Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “varna · clear

varna
અક્ષર; ચિહ્ન; હરફ; દસ્કત; ઉચ્ચારનું રેખાત્મક લિપિ ચિહ્ન. વર્ણ ઉચ્ચારવામાં ઘણી કાળજી રાખવી જોઈએ. પાણિનિએ છ જણને અધમ પાઠક કહ્યા છેઃ (૧) ગાતો હોય તેમ બોલનાર, (૨) ઉતાવળથી બોલનાર, (૩) માથું હલાવી બોલનાર, (૪) સમજ્યા વિના વાંચનાર, (૫) અર્થ સમજ્યા વિના બોલનાર અને (૬) અલ્પ કંઠથી ઉચ્ચારનાર. માધુર્ય, અક્ષરની સ્પષ્ટતા, પદો છૂટાં પાડવાં, સુસ્વર, ધૈર્ય અને લય સાથે બોલવું એ છ પાઠકના ગુણ કહ્યા છે. વળી કહ્યું છે કે, શંકા કે ભયથી બોલતા હોઈએ તેમ બોલવું નહિ, અવ્યક્ત નહિ, નાકમાંથી નહિ, કાકસ્વરથી નહિ, સ્થાન વિવર્જિત નહિ, હોઠ પીસીને નહિ, ત્વરિત નહિ, વિલંબિત પણ નહિ, અક્ષરને પીડી પીડીને ઉચ્ચારાયા હોય તેમ નહિ. ગદ્દગદિત કહે નહિ, અક્ષર ગળી જઈ ને પણ નહિ. કેટલાક ભાષાભિમાનીઓ તો એટલે સુધી માને છે કે, દેવનાગરીના વર્ણોનો આકાર પણ સાવ કપોલ કલ્પિત નથી, પણ તે તે વર્ણો ઉચ્ચારવામાં થતી વાયુની હિલચાલના આકારને અનુરૂપ છે. દેવનાગરી ઉપરથી ઉત્પન્ન થયેલી ગુજરાતી લિપિ પણ તેટલે જ અંશે સ્વતઃ અને સ્વાભાવિક છે. વર્ણની ઉત્પત્તિ વિષે શ્રી સાયણાચાર્ય ઋગ્વેદના મંત્રના ભાષ્યમાં સમજાવે છે કે, એક જ નાદાત્મક વાણી મૂળ આધાર સ્થાનમાંથી નીકળતી પરા કહેવાય છે, કેમકે નાદ સૂક્ષ્મ હોવાથી સાંભળી શકાતો નથી; હૃદય તરફ જતી વાણી પશ્યંતી કહેવાય છે, કેમકે તેને યોગીઓ જોઈ શકે છે; તે જ બુદ્ધિમાં પ્રાપ્ત થયેલી, વિવક્ષા પામેલી મધ્યમા કહેવાય છે, કેમકે તે હૃદય નામના મધ્ય પ્રદેશમાં ઉત્પન્ન થયેલી છે; મુખમાં રહેલી, તાલુ, ઓષ્ઠ આદિના વેપારથી બહાર નીકળે છે તે વૈખરીવાણી કહેવાય છે. ભગવાન પાણિનિ પણ વર્ણની ઉત્પત્તિ સંબંધે લખે છે કે, આત્મા બુદ્ધિથી બાહ્ય પદાર્થનું જ્ઞાન મેળવી તે વિચાર બીજાને દર્શાવવા બોલવાની ઇચ્છા થવાથી મનને યોજે છે. મન શરીરમાંના અગ્નિને આઘાત કરે છે; અગ્નિ વાયુને પ્રેરે છે અને વાયુ છાતીને વિષે ફરતો મંદ સ્વર ઉત્પન્ન કરે છે, કંઠમાં ફરતો વાયુ મધ્યમ સ્વર ઉત્પન્ન કરે છે, મૂર્ધસ્થાનને વિષે ફરતો વાયુ તાર સ્વર ઉત્પન્ન કરે છે. આ રીતે ઊંચો ઊંચો ગયેલો વાયુ મૂર્ધસ્થાનને વિષે પ્રત્યાઘાત પામે છે અને પાછો ફરી મુખમાં આવી વર્ણને ઉત્પન્ન કરે છે. | ( જ્યોતિષ ) અમુક નક્ષત્રોથી થતો વર્ણકૂટ. તે વિવાહમાં ઉપયોગી ગણાય છે. | ( પિંગળ ) એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ; કર્ણ. આ છંદ ષટપદી છપ્પય છંદનો એક ભેદ છે. તેમાં ૧૮ લઘુ અને ૬૭ ગુરુ મળી ૧૫૨ માત્રા છે. | ( સંગીત ) ગાયનની અંદર થતો સુંદર સ્વર વિસ્તાર. | ( સંગીત ) ગાવાની પ્રત્યક્ષ ક્રિયા. તેના ચાર પ્રકાર છે. (૧) સ્થાયી, (૨) આરોહી, (૩) અવરોહી અને (૪) સંચારી. | ગુણ. | ચારની સંજ્ઞા. | ચિત્ર; તસ્વીર; છબી. | જ્ઞાતિ; નાત. જેમકે, અઢારે વર્ણ. વધુ + | પ્રાચીન હિંદનો એક દેશ. | ભાત; તરેહ; પ્રકાર; ભેદ; વિભાગ. | મૃદંગનો એક તાલ. | રંગ; રંજક; રંજન. | રૂપ; સૌંદર્ય. | વિલેપન દ્રવ્ય. | ( ગણિત ) સહાયકારી આંકડો. | ( સંગીત ) સાત માંહેનો કોઈપણ સ્વર. | સોનું. | સ્તુતિ; વખાણ; યશ. | હાથીની