Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

4 resultsfor “nãrãyan · clear

Nar-Nãrãyan
ઋષભદેવ. | ( પુરાણ ) તપશ્ર્ચર્યા કરી ભરતખંડના જીવોનું કલ્યાણ કરવા માટે ભગવાને લીધેલો એ નામનો એક અવતાર; વિષ્ણુના ચોવીશ માંહેનો પાંચમો અવતાર. | ( પુરાણ ) સ્વાયંભુવ મન્વંતરમાંના ધર્મ ઋષિની મૂર્તિ નામની પત્નીને વિષ્ણુના અંશથી થયેલો એ નામનો પુત્ર. | અર્જુન અને કૃષ્ણ. | ધર્મ અને અહિંસાના પુત્રો. | વિષ્ણુના અવતારરૂપ મનાતા એ નામના બે ઋષિ. કહેવાય છે કે, નર અને નારાયણ બે ભાઈ હતા. તેમાં નારાયણ મોટા હતા. મહાભારતમાં લખ્યું છે કેઃ એક વાર તેઓ ગંધમાદન પર્વત ઉપર તપશ્ર્ચર્યા કરતા હતા. તે વખતે દક્ષનો યજ્ઞ ચાલતો હતો. તે યજ્ઞમાં રુદ્રને આમંત્રણ થયું ન હતું, તેથી ગુસ્સે થઈને દક્ષનો યજ્ઞ નષ્ટ કરવા માટે રુદ્રે એક શૂળ ફેક્યું હતું. આ શૂળ યજ્ઞ નષ્ટ કરીને ઘણા જોરથી નારાયણની છાતી ઉપર આવ્યું. તે વખતે નારાયણના હુંકારથી હાર પામીને તે પાછું રુદ્ર પાસે ગયું. આથી ગુસ્સે થઇને રુદ્ર નરનારાયણ ઉપર ચડી આવ્યા. નારાયણે રુદ્રનું ગળું પકડ્યું અને નરે તેને મારવા એક સળી ફેંકી તે મોટું પશુ બની ગઈ. નારાયણ અને રુદ્ર વચ્ચે ભારે યુદ્ધ થયું. આથી પૃથ્વી અને આકાશમાં અનેક પ્રકારના ઉપદ્રવ થવા લાગ્યા. જ્યારે બ્રહ્માએ આવીને રુદ્રને સમજાવ્યા કે તે ખુદ નારાયણનો અવતાર છે, ત્યારે રુદ્રે પ્રાર્થના કરીને નારાયણને પ્રસન્ન કર્યા. ઉપરાંત રુદ્રને નરનારાયણ સાથે ઘાટી મિત્રાચારી થઈ. મહાભારતના નારાયણીયાખ્યાન લખ્યું છે કેઃ પરબ્રહ્મના અવતાર નર તથા નારાયણ નામના બે ઋષિઓએ નારાયણી એટલે ભાગવત ધર્મનો પ્રચાર કર્યો હતો અને તેમના કહેવાથી જ્યારે નારદ ઋષિ શ્વેતદ્વીપ ગયા હતા ત્યારે ખુદ ભગવાને તેને આ ધર્મનો ઉપદેશ કર્યો હતો. દેવી ભાગવતમાં લખ્યું છે કેઃ બ્રહ્માના પુત્ર ધર્મે દક્ષની દશ કન્યા સાથે વિવાહ કર્યો હતો, જેનાથી હરિ, કૃષ્ણ, નર અને નારાયણ નામના ચાર પુત્રો થયા હતા. આમાંથી હરિ અને કૃષ્ણ યોગાભ્યાસ કરતા હતા અને નર તથા નારાયણ હિમાલય ઉપર કઠણ તપશ્ર્ચર્યાનો ભંગ કરવા માટે કામ, ક્રોધ અને લોભને સરજી તે ત્રણને નરનારાયણ સામે મોકલ્યા. પણ તેમના તપમાં ભંગ પડ્યો નહિ. તેથી ઇંદ્રે