Archive/Glossary
એ જ પારિભાષિક શબ્દોના ગુજરાતી અર્થ, સ્રોત પ્રમાણે ચકાસેલા — અમે લખેલા નથી.
1 resultfor “Vãsudev” · clear
- Vãsudev
- આત્મા. | ( જૈન ) ચક્રવર્તી કરતાં અર્ધું બળ ધરાવનાર ત્રણ ખંડનો રાજા. દરેક કાળચક્રમાં નવ વાસુદેવ થાય છે. તેમનાં નામ આ પ્રમાણે છેઃ ત્રિપૃષ્ટ, કિન્નર, સ્વયંભૂ, પુરુષોત્તમ, સિંહપુરુષ, પુંડરિક, દત્ત, લક્ષ્મણ અને શ્રીકૃષ્ણ. | પીપળો. | લીલાવતારમાં વાસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ. આચાર્ય આનંદશંકર ધ્રુવ લખે છે કેઃ મહાપુરુષનું જીવનચરિત એ જગતનો કૂટપશ્ન છે. એમાં પણ પરમ પુરુષ શ્રીકૃષ્ણનું જીવન એમની માયા જેવો અલૌકિક કૂટપ્રશ્ન છે. કાર્યાકાર્યવિચારણાપરાયણ કેટલાંક જનોને એમનાં કેટલાંક કાર્યો અનુચિત જણાય છે અને એમની પરમ પુરુષતાની સાથે અવિરોધ કરવો કઠિન લાગે છે. પરંતુ વસ્તુતઃ જેટલા પ્રમાણમાં શ્રીકૃષ્ણનો ભારતજનોના હૃદય ઉપર પ્રભાવ પડ્યો છે તેટલા પ્રમાણમાં તે તે જનોએ શ્રીકૃષ્ણની કલ્પના વધારી છે. એમના ચરિત્રમાં વાસ્તવિક ઇતિહાસ અને રૂપક બંનેનું સંમિશ્રણ કરેલું છે. કેટલાક વિદ્વાનો રૂપકનો અંશ માનતા નથી પરંતુ, મહાભારતના કૃષ્ણ અને હરિવંશ, વાયુપુરાણ, વિષ્ણુપુરાણ, ભાગવતપુરાણ, વગેરેના કૃષ્ણ એમ બે કૃષ્ણને જુદા કરે છે અને એકને મહાપુરુષ અને બીજાને તેનાથી વિપરીત માને છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ભાગવતાદિના કૃષ્ણનો ત્યાગ કરી મહાભારતના કૃષ્ણનું બહુ ગૌરવ કરે છે. ડૉ. રામકૃષ્ણ ભાંડારકર ભાગવત ( ભક્તિ ) ધર્મપ્રવર્તક સાત્વત ક્ષત્રિયવર વાસુદેવ કૃષ્ણ અને ગોકુલનિવાસી ગોપાલકૃષ્ણ એમ ભેદ માને છે અન એક પ્રાચીન મહાભારતના અને બીજા પાછળથી રચાયેલા હરિવંશાદિના છે એમ કહે છે. પરંતુ ભાગવતધર્મનો આરંભ અતિ પ્રાચીન છે. બૌદ્ધ અથવા જૈન ધર્મથી પણ એ પ્રાચીન છે. બૌધધર્મના સુત્તમાં પણ એ જાતનું સૂચન છે અને પતંજલિમહાભાષ્ય, મેગેસ્થનીસ, ભાસનાં નાટકો અને અનેક શિલાલેખોના પ્રમાણ ઉપરથી એ ધર્મની પ્રાચીનતા-ખ્રિસ્તી ધર્મથી એની પૂર્વતરતા-હવે નિર્વિવાદ રીતે સિદ્ધ થઈ છે. પરંતુ ગોપાલકૃષ્ણના વિષયમાં મોટી શંકા રહી છે. ડૉ. રામકૃષ્ણ એમ બતાવે છે. કે, મહાભારતની દક્ષિણ હિંદુસ્તાનની પ્રતમાં ઘણો ભેદ છે. એમાં એક ભેદ એ છે