Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “jeevãtmã · clear

jeevãtmã
આત્મા; જીવ. આત્મા જ્યારે પ્રાકૃત એટલે પ્રકૃતિના ગુણથી બદ્ધ હોય છે ત્યારે તે ક્ષેત્રજ્ઞ એટલે શરીરમાં રહેલો જીવાત્મા એ નામથી ઓળખાય છે. તે સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર એ ચૌદ ગુણો જીવાત્મામાં સ્વીકાર્યા છે. શરીરથી ભિન્ન એક જીવાત્મા છે. તેનાં અનેક પ્રમાણ શાસ્ત્રમાં આપેલાં છે. સાંખ્યદર્શનમાં આત્માને પુરુષ કહેલ છે અને તેને નિત્ય, ત્રિગુણશૂન્ય, ચેતનસ્વરૂપ, સાક્ષી, કૂટસ્થ, દ્રષ્ટા, વિવેકી, સુખદુ:ખથી શૂન્ય, મધ્યસ્થ અને ઉદાસીન માનેલ છે. આત્મા અથવા પુરુષ અકર્તા છે, તે કોઇ કાર્ય કરતો નથી. બધાં કાર્ય પ્રકૃતિ કરે છે. પ્રકૃતિનાં કાર્યને આપણે આત્માનાં કાર્ય સમજીએ છીએ તે ભ્રમ છે. આત્મા કોઈ કામ કરતો નથી કે સુખદુઃખાદિ ફળ ભોગવતો નથી. સુખદુ:ખ આદિ ભોગવવાં એ બુદ્ધિનો ધર્મ છે. આત્મા બંધાતો નથી, આત્મા મુક્ત થતો નથી. કઠોપનિષદમાં આત્માનું પરિમાણ અંગુષ્ઠમાત્ર લખ્યું છે. આ ઉપર સાંખ્યના ભાષ્યાકાર વિજ્ઞાનભિક્ષુએ બતાવ્યું છે કે અંગુષ્ઠમાત્ર એટલે અત્યંત સૂક્ષ્મ સમજવાનું છે. યોગ અને વેદાંતદર્શન પણ આત્માને સુખદુ:ખાદિનો ભોક્તા નથી માનતા. ન્યાય, વૈશેષિક અને મીમાંસાદર્શન કર્મોનો કર્તા અને ફળનો ભોક્તા માને છે. વેદાંતદર્શનમાં જીવાત્મા અને પરમાત્મા એક માનેલ છે. ઉપાધિયુક્ત હોવાથી જીવાત્મા પોતાને જુદો સમજે છે. પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થતાં આ ભ્રમ મટે છે અને જીવાત્મા બ્રહ્મસ્વરૂપ બની જાય છે. સાંખ્ય, વેદાંત, યોગ વગેરે બધા જીવાત્મા નિત્ય માને છે. બૌદ્ધદર્શન અનુસાર જેમ બધા પદાર્થ ક્ષણિક છે તે જ પ્રમાણે આત્મા છે. જીવાત્મા એક ક્ષણમાં ઉત્પન્ન થાય છે અને બીજી ક્ષણે નષ્ટ થાય છે. આથી ક્ષણિક જ્ઞાનનું નામ જ આત્મા છે. આ ક્ષણિક જ્ઞાન સિવાય કોઈ નિત્ય અથવા સ્થિર આત્મા નથી. માધ્યમિક શાખાના બૌદ્ધ તો આ ક્ષણિક વિજ્ઞાનરૂપ આત્માનો પણ સ્વીકાર નથી કરતા. બધાંને તેઓ શૂન્ય માને છે. તેઓ કહે છે કે જો કોઇ વસ્તુ સત્ય હોય તો બધી અવસ્થામાં તે રહે. યોગાચાર શાખાના બૌદ્ધ આત્માને ક્ષણિક વિજ્ઞાનસ્વરૂપ માને છે અને આ વિજ્ઞાનને બે પ્રકારના કહે છે: પ્રવૃત્તિ વિજ્ઞાન અને આલય વિજ્ઞાન. જાગ્રત અને સુપ્ત અવસ્થામાં જે જ્ઞાન થાય છે તેને પ્રવૃત્તિ વિજ્ઞાન કહે છે અને સુષુપ્તિ અવસ્થામાં જે જ્ઞાન થાય છે તેને આલય વિજ્ઞાન કહે છે. આ જ્ઞાન આત્માને થાય છે. જૈનદર્શન આત્માને ચિરસ્થાયી અને પ્રત્યેક પ્રાણીમાં પૃથક્પૃથક્ માને છે. ઉપનિષદોમાં જીવાત્માનું સ્થાન હૃદયને માન્યું છે, પણ આધુનિક પરીક્ષાઓથી એ વાત સારી રીતે પ્રકટ થઈ ચૂકી છે કે સમસ્ત ચેતન વ્યાપારનું સ્થાન મસ્તિષ્ક છે. મસ્તિષ્કને બ્રહ્માંડ પણ કહે છે. ચંદ્રમા મનસો જાત: એ વેદોક્તિ અનુસાર માનસિક થતાં કર્મ એટલે સંકલ્પ વિકલ્પ મનુષ્યોના શ્વાસોચ્છ્વાસ વડે નાસિકા દ્વારા બહાર નીકળી પ્રથમ અંતરાળમાં જઈ ત્યાંથી આ ગોલકની ઉપર આવેલા ચંદ્રગોલકમાં જઈ ત્યાં પુંજરૂપે એટલે બારીક રેતીના કણોના મોટા ઢગલારૂપે પહાડોની જેમ એકત્ર થાય છે, તથા જીવાત્મા એક દેહ છોડીને જ્યારે ત્યાં જાય છે ત્યારે તે ઢગલામાંથી તથા વાચિક કર્મોના થયેલા પુંજરૂપ ઢગલાઓમાંથી દૃઢ અને તીવ્ર વાસનાવશાત્ પરિપક્વ અને ભોગવવા લાયક એવો કેટલોક અંશ લઈ મેઘ, વિદ્યુત, સૂર્યકિરણ ઇત્યાદિ દ્વારા પૃથ્વીમાં પ્રવેશી રેત અને વીર્યરૂપે તેનો પિંડ બની અંડજ, જારજાદિ ચાર પ્રકારનાં પ્રાણીરૂપે કિંવા પહાડ, વનસ્પતિ ઇત્યાદિ સ્થાવરરૂપે પ્રકટે છે કિંવા જન્મ લે છે. આ પ્રમાણે અનંતકાળ સુધી થયે જાય છે. જેમ પક્ષીઓને બે પાંખો હોય છે તેમ જીવાત્મા અને પરમાત્માને પણ ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિરૂપી બબ્બે પાંખો છે. તે શરીરરૂપી વૃક્ષ ઉપર છે. વ્રશ્ર્વ ઉપરથી વૃક્ષ થયું છે એટલે છેદી શકાય એવું આ શરીરરૂપી વૃક્ષ છે. તે અસંગ શસ્ત્રથી છેદાય છે. તેમાં જીવાત્મા ભોક્તા છે અને પરમાત્મા સાક્ષી છે. અવિદ્યારૂપ મોહભ્રમની શરૂઆત થઇ ત્યારથી જીવાત્માનું પરિવર્તન થતાં થતાં તે ક્રમે સ્થાવર ને જંગમ આકૃતિઓ એટલે યોનિઓને ધારણ કરે છે. અર્થાત્ જન્મ લે છે. બાદ અંડજ, જારજાદિ જીવયોનિમાં કૃમિ, કીટ, પતંગ, પક્ષી, પશુ ઇત્યાદિ યોનિઓમાં ક્રમે જન્મ લે છે. આ પ્રમાણે જીવાત્માની આકૃતિ એટલે યોનિ લેવાની એકંદર સંખ્યા ૮૪ લાખની છે. જીવાત્માને કેટલીક વખતે તાત્કાલિક શરીર મળે છે, જ્યારે કેટલીક વખતે લિંગદેહરૂપે અનંત કલ્પો સુધી અત્યંત કરુણ એવી દુ:ખદ સ્થિતિમાં અંતરાળમાં જ ભટકવાનો પ્રસંગ આવે છે. એ જેના તેની વાસનાઓ ઉપર અવલંબીને હોય છે. જ્યારે તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઇ, સ્વાનુભવ મળી આત્મસાક્ષાત્કાર થાય છે, ત્યારે જ તે મહાન દુર્ઘટ અને અભેદ્ય એવા ચક્રમાંથી છૂટી શકે છે. એવો આ નિયતિનો ખેલ ઈશ્વરીય સત્તાથી ચાલી રહેલો છે. વેદાંત પ્રમાણે પરમાત્મા, જીવાત્મા અને સપરિવાર પ્રકૃતિ એ ત્રણમાં પણ જીવાત્મા મુખ્ય છે, કેમકે જીવાત્માને માટે સપરિવાર પકૃતિનું અસ્તિત્વ છે. એ પ્રકૃતિને ભોગવી અને ત્યાગીને પરમ પિતાની પાસે પહોંચવાનું છે. તાત્પર્ય કે જીવાત્મા એટલે પરમાત્માની પ્રાપ્તિનો અધિકારી જીવ. આ કારણે જીવાત્મા મુખ્ય છે. વધુ + | દેહમાં રહેલો જે જીવ હું એમ માને છે તે; હુંપણાની જીવ; દેહભિમાની આત્મા; ચેતન. | માયાના બંધનવાળો દેહમાં રહેલો આત્મા; દેહી; કર્મ કરનાર અને ભોગવનાર જીવ. | નાના નાના જીવો.