કામદેવનું શરણ લીધું. કામદેવ પોતાની સાથે વસંત, રંભા, તિલોત્તમા વગેરે અપ્સરા લઇ નરનારાયણ પાસે પહોચ્યો. તે વખતે અપ્સરાના ગાન વગેરેથી નરનારાયણની આંખો ઊઘડી. તેમણે બધી વાત જાણી લીધી અને તરત પોતાની જાંઘમાંથી ઉર્વશી નામની બહુ સુંદર અપ્સરા પેદા કરી. વળી ઇંદ્રની મોકલેલી હજારો અપ્સરા ની સેવા કરવા માટે તેમણે તેમનાથી પણ સુંદર હજારો દાસીઓ ઉત્પન્ન કરી. આથી બધી અપ્સરા નરનારાયણની સ્તુતિ કરવા લાગી. વળી તેઓએ નારાયણ પાસે એવું વરદાન માગ્યું હતું કે, તમે અમારા પતિ થાઓ. આથી તેમણે કહ્યું હતું તે, દ્વાપરમાં જ્યારે હું અવતાર લઇશ, ત્યારે તમે રાજકુળમાં અવતરશો અને તે વખતે તમારી ઇચ્છા પૂર્ણ થશે. આ પ્રમાણે નારાયણ કૃષ્ણ થયા હતા અને નર અર્જુન થયા હતા. કાલિકાપુરાણમાં લખ્યું છે કેઃ મહાદેવે જ્યારે શરભ પક્ષીનું રૂપ ધારણ કરી પોતાના દાંત વડે નરસિંહના બે ટુકડા કરી નાખ્યા, ત્યારે નરસિંહના નરરૂપી અર્ધા ભાગમાંથી નર અને સિંહરૂપી અર્ધાભાગમાંથી નારાયણ થયા હતા.
Nãrãyan
અક્ષરનું નામ. | અજામિલનો એ નામનો પુત્ર. | અથર્વવેદનો એક ઋષિ; નરનો સાથી. તેનો તપથી ચલિત કરવા ઇંદ્રે પોતાની અત્યંત સ્વરૂપવાન અપ્સરાઓ મોકલી, પણ આ ઋષિએ પોતાના સાથળમાંથી સ્વર્ગની આવેલ અપ્સરા શરમાઇ જાય એવી ઘણી સ્વરૂપવાન અપ્સરાઓ ઉત્પન્ન કરીને આવેલ અપ્સરાઓને ભેટ તરીકે મોકલી. આથી અપ્સરાઓ શરમાઇને સ્વર્ગમાં ચાલી ગઈ. નારાયણે પોતાના ઊરુ એટલે સાથળમાંથી ઉત્પન્ન કરેલી અપ્સરા તે ઊર્વશી. | ઋગ્વેદના દશમા મંડલનું ૯૦મું સૂક્ત રચનાર એક ઋષિ. | એ નામનું એક અસ્ત્ર. | એ નામનો એક પર્વત. | એ નામનો સડસઠ માંહેનો એક અજ્ઞાનવાદી. | ( પિગંળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રસઉલ્લાસ છંદનો એક ભેદ છે. તેમાં એક ગુરુ અને ચોપન લઘુ મળી ૫૫ વર્ણની ૫૬ માત્રા હોય છે. | ( પિંગળ ) એક સમજાતિ વર્ણમેળ છંદ. તે જગતી છંદનો ભેદ છે. તેમાં તગણ, નગણ, ભગણ અને સગણ મળી બાર વર્ણ હોય છે. | ( પુરાણ ) ચાલુ વૈવસ્વત મન્વંતરમાંના ધર્મ ઋષિને સાધ્યાથી થયેલા બાર માંહેનો એક સાધ્યદેવ. | નર એટલે મૂળપુરુષનો પુત્ર; એક ઋષિ. | ( જૈન ) નવ માંહેના આઠમાં વાસુદેવ; લક્ષ્મણ; દશરથપુત્ર રામના ભાઈ લક્ષ્મણનું બીજું નામ. | પરમાત્મા; પ્રભુ નારાયણ નામ બહુ વિશિષ્ટપણે વિસ્તૃત અર્થમાં વ્યાપક છેઃ (૧) પરમાત્મા નર કહેવાય છે. નર શબ્દ ઉપર અ પ્રત્યય લાગતાં નાર એવું રૂપ થઈ સ્ત્રીલિંગનો દ્યોતક પ્રત્યય લાગતાં નારા શબ્દ થયો. નારા એ શબ્દ જલનો વાચક થાય છે. તે નારા પ્રથમ પરમાત્માનું અયન એટલે આશ્રય હોવાથી પરમાત્મા નારાયણ કહેવાય છે. (૨) જીવને નાર કહેવામાં આવે છે, કારણ કે તે નરથી એટલે પરમાત્માથી ઉત્પન્ન થાય છે. સર્વ જીવોમાં વ્યાપક હોવાથી અને સર્વ જીવોના સ્થાનરૂપ હોવાથી પરમાત્માને નારાયણ કહેવામાં આવે છે. (૩) નારા એટલે જલ છે અને રહેવાનુ સ્થાન જેનું ક્ષીરસાગર છે તે શેષશાયી વિષ્ણુ નારાયણ પરમાત્મા છે. (૪) નારા એટલે માયા છે. માયાના અધિષ્ઠાનરૂપ પરમાત્મા નારાયણ છે તે શંકર. માયાની સાથે જે જોડાયેલ છે અર્થાત્ માયાના સ્વામી તે મહેશ્વર નારાયણ. (૫) નારા એટલે જીવ. બુદ્ધિમાં નિવાસ છે જેનો તે બ્રહ્મા ચેતન નારાયણ. (૬) સૃષ્ટિના આદિ કાળમાં પરબ્રહ્મ પુરુષ, પરમાત્માના હિરણ્યમય તેજોમય અંડમાંથી સ્વયં પ્રાદુર્ભૂત થયા તે સ્વયંભૂ, હિરણ્યગર્ભ, પ્રજાપતિ, બ્રહ્મા, વિરાટ આદિ અનેક નામથી સ્તુત્ય છે. સ્વયં પ્રગટ થયા હોવાથી સ્વંયભૂ, તેજોમય હોવાથી હિરણ્યગર્ભ, દેવ તિર્યગાદિ અનેક રૂપથી પ્રગટ હોવાથી અને સર્વેના વિધિનિષેધના નિયમોનું પ્રતિપાદન કરતા હોવાથી પ્રજાપતિ, સગુણ વા સાકાર હોતાં બ્રહ્મા, તેના દ્વારા સર્વ વસ્તુ પ્રકાશિત હોવાથી વિરાટ કહેવાય છે. તે પરમાત્માનું જલ અયનસ્થાન હોવાથી નારાયણ બ્રહ્મા કહેવાય છે. (૭) સૃષ્ટિ ઉત્પન્ન કરનાર જગદીશ્વર પ્રજાપતિનું જલ સ્થાન એઠલે અયનરૂપ હોતાં તે પરમાત્મા નારાયણ કહેવાય છે. (૮) ૐરૂપ નારાયણ સર્વત્ર વિરાટસ્વરૂપે વ્યાપક છે. (૯) જે ચેતન સર્વ પદાર્થોને પોતપોતાનાં કાર્યમાં પ્રવૃત્ત કરે છે તે ચેતનનું નામ નર છે. આ ચેતન આત્મારૂપ નરની માયા દૃશ્યરૂપથી સંબંધી હોવાથી માયાને નારા કહે છે, તથા સૂક્ષ્મ પ્રપંચ માયાનું કાર્ય હોવાથી તેને નારા કહેવામાં આવે છે. માયારૂપ નારામાં પરમાત્મા પ્રતિબિંબિત રહે છે, તેથી માયાવિશિષ્ટ પરમાત્માને તથા સૂક્ષ્મ પ્રપંચવિશિષ્ટ હિરણ્યકર્ભને નારાયણ કહે છે. (૧૦) જેમ પ્રસિદ્ધ નદીઓનું જળ નૌકાનો આધાર છે, તેમ ભૂમિરૂપ નૌકાનો