Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

3 resultsfor “satya · clear

asatya
જૂઠાણું; ખોટી વાત. | ( બૌદ્ધ ) દશ અકુશલ કર્મપથ માંહેનો એક. જુઓ કર્મપથ. | માયા; ભ્રમ. | અન્યાયી; ગેરવાજબી. | કાલ્પનિક; માત્ર વિચારમાં જ હોય એવું. | ખોટું; જૂઠું; મિથ્યા. | ચોસઠ માનસતત્ત્વ દેવતામાંનો એક. જુઓ માનસતત્ત્વદેવતા.
satya
( પુરાણ ) અંગિરસ. | આત્મા. મુંડકોપનિષદમાં કહ્યું છે કે, બધાં સાધનો માંહે સત્યની આરાધના જ મુખ્ય છે. કેમકે, સત્યમાં જ સૌ સાધનોનો સમાવેશ વિચાર દૃષ્ટિએ કરતાં થઈ જાય છે. સત્ય જ પરમાત્મા છે. સર્વત્ર સત્ય જ જીતે છે, દેહાદિ છેવટે વિચારદૃષ્ટિએ જૂઠાં ઠરે છે, એટલે જીવનમાં છેવટે આત્માનો અર્થાત્ સત્યનો જ જય થાય છે. ઉપનિષદમાં લખ્યું છે કેઃ વધુ + | ( પુરાણ ) ઉત્તાનપાદ વંશીય હવિર્ધાન રાજાનો પાંચમો પુત્ર. | ( પુરાણ ) ઉંછવૃત્તિ કરનાર એ નામનો એક બ્રાહ્મણ. તેની સ્ત્રીનું નામ પુષ્પમાલિની હતું. | ( ન્યાય ) એ નામનો એક પ્રકારનો હેત્વાભાસ; જેને પ્રતિપક્ષી છે એવો હેતુ. | ( પિંગળ ) એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. ગણપ્રસ્તાર પ્રકાશ પ્રમાણે આ છંદ ષટપદી છપ્પય છંદનો એક ભેદ છે. તેમાં ૩૫ ગુરુ અને ૮૬ લઘુ અને ૧૨૧ વર્ણની ૧૫૬ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે આનંદ વસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૩૧ ગુરુ અને ૨૮ લઘુ મળી ૫૯ વર્ણની ૯૦ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે પંક્તિ છંદનો ભેદ છે. તેના દરેક ચરણમાં રગણ, નગણ, ભગણ અને ગુરુ મળી ૧૦ વર્ણ હોય છે. | ચાર માંહેનો એક યુગ; સત્યયુગ; કૃતયુગ. | ( પુરાણ ) દશ માંહેનો ચોથો વિશ્વદેવ. | નાંદીમુખ શ્રાદ્ધનો એક દેવ. | પરમાત્મા; બ્રહ્મ. | પીપળો. | ( પુરાણ ) બ્રહ્મ સાવર્ણિ મન્વંતરમાં હવે પછી થનારો સપ્ત માંહેનો એક ઋષિ. | ( પુરાણ ) બ્રહ્માનો નવમો દિવસ. | ( પુરાણ ) ભીમસેને મારેલા કલિંગ રાજાના બેમાંનો એક ચક્રરક્ષક. | યમના પાંચ માંહેનો એક નામ. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. | શિવનાં હજાર માંહેનું એક નામ. | સત્યલોક. | સૂર્યનાં ૧૦૮ માંહેનું એક નામ. | અપરિમિત સત્ય; પરિમિતથી ઉચ્ચત્તર સત્ય; વાચાના સ્થૂળ સત્યથી અન્ય સત્ય; વાચા, વિચાર ને આચારનું પરંસત્ય; ચિરઃસ્થાયી સ્વતંત્ર સત્ય; સર્વ સમર્થ સત્તા; શુદ્ધ સત્ય. ઈશોપનિષદમાં લખ્યું છે કેઃ હે પૂર્ણ પરમાત્મા ! આપ સત્ય સ્વરૂપનું મુખ સોનાના ઢાંકણથી ઢંકાયેલું છે. હે સર્વપોષક પરમાત્મન્ ! સત્યપરાયણ એવા મારા દર્શન માટે આપ એ માયા એટલે અજ્ઞાનરૂપી સોનેરી ઢાંકણને કૃપાથી દૂર કરો ! અર્થાત્ પરમાત્મા પરમ સત્ય છે. એ પરં સત્ય, અસત્યનાં ચકચકતાં અને લોભાવનારાં ઢાંકણથી ઢંકાયેલું છે ! ઋષિ જીવનભર સત્યની આરાધના કરી ચૂકેલા છે. આથી હવે હૃદયપૂર્વક પ્રાર્થે છે કે હે ભગવત્ ! આપ પરમ સત્યનાં મને દર્શન થાઓ ! અસત્ય ખરી પડો ! હિરણ્યમયી પાત્રેથી આવર્યું સત્યનું મુખ, તે પરમાત્મ ! ઉઘાડ દર્શને બ્રહ્મનિષ્ઠના. સુવર્ણ કેરા ચળકિત પાત્રે, ઢાંકી દીધું છે મુખ સત્યનું એ; ઉઘાડ તે તું મુજ દૃષ્ટિ અર્થે, પરં કૃપાળુ પરમેશ સત્ય ! માયારૂપે છે ચળકિત સોનું, ભમાવતું તે મન લાલચોમાં; છે ઈશ રૂપે પરમેશ સત્ય, સદા વિરાજે પરિપૂર્ણ બ્રહ્મ. વિનમ્ર ભાવે ઋષિરાજ પ્રાર્થે, ઉઘાડને બારણું સત્યનું આ; વિશુદ્ધ હો હે પરિપૂર્ણ સત્ય ! હિરણ્યરૂપી મુજ દોષદૃષ્ટિ ! ગાંધીજી કહે છે કે, હરિશ્ચંદ્ર પોતે જાણતો હતો તે સત્યને સારુ ખુવાર થયો ને અમર થયો ઈમામ હુસેને પોતે જાણ્યું ને સત્યને સારુ પ્યારો દેહ દીધો. પણ આવા કાળમાં એક જ રૂપે હસ્તી માત્ર પરમાત્માની છે. પરિમિત સત્ય ઉપરાંત એક શુદ્ધ સત્ય છે જે અખંડ છે, સર્વવ્યાપક છે પણ તે અવર્ણનીય છે, કેમકે સત્ય એ જ પરમેશ્વર છે, અથવા પરમેશ્વર જ સત્ય છે, બીજું બધું મિથ્યા ખોટું છે. સત્ય શબ્દની ઉત્પત્તિ સતમાંથી છે. સત્ એટલે હોવું. ત્રણે સત્ય જગતના જેટલું જ પુરાતન છે. મારે મન સત્ય જ સર્વોપરી છે અને એમાં અગણિત વસ્તુઓનો સમાવેશ થાય છે. સત્યમાં પ્રેમ હોય, સત્યમાં અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય આદિનો સમાવેશ થઈ જાય છે. સત્યને જાણ્યા પછી હિંસા કરે તે સત્યને છોડે, સત્યને જાણ્યા પછી જે વ્યભિચાર કરે તે તો સૂરજ છતાં અંધારાની હસ્તી માનવા જેવું થયું. સત્ય સ્વયંપ્રકાશ છે અને સ્વયંસિદ્ધ છે એવું સત્યાચરણ આ વિષકાળને વિષે કઠિન છે પણ અશક્ય નથી એ હું જાણું છું એવા સત્યના આગ્રહી આપણે ઘણા થોડે ઘણે અંશે પણ થઈએ તો સ્વરાજ મેળવીએ. સત્ય વિના નિર્દોષતા સંભવે જ નહિ. આથી જ સત્યાચરણ મુક્તિનું દ્વાર છે. જેનું જીવન સત્યમય છે એ તો શુદ્ધ સ્ફટિકમણિના જેવું હોય તેની પાસે અસત્ય એક ઘડી પણ ન સંભવે. જેનામાં સત્ય અને સેવા પૂર્ણપણે પ્રગટ થાય તે જગતના હૃદયનું સામ્રાજ્ય જરૂર ભોગવે અને ધારેલાં કાર્ય પાર પાડે. સત્યનો જ જય છે, એવું ઈશ્વર વચન છે, તેને અપવાદ નથી. સત્યમેવ જયતે ! જગતમાં આકરામાં આકરું વ્રત સત્યનું છે. લાખો મથે છે તેમાંથી કોઈક જ એ જ જન્મમાં પાર ઊતરે. જે સત્યને જાણે છે અને મન, વચન, કાયાથી સત્ય જ આચરે છે તે પરમેશ્વરને ઓળખે છે. તેથી તે ત્રિકાળદર્શી થાય છે. તેને આ દેહે મોક્ષ છે. આ જ વિચારણા ગાંધીગીતામાં એમ કલ્પેલ છે કેઃ આ મારા સૌ સિદ્ધાંતોને પ્રયોગો સત્યના ગણું, ટિપાયા છે કસાયા છે અનુભવની એરણે. આ સત્યના પ્રયોગોમાં સત્યથી ભિન્ન જે બીજ, અહિંસા બ્રહ્મચર્યાદિ નિયમોના પ્રયોગ છે. તો યે છે મન મારે એ સત્ય સર્વોપરી સદા, અગણિત નીતિઓનો તેમાં સમાસ થાય છે. આ સત્ય નથી વાચાનું સ્થૂળ સત્ય ન સંભવે, વાચા વિચાર આચારે જે સત્ય એ જ સત્ય છે. કલ્પેલું આપણે જે તે આ સત્ય નહિ સંભવે, આ સત્ય તો ચિરઃસ્થાયી ને સ્વતંત્ર ગણાય છે. પરમેશ્વરની વ્યાખ્યા અગણિત અપાય છે, અગણિત વિભૂતિઓ મનાય તેની યે વળી. ઘણીવાર કરે મુગ્ધ મને એ સૌ વિભૂતિઓ, છતાં યે હું પૂજારી તો એ સત્યરૂપ ઈશનો. ઈશ સત્ય બીજું મિથ્યા એ સત્ય સાંપડ્યું નથી, તેનો શોધક નિત્યે હું હોમાઉં શોધયજ્ઞમાં. સત્યના શોધકો સૌને રજકણથી યે નીચે, રહેવું જ પડે છે તો એ રીતે સૌ રહો તમે. જગત કચરે આખું રજકણ ડગે ડગે, પૂજારી સત્યનો નમ્ર રજકણે દબાય છે. સત્યના શોધકોને તો આવું અલ્પ થવું પડે, સ્વતંત્ર સત્યની ઝાંખી નહિ તો છે સુદુર્લભ. સત્ય શબ્દની ઉત્પત્તિ સતમાંથી સંભવિત છે, `હોવું` શબ્દાર્થ તેનો છે લક્ષ્યાર્થે `પરમાત્મ` એ. એકરૂપે ત્રિકાળે જે અવિનાશી અખંડ છે, પરમેશ્વર છે સત્ય સત્ય એ પરમેશ્વર. સર્વ સમર્થ સત્તાને સત્ય નામથી ઓળખું, ઓળખાવું ય તે નામે તે મારે મન ઈશ્વર. સત્યના બે પ્રકારો છે પરિમિતાપરિમિત, દૃશ્યમાન પરિમિત અપરિમિત ઈશ છે. એ પરિમિત સત્યાર્થે હરિશ્ચંદ્રે બધું તજ્યું, ને ઈમામ હુસેને યે અર્પ્યો છે નિજ દેહને. તે પરિમિતથી અન્ય અપરિમિત શ્રેષ્ઠ છે, શુદ્ધ સત્ય કહેવાયે સર્વવ્યાપક ઈશ્વર. બ્રહ્મ સત્ય જગત મિથ્યા સત્ય એ જ પરં ઈશ, જાણે છે સત્ય છે એમ ત્રિકાળદર્શી તે જ છે. સત્યાચરણી તેવાને સાક્ષાત્કાર પ્રભુ તણો, તેને છે મોક્ષ આ દેહે ઓળખે પરમેશને. નિર્દોષતા વિના સત્ય સંભવે જ નહિ કદી, સત્યાચરણ તેથી જ મુક્તિનું નિજ દ્વાર છે. સત્ય સેવા પ્રકાશે છે જેમાં પૂર્ણપણે અહીં, જગનાં હૃદયોનું એ સામ્રાજ્ય ભોગવે નક્કી. શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે, યથાર્થ અને આનંદ ઉત્પન્ન થાય એવી રીતનું બોલવું અને ગોબ્રાહ્મણ અથવા બીજાને નુકસાન ન થતાં પોતાના અસત્ય બોલવાથી સામાનું ભલું થતું હોય તે વચન સત્ય કહેવાય છે. એને માટે ત્રાજવામાં સત્ય તથા અસત્ય બંનેને મૂકી વજન કરતાં જેમાં પુણ્યની વિશેષ પ્રાપ્તિ થાય તેને સત્ય સમજવું. ગીતા રહસ્યમાં કહ્યું છે કે, સત્ય શબ્દનો