિ, શરભ, સ્કંદ, ત્રિપાદ્વિભૂતિ – મહાનારાયણ, અદ્વય, રામહસ્ય, રામપૂર્વતાપિની અને રામોત્તરતાપિની, વાસુદેવ મુદ્દગલ, શાંડિલ્ય, પૈંગલ, ભિક્ષુક, મહા, શારીરિક, યોગશિખા, તુરીયાતીતાવધૂત, સન્યાસ, પરમહંસ, પરિવાજક, અક્ષમાલિકા, અવ્યક્ત, એકાક્ષર, અન્નપૂર્ણા, સૂર્ય, અક્ષિ, આધ્યાત્મ, કુંડિકા, સાવિત્રી, આત્મ, પાશુપત-બ્રહ્મ, પરબ્રહ્મ, અવધૂત, ત્રિપુરાતાપિની, દેવી, ત્રિપુરા, કઠરુદ્ર, ભાવના, રુદ્રહૃદય, યોગકુંડલી, ભસ્મજાબાલ, રુદ્રાક્ષજાબાલ, ગણપતિ, જાબાલદર્શન, તારસાર, મહાવાક્ય પંચબ્રહ્મ, પ્રાણાગ્નિહોત્ર, કૃષ્ણ, ગોપાલપૂર્વતાપિની અને ગોપાલોત્તતાપિની, યાજ્ઞવલ્ક્ય, વરાહ, શાટ્યાયની, હયગ્રીવ, દત્તાત્રેય, ગર઼ુ, કલિસંતારણ, શ્રીજાબાલિ, સૌભાગ્યલક્ષ્મી, સરસ્વતીરહસ્ય, બહૃંચ અને મુક્તિકોપનિષદ. તેમાંથી બૃહદારણ્યક, છાંદોગ્ય, ઈશ અથવા વાજસનેય, કેન અથવા તલવકાર, કઠ માંડૂક્ય, પ્રશ્ન, મુંડક, ઐતરેય અને તૈત્તિરીય એ દશ મુખ્ય, પ્રાચીન અને પ્રમાણભૂત મનાય છે. જૂનામાં જૂનું ઈ.સ. પૂર્વ છઠ્ઠી સદીનું મનાય છે. પરંતુ અલ્લોપનિષદ જેવાં બીજાં કેટલાંક નવાં હશે એમ તેનાં વિષય અને ભાષાથી જણાય છે. યુગ પ્રમાણે ઈશાવાસ્ય સત્યુગનું કહેવાય, કારણ કે તે યજુર્વેદનો ચાળીસમો અધ્યાય છે. છાંદોગ્ય, તૈત્તિરીય, બૃહત, કેન, અને કઠ એ ત્રેતા યગુનાં કહેવાય, કૌશિતકી, પ્રશ્ન, ઐતરેય, મુંડક, માંડૂક્ય અને શ્વેતાશ્વતર એ દ્વાપરનાં કહેવાય અને અમૃતબિંદુ, કૈવલ્ય અને સર્વસાર એ કલિયુગનાં કહેવાય. ઉપનિષદયુગ પરમ સંસ્કૃતિનો યુગ હતો. સિંધના પૌરાણિક શાસ્ત્રીઓને મતે મોહનજા ડેરાની સમૃદ્ધ સંસ્કૃતિનો કાળ એ જ તે લખાયાનો કાળ. કૈવલ્ય ઉપનિષદના વિકાસનો વખત ઈ.સ. પૂર્વે ૧૫૦૦થી ૧૪૦૦નો પણ ગણવામાં આવે છે. એક મત પ્રમાણે તેનો સમય ઇ. સ. પૂર્વે ૨૫૦૦થી ઈ.સ. પૂર્વે ૨૦૦૦ સુધીનો છે. કાલ પ્રમાણે તે નીચેના ક્રમમાં આવે છે : ૧. છાંદોગ્ય, ૨. બૃહદારણ્યક, ૩. ઈશ, ૪. તૈત્તિરીય, ૫.ઐતરેય, પ્રશ્ન, ૭. મુંડક, ૮. માંડૂક્ય, ૯. કઠ, ૧૦. કેન, ૧૧. કૌશિતકી, ૧૨. શ્વેતાશ્વતર, ૧૩. મૈત્રાયણીય. તેની સંખ્યા ૧૮, ૩૪, ૫૨, ૧૦૮ અથવા ૧૫૦ પણ મનાય છે. તેમાં ગદ્ય અને પદ્ય બન્ને છે. કેટલાકમાં એકલા શ્લોક છે. બ્રાહ્મણ પછી તે લખાયાં છે. મુક્તિકોપનિષદમાં ગણાવેલા ૧૦૮માં માંડૂક્યને ઉત્તમ ગણ્યું છે, કેમકે શંકરાચાર્યના ગુરુ ગૌડપાદે પોતાની કારિકામાં તેને વિષે ટીકા લખી છે. શંકરાચાર્યે ટીકા કરેલાં મુખ્ય દશ ઉપનિષદ: ૧. ઈશ, ૨. કેન, ૩. કઠ, ૪. પ્રશ્ન, ૫. મુંડક, માંડૂક્ય, ૭. તૈત્તિરીય, ૮. ઐતરેય, ૯. છાંદોગ્ય અને ૧૦. બૃહદારણ્યક. ચાર વેદ પ્રમાણે તેનું વર્ગીકરણ આ પ્રમાણે છે: ઋગ્વેદ-ઐતરેય; શુક્લ યજુર્વેદ-ઈશ, બૃહદારણ્યક; કૃષ્ણ યજુર્વેદ-કઠ, તૈત્તિરીય; સામવેદ-કેન, છાંદોગ્ય; અથર્વેવેદ-પ્રશ્ન, મુંડક અને માંડૂક્ય. ફિલસૂફીની ઊંડી વિચારણામાં તે માણસનું મન કેટલે સુધી આગળ વધી શકે તે બતાવે એટલું જ નહિ પણ તેની ભાષા બોલવાની છટાની ઊંચી સ્થિતિ બતાવે છે. તેમનો ઉપદેશ એટલો અસરકારક છે કે જર્મન પંડિત શોપેનહાઉઅર બોલી ઊઠયો હતો કે ``હે ઉપનિષદો, જીવનમાં તેમ જ મરણમાં તમારામાંથી જ હું આશ્વાસન મેળવીશ``. વળી ઉપનિષદોને તે બાઈબલનાં પ્રકરણો કરતાં ચડિયાતાં માને છે. તે લખે છે, કે `` ધર્મની સત્ય ઊંડી ભાવના સંબંધમાં બાઈબલનાં પ્રકરણો પુરાતન હિંદુ પવિત્ર ગ્રંથો સાથે સરખામણીની તુલનામાં મૂકી શકાય તેવાં નથી.`` ઉપનિષદો ન્યાયકોટીના કે બુદ્ધિવાદના કે પ્રમાણ પરંપરાના ગ્રંથો નથી, તેમ જ શાસ્ત્રીય દૃષ્ટિએ રચાયેલાં શાસ્ત્રદર્શન પણ નથી, કારણ કે તે જુદા જુદા સમયે શાસ્ત્રીયપણાને ધ્યાનમાં રાખ્યા વગર જ લખાયેલ મંત્રદૃષ્ટાઓએ અનુભવેલ દર્શનગ્રંથો કે આર્ષશાસ્ત્રો છે. ભગવાન શંકરાચાર્ય, વિદ્યારણ્ય સ્વામી શંકરાનંદ, નારાયણ ભટ્ટ અને અન્ય આચાર્યો જેવા સમર્થ ભાષ્યકારોએ પણ તેમને ભાષ્યમાં સમજાવવાનો ધર્મ પાળેલો છે. બાહ્મણ અને આરણ્યકો યજ્ઞયાગાદિને લગતા હોઈને કર્મકાંડ કહેવાય છે. કર્મકાંડની અતિશયતાને પરિણામે જ્ઞાનકાંડની શરૂઆત થઈ. તેમાંની બ્રહ્મવિદ્યાની ચર્ચાને કારણે તે જ્ઞાનકાંડ કહેવાય છે. વેદોમાંની આત્મવિદ્યાનો સારસમુચ્ચય એટલે બધો સાર ઉપનિષદો છે અને તેથી તેને વેદાંત, વેદોનું શિરસ્ `વેદોંકા નિચોડ` પણ કહે છે. સ્ત્રીઓ કે વર્ણહીન એટલે હલકી જાતિવાળાને મૂળે તો વેદાભ્યાસનો પ્રતિબંધ ન હતો એમ ગાર્ગી, મૈત્રેયી અને સત્યકામ જાબાલિની કથાઓ કહે છે. વળી કર્મકાંડના કાળે અધૂરી રહેલી આશ્રમવ્યવસ્થા જ્ઞાનકાંડના ઉદયથી પૂર્ણતા પામી. ચોમેર પડેલ વિશ્વના પડદાઓની પાછળ નીરખવાને ઉપનિષદો પ્રયત્નશીલ છે. બાળ નચિકેતા યમદેવને પૂછે છે કે મૃત્યુના પડદાની પાછળ કંઈ છે કે નહિ ? સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે અને ક્યા હેતુથી થઈ ? જવાબમાં ટૂંકું સચોટ મુદ્દાસર સૂત્ર ઉચ્ચારે છે કે `એકોહં બહુ સ્યામ્` એટલે `હું એક છતાં અનેક છું`. ઉપનિષદ પૂછે છે કે પરા વિદ્યા કઈ ? ને અપરા વિદ્યા કઈ ? જન્મ, જરા ને જન્માંતર એટલે જન્મમરણની ઘટમાળથી પર એવું અમરપણું શું છે ? ને તે કેમ મેળવી શકાય ? આ સૂર્ય ચંદ્ર જ્યાં પ્રકાશતા નથી, પણ સ્નેહરશ્મિ પ્રેમરૂપી સૂર્ય જ્યાં આથમ્યા વગર તપે છે એ બ્રહ્મલોક ક્યાં અને કેવોક છે ? સચ્ચિદાનંદ સ્વયં બ્રહ્મ જે જાણ્યે સહુ જાણેલું થાય ને જે પામ્યે સહુ પામેલું થાય એ કેવો છે ? પ્રકૃતિ, જગત, જીવ, આત્મા અને પરમાત્માનું સ્વરૂપ ને અરસપરસ સંબંધ કેવી જાતનાં છે ? દ્વૈતભાવથી ધીમે ધીમે ઊંચે ચડતાં ઉપનિષદોએ મુમુક્ષુને મહા વાક્ય કહ્યુ કે `તત્ત્વમસિ` એટલે `એ તું જ છો` અને `બ્રહ્માસ્મિ` એટલે `હું બ્રહ્મ છું`. આ ગુહ્યતમ વિદ્યાને પામ્યે માનવી જીવનમુક્ત થઈ રહે છે. કર્મકાંડથી પર, વાયુ વીજળી, મેઘ, ઉષા, યમની સ્તુતિથી પર આત્માની અને દિશાઓની ગહન ગુફાઓમાં મંત્રદૃષ્ટા ઋષિવરોએ દૃષ્ટિ પરોવીને ઉપનિષદો ગાયાં છે. મોક્ષપ્રાપ્તિના ચાર માર્ગ આર્યોએ નિરધાર્યા છેઃ કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ, યોગમાર્ગ અને ભક્તિમાર્ગ. પોતપોતાના સંપ્રદાય દરેક મહાપુરુષે સર્વોત્તમ ભાખ્યો છે. તે કાંઈ સાંપ્રદાયિક ગ્રંથો નથી. જેમ સાગરમાં સહુ નદીઓ આવીને સમાય છે, એમ તેમાં સહુ માર્ગો અને સંપ્રદાયો સમાય છે. તે દરેક માર્ગના સમન્વય એટલે સમાધાન કરે છે અને તેથી જ પાંચ મહાન આચાર્યો પોતપોતાના માર્ગની પુષ્ટિ ઉપનિષદના આધારે કરી શક્યા. ચારેય બ્રહ્મમાર્ગોને ઝીલ ને અવનલંબન દે એવા હિંદુધર્મના પાયારૂપ પ્રસ્થાનત્રયી ( આધ્યાત્મિક ઉન્નતિ માટેનાં ત્રણ પુસ્તકો ) ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રો મળીને થાય છે. ટૂંકામાં ઉપનિષદો સર્વમાન્ય, સર્વદેશીય, સર્વકાલીન, ધર્મના પાયારૂપ, જગતના પ્રાચીનમાં પ્રાચીન તત્ત્વજ્ઞાનનાં ધર્મશાસ્ત્રો છે. | વેદરહસ્ય; પરમાત્મા સંબંધી વિચાર કરી તેનું તત્ત્વસ્વરૂપ જેમાં બતાવ્યું છે એવો વેદના છેવટના ભાગનો વિષય. | ધર્મ. | પાસેનું મકાન. | વેદવ્રત એટલે વેદ ભણનારા બ્રહ્મચારીનો ચાળીસ માંહેનો એક સંસ્કાર, તે ગોદાન એટલે કે શાંત સંસ્કારની પહેલાં કરવામાં આવે છે. | વેરાન જગ્યા; નિર્જન સ્થાન; ઉજ્જડ સ્થળ. | પ્રભુની છેક નજીક લઈ જનાર.