કે, સભાપર્વમાં ગોકુલનું જીવન દક્ષિણ મહાભારતમાં મળી આવે છે; પરંતુ ઉત્તરના મહાભારતમાં મળતું નથી. કૃષ્ણ ગોપ છે એટલે જરાસંધ એની સાથે લડવાનું સ્વીકારતો નથી એમ દક્ષિણની પ્રતમાં કહ્યું છે; ઉત્તરની પ્રતમાં નહિ. વિષ્ણુના અવતારના વર્ણનમાં દક્ષિણની પ્રતમાં ગોપાલકૃષ્ણનો ઉલ્લેખ છેઃ ઉત્તરની પ્રતમાં એ નથી. સભાપર્વમાં શિશુપાલ કહે છે કે, કૃષ્ણે પૂતનાને મારી અને ભીષ્મે ગોકુલમાં કરેલાં કાર્યોની સ્તુતિ કરી; પરંતુ ભીષ્મની એ સ્તુતિમાં એ ભાગ મળતો નથી. મહાભારતમાં ગોવિંદ શબ્દ આવે છે પરંતુ એ શબ્દનો અર્થ ભાગવત ગોપેંદ્ર કરે છે એવો મહાભારતમાં અર્થ નથી; પરંતુ નષ્ટાં ચ ધરણીં પૂર્વમવિન્દ વૈ ગુહાગતમ્ ઇત્યાદિ વચનમાં ગાં ધરણીં પૃથ્વીં વિન્દતિ લભતે અસૌ ગોવિંદઃ એવો અર્થ નજરે આવે છે. આ ઉપરથી ડૉ. ભાંડારકર એવો તર્ક કરે છે કે, મહાભારતકારને ગોપાલકૃષ્ણનું ભાન હોત તો ગોવિંદ શબ્દનો અર્થ ભાગવતની રીતથી ગોપેંદ્ર કર્યો હોત અને ગામવિન્દમ્ એવો કર્યો ન હોત. હરિવંશમાં ગોપાલકૃષ્ણનું ભારે ગૌરવ કર્યું છે. પરંતુ એ પુસ્તક ઈસવીસન પછી ત્રીજા શતકમાં રચાયું છે કારણ, એમાં રોમનસિક્કા દીનારનો ઉલ્લેખ દેખાય છે. ગોપાલકૃષ્ણની આભીર જાતિ હિંદુસ્તાનમાં ખ્રિસ્તી સન પછી પહેલી સદીમાં આવી અને એણે ક્રાઈસ્ટ શબ્દને સ્થાને કૃષ્ણ શબ્દ મૂકી દીધો. આ કથનને હું પૂર્વપક્ષરૂપર અર્થાત્ વિચાર કરવા યોગ્ય પણ ખંડન કરવા યોગ્ય ગણું છું. હરિવંશને પરમ પૂજ્ય વિદ્વદ્વર દીનારક પ્રયોગના કારણે ત્રીજા સૈકામાં મૂકે છે તે ઠીક નથી. જે અધ્યાયમાં એ શબ્દ મળી આવે છે તે બીજા અધ્યાયમાં એ શબ્દ મળી આવે છે તે બીજા અધ્યાયોની સરખામણીમાં બહુ જ લાંબો ૧૨૫ શ્લોકનો બનેલો છે અને એના આરંભના શ્લોકનો એના પહેલાંના અધ્યાયની સાથે કંઈ પણ સંબંધ નથી; એથી એમાં એ ક્ષેપક છે એમ સકારણ શંકા થાય છે. અર્થાત્ એક અધ્યાય અથવા અધ્યાયના શ્લોકથીસમસ્ત હરિવંશની અર્વાચીનતા સિદ્ધ થઈ શકતી નથી. પતંજલિના મહાભાષ્યમાં અર્થાત્ ઈ. સ. પૂર્વે ૧૫૦ વર્ષ ઉપર કંસવધનો ઉલ્લેખ છે એની પણ કંઈ કીમત હોવી જોઈએ; વળી ભાસનાં નાટક પણ આમાં બહુ જ પુષ્ટિ આપે છે. એક બીજી વાતઃ બૌદ્ધગ્રંથ ઘટજાતકમાં કંસની બહેન દેવગભ્ભાના પુત્ર વાસુદેવને અંધકવેણ્હુ અને એની પત્નિ નંદગોપાને સુપ્રત કરેલ છે એમ કહ્યું છે. બધાં જાતકો પ્રાચીન નથી એમ કહેવું કબૂલ છે; પરંતુ કૃષ્ણ જે અંધક અથવા વૃષ્ણિ વંશના હતા તેને અંધવંશ બનાવી દીધા છે અને નંદના સ્થાને નંદગોપા નામની સ્ત્રી બનાવી દીધી છે. આવી ગરબડ શક્ય હોઈ શકે તે માટે મૂળ કથા અને જાતક વચ્ચે સારું અંતર રાખવું જોઈએ. આ પ્રમાણે મહાવીર સ્વામીની કથામાં પણ દેવાનંદાના ગર્ભમાંથી ત્રિશલાના ગર્ભમાં ગયાની કથાનો ભાગ છે. એ પણ કૃષ્ણજન્મની પ્રાચીનતર કથાનું જ રૂપાંતર છે અને આ બંને વચ્ચે પણ અંતર જોઈએ ઇત્યાદિ અનેક રીતે પૂર્વોક્ત પૂર્વપક્ષને શિથિલ કરી શકાય. પરંતુ આથી પણ વિશેષ વિચારવા લાયક સ્થિતિ છે કૃષ્ણની ગોપકથાને હું ઈસવીસનના પહેલા સૈકામાં આભીર લોક હિંદુસ્તાનમાં આવ્યા તે પહેલાં મૂકું છું. મારું સવિનય માનવું છે કે, કૃષ્ણ-ગોપની કથા તો ભૂતકાળમાં વેદથી ચાલી આવે છે. ઋગ્વેદ સંહિતાના વિષ્ણુસૂક્તમાં વિષ્ણુર્ગોપા અદાભ્યઃ- વિષ્ણુ કોઈથી દબાય નહિ એવો ગોપ છે એમ કહ્યું છે. વળી વિષ્ણુલોકમાં યત્ર ગાવો ભૂરિશૃંગા અયાંસઃ- મોટાં શીંગડાંવાળી ગાયો છે એવું વર્ણન કર્યું છે. અર્થાત્ કૃષ્ણ અને અર્જુનનું સખ્ય, નરનારાયણ દ્વારા દ્વા સુપર્ણા સયુજા સખાયા ઇત્યાદિ ઉપનિષદ વાક્યમાં થઈને છેક ઋગ્વેદ સંહિતા પર્યંત લઈ જઈ શકાય તેમ છે. આ પ્રમાણે કૃષ્ણનું ગોપ બનવું તે વેદમૂલક છે, ખ્રિસ્તી આભીર લોકની જનશ્રુતિ મૂલક નથી. વળી કૃષ્ણનું ક્રિસ્ત થાય છે પણ ક્રિસ્તનો કૃષ્ણ તો માત્ર કલ્પના છે. હજી એક પ્રશ્ન થાય કે, કૃષ્ણની કથાને હું ઐતિહાસિક માનું છું કે રૂપક માનું છું. કૃષ્ણ દેવકીપુત્રનો ઉલ્લેખ છાંદોગ્ય ઉપનિષદમાં આવે છે અને ત્યાં સિદ્ધાંત પ્રતિપાદન કરવામાં આવ્યો છે તે ભગવદ્દગીતાના સિદ્ધાંતને અનુકૂળ છે. શતપથબ્રાહ્મણમાં મહાભારતના બીજા કેટલાક પુરુષોનો ઉલ્લેખ છે. આ બધું વિચારતાં હું કહી શકું છું કે, કૃષ્ણ ઐતિહાસિક પુરુષ છે. પરંતુ કેટલાક અંશમાં એની કથા ઉપર બતાવ્યું તે પ્રકારનું રૂપક પણ છે. કેટલાક અંશ કેવળ રૂપક અને કેટલાક ઐતિહાસિક છે, કેટલાક બંને છે. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. બધાં પ્રાણી તેમનામાં વસે છે તથા બધાં પ્રાણીઓમાં તે વસે છે તેથી વિષ્ણુ ભગવાન વાસુદેવ કહેવાય છે. | એકસો આઠ માંહેનું એ નામનું એક ઉપનિષદ. | શ્રવણ નક્ષત્ર.