ધાત્વર્થ હોનાર એટલે કોઈ દિવસ પણ નષ્ટ ન થનાર અથવા ત્રિકાલમાં અબાધિત એવો છે. સત્ય તે જ પરબ્રહ્મ એવું સત્યનું યથાર્થ મહત્વ વર્ણવેલું છે. એક હજાર અશ્વમેધ યજ્ઞ અને સત્ય એ બેને ત્રાજવામાં નાખીએ તો હજાર અશ્વમેધના કરતાં સત્યનું ત્રાજવું નમે. જગતમાં સર્વદેશ અને સર્વ ધર્મમાં આબાલવૃદ્ધ સ્ત્રી પુરુષોને સર્વથી વધારે માન્ય અને પ્રમાણભૂત થયેલું તત્ત્વ સત્ય છે, સત્યથી જ પૃથ્વીનું ધારણ થઈ રહેલું છે, સત્યથી જ સૂર્ય તપે છે, સત્યથી જ વાયુ વાય છે; મતલબ કે આ સર્વનું સત્ય એ જ અધિષ્ઠાન છે. સત્ય એક વિશાળ વૃક્ષ છે. તેને જેમ સેવે તેમ તેમાંથી અનેક ફાળો નીપજતાં જોવામાં આવે છે. તેને અંત જ હોતો નથી. જેમ જેમ તેમાં ઊંડે ઊતરીએ તેમ તેમ તેમાંથી રત્નો મળ્યા કરે છે. | જૈનોનાં બાર માંહેનું એક વ્રત. સત્ય અહિંસા આદિ વ્રતથી શૂન્યતા સાધીને આ દેહે જ મુક્ત કેમ બની શકાય છે એ દર્શાવતાં પ્રસંગોપાત ગાંધીજીએ યથાર્થ કહ્યું છે કેઃ (૧) સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું. (૨) સત્યમય થવાને સારુ અહિંસા એ જ એક માર્ગ છે. (૩) સત્યનું સંપૂર્ણ દર્શન સંપૂર્ણ અહિંસા વિના અશક્ય છે. (૪) આવા વ્યાપક સત્યનારાયણના દર્શનને સારુ જીવમાત્રની પ્રત્યે આત્મવત્ પ્રેમની પણ આવશ્યકતા છે. (૫) આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય ન જ સધાય. (૬) આત્મશુદ્ધિ વિના અહિંસાધર્મનું પાલન સર્વથા અસંભવિત છે. (૭) અશુદ્ધાત્મા પરમાત્માના દર્શન કરવા અસમર્થ છે-એટલે જીવનમાર્ગનાં બધાં ક્ષેત્રોમાં શુદ્ધિની આવશ્યકતા છે. (૮) પણ આ શુદ્ધિનો માર્ગ વિકટ છે. (૯) શુદ્ધ થવું એટલે મનથી, વચનથી ને કાયાથી નિર્વિકાર થવું, રાગદ્વેષાદિ રહિત થવું. (૧૦) તેને સારુ મારે શૂન્યવત્ બનવાનું છે. (૧૧) મનુષ્ય જ્યાં લાગી સ્વેચ્છાએ પોતાને સૌથી છેલ્લો ન મૂકે ત્યાં લગી તેની મુક્તિ નથી. (૧૨) અહિંસા એ નમ્રતાની પરાકાષ્ટા છે. (૧૩) અને એ નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે નથી. (૧૪) નમ્રતા એટલે હુંપણાનો આત્યંતિક ક્ષય. (૧૫) આ જગતમાં જીવમાત્ર એક રજકણ કરતાં પણ કંઈ નથી. (૧૬) શરીરરૂપે ક્ષણજીવી છીએ. (૧૭) કાળના અનંત ચક્રમાં સો વર્ષનું પ્રમાણ કાઢી જ ન શકાય. (૧૮) પણ જો એ ચકરાવામાંથી નીકળી જઈએ-એટલે કંઈ નથી થઈ જઈએ તો બધું થઈ જઈએ. (૧૯) કંઈ થવું એટલે ઈશ્વરથી-પરમાત્માથી, સત્યથી વિખૂટા થવું. (૨૦) કંઈ ટળી જવું એટલે પરમાત્મામાં ગળી જવું. (૨૧) સમુદ્રમાં રહેલું બિંદુ સમુદ્રની મહત્તા ભોગવે છે, પણ તેનું તેને જ્ઞાન નથી. (૨૨) સમુદ્રથી વેગળું