Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “svapna · clear

svapna
એક વ્યભિચારી ભાવ. | માનસિક એક ભાવ. | ( કાવ્ય ) સંચારી ભાવના તેત્રીશ માંહેનો એક ભેદ. | દર્શનનો એક પ્રકાર. | નિંદ્રામાં જે માયિક પ્રપંચ વ્યવહાર દેખાય છે તે ; સમણું; ઊંઘમાં ભાસતો દેખાવ; સોણું. સ્વપ્ન એ કુદરતની અનેક અમૂલ્ય બક્ષિસોમાંની એક છે. પુખ્ત ઉમરની વ્યક્તિ કે બાળક, પુરુષ કે સ્ત્રી, ભણેલ કે અભણ, સંસ્કારી કે જંગલી-સર્વ દરજજા અને પ્રકારનાં માણસોને સ્વપ્ન આવે છે. સ્વપ્ન સિવાયનું મનુષ્યજીવન શક્ય નથી. માનસશાસ્ત્રીઓ તો આપણને એમ કહે છે કે, કૂતરા, હાથી અને ઘોડા જેવાં પ્રાણીઓનાં પણ તેમના જીવન સાથે સંકળાયેલા પ્રસંગોને કે શારીરિક જરૂરિયાતોનાં સ્વપ્ન આવે છે. દરેક સ્વપ્નની પાછળ કંઇક ગૂઢાર્થ રહેલો હોવો જોઇએ એમ તો પ્રાચીન લોકો પણ માનતા હતા. તેઓ એમ માનતા હતા કે, સ્વપ્ન આપણને ભવિષ્યમાં બનનારા બનાવોની ઝાંખી કરાવે છે. અથવા તો ભગવાન સ્વપ્ન દ્વારા માંદા માણસની માંદગી દૂર કરે છે. આ સામાન્ય માન્યતાને અદ્યતન માનસશાસ્ત્ર ટેકો આપતું નથી સત્ય હકીકત એ છે કે, સ્વપ્નાં મનના એક અજ્ઞાત પણ મહત્ત્વના ભાગમાંથી ઉદ્ભવે છે, ભવિષ્યની આપણી ઇચ્છાઓ અને વાંછનાઓ સાથે એમનો ઘણો નિકટનો સંબંધ છે. સ્વપ્નાને માનવજીવનનાં સુખદુ:ખ સાથે ગાઢ સંબંધ છે. આપણા મનના ત્રણ કાલ્પનિક વિભાગ પાડી શકાય: સચેત, અર્ધસચેત અને અચેત. આપણને માત્ર સચેત મનનો અનુભવ થાય છે. આ સચેત મનની નીચે એક વિશાળ અચેત મન રહેલું છે. બંનેની વચ્ચે અર્ધસચેત મન છે એમ ઘડીભર માનીએ. વાસ્તવિક રીતે મન પદાર્થ નહિ હોવાથી તેમાં આવા વિભાગો હોઇ શકે જ નહિ. જાગ્રત અવસ્થામાં આપણને સચેત મન દ્વારા અનેક પ્રકારના અનુભવ થાય છે. આપણે ઊંઘતા હોઇએ ત્યારે સચેત મન નિષ્ક્રિય રહે છે. કોઇ વખતે ઊંઘમાં મન જાગ્રત અવસ્થા અનુભવે છે. આ અનુભવને આપણે સ્વપ્ન કહીએ છીએ. સ્વપ્નાવસ્થામાં આપણને જે અનુભવ થાય છે તેના ખરાપણા વિષે આપણને સહેજ પણ શંકા થતી નથી; તે ખરા છે એમ આપણે માની લઇએ છીએ. આવા અનુભવનાં કારણોના ત્રણ પ્રકાર પાડી શકાય: બાહ્ય, શારીરિક અને માનસિક. બાહ્ય કારણો સ્વપ્નસ્થ માણસની આસપાસના અવાજો અથવા બીજા ખલેલો છે. બહારના અવાજના મોજાં સચેત અને મનને જાગૃત કરવાને બદલે અચેત મનના ઊંડાણમાં રહેલી કોઇ ઇચ્છા કે વિચારને તેના તખ્તા ઉપર લાવી જાગ્રત અવસ્થા જેવો અનુભવ કરાવે છે. અપચો થયો હોય, વધારે ભારે ભોજનથી બેચેની લાગતી હોય, તબિયત સારી ન હોય, આવાં શારીરિક કારણો હોય ત્યારે આપણને ગાઢ નિંદ્રા આવતી નથી સ્વપ્નાં પણ આવે છે. આવાં કારણો સચેત મનને જાગ્રત નહિ કરી શકવાથી તેને અચેત મનની કોઇ ઊંડી ઇચ્છા કે વાંછના અથવા ગ્રંથિ સાથે જોડીને આપણને સ્વપનાંનો અનુભવ કરાવે છે; આવાં સ્વપ્નાં ઘણીવાર બિહામણાં હોય છે કારણકે, શારીરિક બેચેની આપણા મનને ચિંતાતુર બનાવે છે અને આપણને સ્વપ્નામાં પડી જવાના, કોઇના મૃત્યુના, કોઇને સખત ઇજા થયાના કે અકસ્માતના અનુભવો થાય છે. ત્રીજા પ્રકારનું કારણ મન પોતે જ છે. બહારના આવેગ સિવાય પણ ઘણીવાર સ્વપ્નાંની ઉત્પત્તિ મનમાંથી જ થાય છે. આપણે કોઇ અઘરો દાખલો ગણતા હોઇએ, ઘણો વિચાર કરીએ પણ તેની રીત બેસતી ન હોય; આમ મોડી રાત્રે વિચાર કરતાં કરતાં ઊંઘી જઇએ, ઊંઘમાં પણ વિચારની પરંપરા ચાલુ રહે અને આપણને સ્વપ્નમાં તે ગણવાનો અનુભવ થાય છે. આપણાં ઘણાખરાં સ્વપ્નાંનું ઉદ્ભવસ્થાન આપણું અચેત મન છે. મહાન માનસશાસ્ત્રી ફ્રોઇડ જણાવે છે કે, આ અચેત મનના ઊંડાણમાં આપણી અસંખ્ય અતૃપ્ત વાંછનાઓ તેમ જ વાસનાઓ, જેમને આપણે બાલ્યવસ્થામાં અંદર હડસેલી મૂકેલી તે રહેલી હોય છે. આમાંની ઘણી વાસનાઓ આપણા જાતીય જીવન સાથે સંબંધ ધરાવે છે. આવી બધી વાંછનાઓ અને ઇચ્છાઓ અચેત મનના ઊંડાણમાં રહે છે. આ અચેત મનમાંથી સચેત મનમાં આવવા તેઓ ભારે ધમાલ મચાવે છે. અચેત મન સમરાંગણ બને છે અને તેમાં આવી અતૃપ્ત વાંછનાઓ અને નૈતિક ભવનાઓ વચ્ચે દારુણ ઘર્ષણ થાય છે. અચેત મનમાંથી સચેત મનમાં જવાના પ્રવેશદ્વાર આગળ રહેલો ચોકીદાર તેમને અંદર પાછી ધકેલી મૂકે છે. આપણે જ્યારે નિદ્રાવશ હોઇએ ત્યારે ચોકીદાર પણ ઝોકાં ખાતો થઇ જાય છે. તેની આવી અસાવધ સ્થિતિનો લાભ લઇને કેટલીક વાંછનાઓ તેની નજર ચુકાવી સચેત મનના તખતાં ઉપર આવી જાય છે. તે વખતે આપણે ઊંઘમાં હોવા છતાં આપણું સચેત મન જાગ્રત અવસ્થાનો અનુભવ કરે છે. આ પ્રકારના