આધાર જળ છે, જે પરમાત્માથી ઉત્પન્ન છે. આ નારાને પરમાત્મા પ્રાણરૂપથી ધારણકર્તા હોવાથી શ્રુતિએ પરમાત્માને નારાયણ કહ્યા છે. (૧૧) સમુદ્ર તરવાને જેમ નૌકા છે, તેમ સંસારસમુદ્ર તરવાને તરણીરૂપ પરમાત્મા છે. તે સંસારસમુદ્રમાંથી તારે છે, તેથી પરમાત્માને નારાયણ કહેવામાં આવે છે. (૧૨) જીવમાં સ્વભાવસિદ્ધ કામક્રોધાદિ દોષોને આર કહેવાય છે. આ દુઃખરૂપ આરના આશ્રયરૂપ અજ્ઞાનાદિના જડ પ્રપંચને આરાયણ કહે છે. આ જડ પ્રપંચના રૂપ આરાયણ સ્વંયજ્યોતિ આનંદરૂપ પરમાત્મામાં ન હોવાથી ન + આરાયણ એટલે પરમાત્માને નારાયણ કહેવાય છે. (૧૩) કલ્પિત તાદાત્મ્યાધ્યાસરૂપ સંબંધથી માયારૂપ નારીની સ્થિતિ પરમાત્મામાં હોવાથી શ્રુતિએ પરમાત્માને નારાયણ કહ્યા છે. (૧૪) પરમેશ્વરરૂપ નરની સાથે સંબંધ રાખવાવાળી લક્ષ્મીનું નામ નારી છે. તે સર્વ દેહધારી જીવોને પ્રિય છે. તે અનેક કળાવાળી અને રૂપવાળી, અત્યંત મનોહર, પુણ્યવાનને સુખ દેનારી તથા પાપીઓને દુઃખ દેનારી છે. એવી લક્ષ્મીરૂપ નારી પરમાત્મામાં નિશ્ચલ હોવાથી લક્ષ્મીપતિને નારાયણ કહેવાય છે. (૧૫) આનંદસ્વરૂપ દ્રષ્ટા આત્માને અનેક પ્રકારના પદાર્થોને દેખાડવાવાળી સર્વ જીવની બુદ્ધિનું નામ નારી છે. તે નારીરૂપ જડબુદ્ધિના સ્વયંજ્યોતિ, આત્મદેવતાપ્રકાશકર્તા હોવાથી શ્રુતિમાં સ્વયંજ્યોતિદ્રષ્ટા પરમાત્માને નારાયણ કહેવાય છે. તે બુદ્ધિના પ્રેરક અંતર્યામી છે અને તેનું ઉપાસન ગાયત્રી મંત્રથી વિદિત છે. તે પરમાત્મા સૂર્યનારાયણ કહેવાય છે. નારાયણ શબ્દની વ્યુત્પત્તિ ગ્રંથોમાં કેટલાયે પ્રકારે બતાવી છે. મનુસ્મૃતિમાં લખ્યું છે કે, નર પરમાત્માનું નામ છે. પરમાત્માથી સૌથીપહેલે ઉત્પન્ન થવાના કારણે જળને નારા કહે છે. જળ જેનું પ્રથમ અયન કે અધિષ્ટાન છે એવા પરમાત્માનું નામ નારાયણ થયું. મહાભારતના એક શ્લોકના ભાષ્યમાં કહ્યું છે કે, નર આત્મા કે પરમાત્માનું નામ છે. આકાશ વગેરે સૌથી પહેલાં પરમાત્માથી ઉત્પન્ન થવાથી તેને નારા કહે છે. આ નારા કારણ સ્વરૂપ થઈ સર્વત્ર વ્યાપ્ત છે. તેથી પરમાત્માનું નામ નારાયણ થયું. કેટલીક જગ્યાએ એવું પણ લખ્યું છે કે, કોઈ એક મન્વંતરમાં વિષ્ણુ નર નામના ઋષિના પુત્ર હતા, તેથી તેનું નામ નારાયણ પડ્યું. બ્રહ્મવૈવર્ત્ત વગેરે પુરાણોમાં આ સિવાય કેટલાયે પ્રકારની વ્યુત્પત્તિ બતાવેલી છે. યજુર્વેદના પુરુષસૂક્ત અને ઉત્તર નારાયણ સૂક્ત તથા શતપથ બ્રાહ્મણ અને સાંખ્યાયન શ્રૌત સૂત્રમાં નારાયણ શબ્દ વિષ્ણુ અથવા પ્રથમ પુરુષના અર્થમાં આવેલ છે. અમરકોશમાં નારાયણનાં વિષ્ણુ, કૃષ્ણ, વૈકુંઠ, વિષ્ટરશ્રવા, દામોદર, હૃષીકેશ, કેશવ, માધવ, સ્વભૂ, દૈત્યારિ, પુંડરીકાક્ષ, ગોવિંદ, ગરુડધ્વજ, પીતાંબર, અચ્યુત, વિશ્વકસેન, જનાર્દન, ઉપેંદ્ર, ચક્રપાણિ, ચતુર્ભુજ, પદ્મનાભ, મધુરિપુ, વાસુદેવ, ત્રિવિક્રમ, દેવકીનંદન, શૌરિ, શ્રીપતિ, પુરુષોત્તમ, વનમાલી, બલિધ્વંસી, કંસરાતિ, વિશ્વંભર, કૈટભજિત્, વિધુ, શ્રીવત્સલાંછન, પુરાણપુરુષ, યજ્ઞપુરુષ, જલશાયી, વિશ્વરૂપ, મુકુંદ, મુરમર્દન વગેરે નામ આપેલાં છે. | પોષ મહિનો. | બ્રહ્મા. | વિષ્ણુ; શેષશાયી ભગવાન; વિષ્ણુના ચોવીશ માંહેનો સત્તરમો અવતાર. | શુક્લ યજુર્વેદનો એક ઋષિ. | સંન્યાસી. | સંન્યાસીને નમસ્કાર કરતાં વપરાતો એક શબ્દ. વધુ + | કૃષ્ણ યજુર્વેદની એક ઉપનિષદ. | જૈન વૈશ્યોની ચોરાશી માંહેની એ નામની એક જાતિ. | એ નામની જાતિનું માણસ. | એક પ્રકારનું ભયંકર અસ્ત્ર. | એ નામની જાતિનું. | નારાયણનું; નારાયણ સંબંધી.
Nãrãyan-Muni
સ્વામીનારાયણ પ્રભુ; સહજાનંદ સ્વામી.
Swãminãrãyan
સહજાનંદ સ્વામીએ સ્થાપેલ એ નામનો એક ધાર્મિક સંપ્રદાય; સ્વામિનારાયણ પંથ. | સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રવર્તક. સહજાનંદ સ્વામી ઈ. સ. ૧૭૮૧માં ઉત્તર હિંદમાં અયોધ્યા પાસેના છપૈયા ગામમાં રામનવમીને દિવસે જન્મ્યા હતા. તેમનું મૂળ નામ ઘનશ્યામ હતું. તેમના પિતાનું નામ હરિપ્રસાદ અને માતાનું નામ પ્રેમવતી હતું. એમ કહેવાય છે કે અગિયાર વરસની ઉંમરે તેઓ સંસ્કૃતમાં પ્રવીણ થઈ ગયા હતા. તે વરસે તેમના માતા અને પિતા છ છ મહિનાને આંતરે ગુજરી ગયા. આ પછી ઘનશ્યામે ઘર છોડી બદલાયેલા નીલકંઠને નામે આખા હિંદુસ્તાનની યાત્રાઓ કરી. ઈ. સ. ૧૭૯૯માં તે કાઠિયાવાડમાં માંગરોળ પાસેના લોજ ગામમાં આવ્યા. ત્યાં સ્વામી રામાનંદ પોતાના અનુયાયી સાધુઓ સાથે રહેતા હતા. એ વખતે રામાનંદ સ્વામી કચ્છમાં હતા, પરંતુ તેમના પટ્ટ શિષ્ય મુક્તાનંદ સ્વામી ત્યાં હતા. તેમણે નીલકંઠનું સન્માન કર્યું અને