થયું ને પોતાનો દાવો કરવા બેઠું એટલે તે જ ક્ષણે સુકાયું. (૨૩) આ જીવનને પાણીના પરપોટાની ઉપમા આપી છે એમાં હું મુદૃલ અતિશયોક્તિ જોતો નથી. (૨૪) આવી નમ્રતા-શૂન્યતા-કેળવવાથી કેમ આવી શકે ? (૨૫) પણ વ્રતને ખરી રીતે સમજવાથી નમ્રતા પોતાની મેળે આવતી જાય છે. (૨૬) આ નમ્રતા એટલે પુરુષાર્થરહિતતા ન હોય ! (૨૭) ખરું જોતાં નમ્રતા એટલે તીવ્રતમ પુરુષાર્થ અને બધો પરમાર્થને કારણે હોય. તાત્પર્ય કે પરમાર્થને કારણે તીવ્રતમ નમ્રતા કે જે વ્રતને ખરી રીતે સમજવાથી સધાય છે તે દ્વારા જ સત્ય સાધી આ દેહે જ પરમ મુક્તિ પામી શકાય છે. | પાંચ માંહેનું એક સંવર. | પ્રમાણિકપણું. | બોધિસત્ત્વને પ્રાપ્ત કરવાની દશ માંહેની પારમિતા. તે આ પ્રમાણે છેઃ (૧) દાન, (૨) શીલ, (૩) નૈષ્કર્મ્ય, (૪) પ્રજ્ઞા, (૫) વીર્ય, (૬) ભ્રાંતિ, (૭) સત્ય, (૮) અધિષ્ઠાન, (૯) મૈત્રી અને (૧૦) કક્ષા. | યથાર્થ; બરાબર; યોગ્ય; વ્યાજબી. | સાચું; ખરૂં; વાસ્તવિક. | ખરે; સાચે; અકલ્પિત.
Satya-Yug
ચાર માંહેનો પહેલો યુગ; સતજુગ; કૃતયુગ; કાળનો એક વિભાગ. સત્ત્વગુણનું આધિક્ય જે કાળમાં હોય તેને સત્યયુગ કહે છે. કારતક સુદ ૯ પહેલા પહોરમાં શ્રવણ નક્ષત્ર તથા વૃદ્ધિ યોગમાં સત્યયુગની ઉત્પત્તિ થઈ છે. તેનું પ્રમાણ ૧૭,૨૮,૦૦૦ વર્ષનું છે. આ યુગમાં ચાર અવતાર થયા છેઃ (૧) મત્સ્ય, (૨) કચ્છપ, (૩) વરાહ અને (૪) નૃસિંહ. આ યુગમાં સૂર્યગ્રહણ ૧,૦૦૦ તથા ચંદ્રગ્રહણ ૧૦,૦૦૦ હોવાનું મનાય છે. આ યુગમાં હિરણ્યકશિપુ, પ્રહલાદ, વૈરોચન, બલિ, બાણાસુર જેવા ધર્મનિષ્ઠ રાજાઓ હતો. કહેવાય છે કે એક વખત બી વાવવાથી ૨૧ વખત લણણી થતી હતી. પુત્ર પિતાને વશ રહેતો. કપિલ, ભદ્ર, દક્ષ વગેરે બ્રહ્માની ઉપાસનામાં મચેલા રહેતા. આ યુગમાં મનુષ્યોનું આયુષ્ય એક લાખ વર્ષનું હોવાનું મનાતું. પ્રાણ એકલો અસ્થિગત હતો. સંતતિ ફક્ત બે હતીઃ એક કન્યા અને એક પુત્ર. તે બંને દીર્ઘાયુ હતાં. કામધેનુ બે ગાગર ભરાય તેટલું પુષ્કળ દૂધ દેતી અને કલ્પવૃક્ષો ઈષ્ટ પદાર્થો આપતાં. સર્વ સ્ત્રીઓ પતિવ્રતાઓ હતી. સર્વત્ર સોનાનાં વાસણો અને રત્નના દીવાઓ હતા. બ્રાહ્મણ આદિ સૂર્યનાં જેવા તેજસ્વી હોઈ તેમના શાપો લાગુ પડતા. તેઓ હમેશ તપશ્ચર્યામાં જ નિમગ્ન રહેતા હતા. સર્વ લોક શ્રુતિ, સ્મૃતિ, વેદાદિમાં કહેલા ધર્મ માનનારા હતા. દાતા સામે જઈ યાચકને દાન આપી અને તેને બારણે પણ ઊભા રહેતા. આ સમયના બધા રાજાઓ દૈત્ય કુળમાંથી ઉત્પન્ન થયા હતા, કારણ ઈતર વર્ણોને સ્વધર્માનુસાર પરમાત્માનાં જ્ઞાન સિવાય બીજી તુચ્છ વસ્તુઓ એટલે આસુરી સંપત્તિઓ ઉપભોગવાની ઇચ્છા થતી નહિ.