સ્વપ્નમાં આપણી અતૃપ્ત વાંછનાઓની તૃપ્તિ થાય છે, જેને પરિણામે માનસિક ઘર્ષણ પણ ઓછું થાય છે અને આપણને શાંતિ મળે છે, ફ્રોઇડ સ્વપ્નને ઊંઘના રખેવાળ તરીકે ઓળખે છે. બાહ્ય, શારીરિક તેમ જ માનસિક કારણો આપણી ઊંઘમાં ખલેલ જ પહોંચાડે એટલા માટે કુદરેતે સ્વપ્નરૂપી નિદ્રારક્ષકો સર્જ્યા છે ફ્રોઇડ એમ માને છે કે, દરેક સ્વપ્ન આપણી અચેત વાંછનાતૃપ્તિનું સાધન છે. તેમજ અચેત મનના ઊંડાણમાં શું છે તે જોવાની એક બારી છે. માણસના સ્વપ્નનો શાસ્ત્રીય અભ્યાસ કરવાથી તેના અચેત મનના ઊંડાણમાં શી શી ઇચ્છાઓ તેમ જ વાસનાઓ રહેલી છે તે આપણે જાણી શકીએ છીએ. ફ્રોઇડે બતાવ્યું છે કે, આપણાં અનેક દર્દોનું મૂળ અચેત મનમાં છૂપાવેલી અતૃપ્ત વાસના છે. દર્દીનાં સ્વપ્નાંનો અભ્યાસ કરીને, માનસચિકિત્સકો દર્દના મૂળમાં કઇ અતૃપ્ત વાંછના રહેલી છે તે શોધી કાઢે છે. દર્દીને તે વાંછનાનું ભાન કરાવવામાં આવે કે તરત તે સારો થઇ જાય છે. વાયુ, લકવો, ઊંઘમાં ચાલવું વગેરે અનેક દર્દોનું કારણ અચેત મનના ઊંડાણમાં રહેલી કોઇ અતૃપ્ત વાંછના હોય છે. દર્દીનાં સ્વપ્નમાં તે વાંછના ગુપ્ત વેશે દેખાય છે. માનસચિકિત્સકો સ્વપ્નાંનો લાંબા વખત સુધી અભ્યાસ કરી મૂળ વાંછનાને તેના ખરા રૂપમાં પકડી પાડે છે અને દર્દીને તે જણાવે છે. દર્દીને તેનું ભાન કરાવવામાં આવે છે એટલે તેની માઠી અસર નાબૂદ થાય છે અને દર્દ મટી જાય છે. સ્વપ્નાં આપણને આશીર્વાદરૂપ છે. નિદ્રારક્ષકો તરીકે બાહ્ય, શારીરિક કે માનસિક ખલેલોથી તેઓ નિદ્રાનું રક્ષણ કરે છે. સ્વપ્ના ન હોય તો ઊંઘમાં વારંવાર ખલેલ પહોંચે અથવા માનસિક ઘર્ષણો આપણને બિલકુલ ઊંઘવા ન દે. ઊંઘ સિવાય જીવન બોજારૂપ અને નિરસ થાય. સ્વપ્નમાં આપણી અતૃપ્ત વાંછનાઓને તૃપ્તિ મળે છે તેથી તેમનું માનસિક ઘર્ષણ ઓછું થાય છે અને આપણને શાંતિ મળે છે. સ્વપ્નાં દ્વારા માનસચિકિત્સકો અતૃપ્ત વાંછનાઓને શોધી કાઢે છે અને તેના પરિણામે ઉત્પન્ન થયેલાં દર્દો નાબૂદ કરી શકે છે. આમ સ્વપ્નાં માનવજાતના સુખમાં વૃદ્ધિ કરવામાં અને દુ:ખોને નાબૂદ કરવામાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. | ( જૈન ) સાત માંહેની એ નામની એક અજ્ઞાત ભૂમિકા.