પોતાની જગ્યામાં તેડી ગયા. થોડા માસ પછી તે પાસેના પીપલાણા ગામમાં નીલકંઠનો રામાનંદ સ્વામી સાથે મેળાપ થયો અને સ્વામી રામાનંદે પોતાની ‘સત્સંગ’ની ગાદી તેમને ઈ. સ. ૧૮૦૦માં જેતપુર મુકામે અર્પણ કરી. ત્યારથી તે સહજાનંદ સ્વામી કે સ્વામિનારાયણ તરીકે ઓળખાયા. તે જમાનો મારફાડ અને લૂંટનો હતો. લોકોમાં સંસ્કાર ઘણા ઓછા હતા. તેમને સુધારવાને માટે સ્વામિનારાયણે સાધુઓને દીક્ષા આપી ઉપદેશ કરવા જુદા જુદા પ્રદેશમાં મોકલ્યા. સ્વામિનારાયણ ધર્મમાં દાખલ થનાર માણસને ચોરી નહિ કરવાની, માંસ મદિરા નહિ લેવાની અને વ્યાભિચાર નહિ કરવાની પ્રતિજ્ઞાઓ લેવી પડતી. તેઓએ લગભગ ૩૦ વરસ ફરીને બધાને ધર્મનો ઉપદેશ આપ્યો. તેઓ વરસના આઠ મહિના ફરતા અને ચોમાસામાં ભાવનગર સંસ્થાનમાં આવેલા ગઢડા મુકામે રહેતા. ત્યાં રહીને લોકોમાં સારા સંસ્કાર રેડતા. તેઓએ તેમને લૂંટફાટ કરતા અટકાવી, ધર્મને રસ્તે ચડાવ્યા. કાઠીઓમાં ઊન્નડ ખાચર જે દાદાખાચરના નામથી પ્રસિદ્ધ છે, તેણે પોતાની બધી મિલકત સ્વામિનારાયણને અર્પણ કરી અને તેમના શિષ્ય થઈને રહ્યા. સ્વામિનારાયણ પોતાના સાધુઓની પ્રસંગોપાત પરીક્ષા કરતા અને તેઓ વિલાસી જીવન ગાળતા નથી તેની બરોબર સાવચેતી રાખતા. સાધુઓને માટે તેણે ઘણા આકરાં નિયમો ઘડયા હતા. જેમકે, (૧) તેઓએ ખુલ્લી જમીન ઉપર સૂવું, (૨) બધી જાતનું અન્ન ભેગું કરીને તેમાં થોડું પાણી નાંખીને ખાવું. સ્વાદ લેવા માટે નહિ પણ દેહ ધારણ કરવા માટે જ ખાવું. (૩) ત્યાગીઓએ સ્ત્રીજાતિ સામે જોવાનો, તેની સાથે બોલવાનો, સંદેશા મોકલવાનો કે બીજો કોઈ પણ જાતનો વ્યવહાર રાખવો નહિ, તેમ જ તેમનું ચિત્ર પણ જોવું નહિ. સ્વામિનારાયણ ધર્મ દિવસે ને દિવસે લોકપ્રિય થવા માંડયો અને ૩૦ વર્ષ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના બે લાખ અનુયાયીઓ થયા અને ઘણે સ્થળે મંદિરો બંધાયાં. અત્યારે સ્વામિનારાયણ ધર્મ ગુજરાતમાં વીસ લાખ કરતાં વધારે માણસો પાળે છે. સને ૧૮૩૦માં સ્વામિનારાયણ સ્વધામ ગયા.

this project's own English definition for this term is Swaminarayan-Sampraday-specific; this general-dictionary sense does not capture that doctrinal specificity, treat as vocabulary/spelling context only