ઝૂલ. | હિંદુ સમાજના ચાર માંહેનો દરેક વિભાગ; પ્રાચીન આર્યોએ મનુષ્યોના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂક્ર એવા ચાર વિભાગ પાડ્યા હતા તે માંહેનો દરેક વિભાગ; કર્માનુસાર પાડેલા મનુષ્યના વર્ગમાંનો એક વર્ગ. ઉપનિષદોમાં વર્ણનો ઇતિહાસ સારી પેઠે મળી આવે છે. શરૂઆતમાં બ્રાહ્મણ એક જ વર્ણ હતો. તમામ કામ બ્રાહ્મણ વર્ણ દ્વારા જ થતું. જેમ જેમ એકલા બ્રાહ્મણ વર્ણને કામનો બોજો લાગવા માંડ્યો તેમ તેમ સમાજના જુદા જુદા કર્તવ્ય પ્રમાણે ભાગ પડવા માંડ્યા. બ્રાહ્મણ પછી ક્ષત્રિય, પછી વૈશ્ય ઊભા થયા અને સૌથી છેલ્લે તમામ વર્ણે પોતાને અરુચતાં કામ માટે એક ચોથો વર્ણ ઊભો કર્યો. એ તે શુદ્ર કહેવાયો. મધ્યકાળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વચ્ચે સંબંધ સારો હતો અને પરસ્પર વિવાહ સંબંધ પણ થતો. સવર્ણ વિવાહ શ્રેષ્ઠ હોવા છતાં પણ બીજી વર્ણોની સાથેનો વિવાહ ધર્મશાસ્ત્રથી પ્રતિકૂલ ન મનાતો. ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કન્યાની સાથે પણ બ્રાહ્મણ વિવાહ કરી શકતો. યાજ્ઞવલ્કયે બ્રાહ્મણોને માટે શૂદ્રની કન્યાનો નિષેધ કર્યો. બાણે શૂદ્ર સ્ત્રીથી ઉત્પન્ન થયેલા બ્રાહ્મણના પુત્ર પારશ્વનો ઊલ્લેખ કર્યો છે. દક્ષિણમાં પણ ક્ષત્રિયોની સ્ત્રી સાથે બ્રાહ્મણોના વિવાહ થવાનાં ઉદાહરણ મળી આવે છે. ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રની કન્યા સાથે વિવાહ કરી શકતો પણ બ્રાહ્મણની કન્યા સાથે નહિ. આ પ્રમાણે વૈશ્ય શૂદ્રની કન્યા સાથે વિવાહ કરી શકતો. મતલબ કે, આ સમયે અનુલોમ વિવાહની પ્રથા હતી; પ્રતિલોમની નહિ. પરસ્પરનો આ વિવાહ સંબંધ ધીરે ધીરે કમી થઈ ગયો અને છેવટે પોતપોતાના વર્ણોમાં થવા લાગ્યો. ગાંધીજી કહે છે કે, વર્ણનો બચાવ હું જરૂર કરું છું, મારી સમજ પ્રમાણે વર્ણ એ આર્થિક નિયમ છે અને આપણને તેનું ભાન હોય કે ન હોય તોપણ એનો અમલ થયા કરે છે. એ નિયમને મનુષ્યજાત અનુસરે તો સુખી થાય. આજે એ નિયમની અવગણના થઈ રહી છે તેથી આખા જગતમાં તે છિન્નભિન્ન થઈ રહ્યો છે. વર્ણ ઊંચ કે નીચ ભાવનો વિરોધી છે. વર્ણધર્મ એ કાંઈ મનુષ્યકૃત નિયમ નથી કે મનુષ્યની ઇચ્છા પ્રમાણે એનો અમલ થાય કે ન થાય. મનુષ્યની પૂર્ણ ઈશ્વરમય સુસંસ્કૃત અવસ્થામાં એ નિયમ એને માટે સ્વભાવસિદ્ધ છે. એની અવગણના કરે છે તેને હાનિ થાય છે. એ નિયમની શોધ હિંદુસ્તાનમાં થઈ છે અને સૈકાઓ સુધી ઓછાવત્તા પ્રમાણમાં નિષ્ઠાપૂર્વક તેનું પાલન થયું છે. આજે પણ સમાજ અજ્ઞાનમાં અને લાચારીથી એનું પાલન કરે છે. એ નિયમની નજરે બ્રાહ્મણ અને ભંગી સર્વથા સમાન છે. ભંગી પોતાનું નક્કી કરેલું કર્મ પ્રસન્ન ચિત્તે અને નિષ્ઠાપૂર્વક કરતો હોય તો તેના ઉપર ભગવાન રાજી થશે, પણ કોઈ બ્રાહ્મણ ગમે તેવો વિદ્વાન હોય છતાં પોતાના ધર્મને ન અનુસરતો હોય તો ભગવાન એના ઉપર નારાજ થશે. વર્ણધર્મ અનુસાર કોઈ ને હક્ક નથી મળતા, કર્તવ્ય જ પ્રાપ્ત થાય છે. આ ધર્મનો સ્વીકાર અને તેનું પાલન કરવાથી જ સાચામાં સાચી લોકશાહીનો વિકાસ થઈ શકે છે, એટલે હું માનું છું કે, વર્ણમાં તો કશો દોષ નથી. દોષ એક વર્ણને બીજા વર્ણથી ઊંચો માનવામાં રહેલો છે. | કેસર.